વડોદરા શહેરમાં પ્રથમ પત્નીને છૂટાછેડા માટે આપેલા 6 લાખ રૂપિયા બીજી પત્નીને પિયરમાંથી લાવવા પતિ સહિત સાસરિયાઓએ દબાણ કરતા હતા. જેથી પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તારો બાપ ભીખારી છે કહીને સાસરીયા ત્રાસ આપતા
વડોદરના ન્યૂ.વી.આઇ.પી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ભાવીનભાઇ જયંતીભાઇ મહિડા (રહે. સુરભી પાર્ક, સમતા, વડોદરા) સાથે થયા હતાં. લગ્નના એક મહિના બાદ પરિણિતાના સાસુ બીમાર પડતા નણંદ નિમિષાબેન મિશ્રા તથા નણદોઇ સુરજકુમાર મિશ્રા (રહે. રાધે શ્યામ સોસાયટી, ગોત્રી, વડોદરા) અને બીજી નણંદ પ્રતિક્ષાબેન નિલેષકુમાર મકવાણા (રહે ભરૂચ)એ અવાર-નવાર ઘરે આવી તને જમવાનું બનાવતા નથી આવતું કહી મ્હેણા-ટોણા મારવા લાગ્યા હતા. પતિ તેમની બહેનોનું જ ઉપરાણું લેતો હતો. સાથે સાસુ શાંતાબેન મહિડા અને સસરા જયંતીભાઇ મહિડા પણ દહેજમાં કશું નથી લાવી, તારો બાપ ભીખારી છે કહીને પિયરમાંથી એસી અને એક્ટિવા લાવવા દબાણ કર્યું હતું. તેમજ આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી
દરમિયાન પતિના અગાઉ છૂટાછેટા થયેલા હોવાથી પ્રથમ પત્નીને 6 લાખ રૂપિયા આપવા પડ્યા હતા. જેથી સાસુ અને નણંદ નિમિષાબેન આ રૂપિયા પરિણિતા પાસેથી પિયરમાંથી લાવવા અંગેની વાત ફોનમાં કરતા હતા તે સાંભળી હતી. આ અંગેનું રેકોર્ડિંગ પતિને સંભળાવ્યું હતું. જેથી સાસરીયાઓ પરિણિતાને કોઇને કોઇ પ્રકારે હેરાન-પરેશાન કરતા હતા. તેમજ પરિણિતા સાથે ઝઘડો કરીને તેને ઘરમાંથી કાઢી મુકતા તે પિતાને ત્યાં પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. પરિણીતાએ આ અંગે બાપોદ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.