વડોદરા:મુસ્લિમ વિસ્તાર નવાયાર્ડમાં એકલા રહેતા હિન્દુ દંપતિમાંથી પતિનું મૃત્યુ, સ્થાનિક બિરાદરોએ અંતિમ સંસ્કાર કર્યાં

વડોદરા3 વર્ષ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • કૉપી લિંક
  • દંપતીના પરિવાજનો અને સંબંધીઓની ખબર ન મળતા મુસ્લિમ યુવાનોએ અંતિમ વિધી કરી
  • હિન્દુ વૃદ્ધને કાંધ આપતા મુસ્લિમ યુવાને જોતા લોકો અને પોલીસકર્મીઓ સ્તબ્ધ થઇ ગયા
  • મુસ્લિમ યુવાનોએ કહ્યું: 'સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વનું છે ધાર્મિક ડિસ્ટન્સિંગ નહીં'

દેશભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના વાઈરસની મહામારીમાં વચ્ચે વડોદરામાં મુસ્લિમ યુવાનોએ માનવતાનું કામ કરીને હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરી છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મૃત્યુ પામેલા હિંદુ વૃદ્ધને મુસ્લિમ યુવાનોએ કાંધ આપીને અંતિમ સંસ્કાર કર્યાં હતા. મુસ્લિમ યુવાનોએ કહ્યું કે, આજે માનવતાનું આ કાર્ય કરીને અમને લાગે છે કે, પવિત્ર રમઝાન માસની દુઆ અલ્લાહે કબૂલ કરી લીધી હશે. મુસ્લિમ યુવાન ઝુબેર પઠાણે જણાવ્યું હતું કે, 'કોરોના સંક્રમણના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વનું છે, ધાર્મિક ડિસ્ટન્સિંગ નહીં. 
મુસ્લિમ યુવાનો એકલવાયુ જીવન જીવતા દંપતીને ચા, ભોજન અને દવાની સેવા આપતા હતા
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારની ચિશ્તીયા મસ્જીદ પાસે આવેલી રસુલજી ચાલમાં 85 વર્ષિય ગંગાપ્રસાદ તિવારી પત્ની સાથે રહેતા હતા. આ વિસ્તારના હિન્દુ-મુસ્લિમ લોકો ગંગાપ્રસાદને પંડિત તરીકે અને તેમની પત્નીને પંડિતાઇ તરીકે ઓળખતા હતા અને તે નામથી બોલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધ દંપતિ એકલવાયુ જીવન જીવતા હતા. લોકડાઉનની પરિસ્થિતિમાં પણ તેઓ એકલવાયુ જીવન ગુજારી રહ્યાં હતાં. લોકડાઉનની સ્થિતિમાં વિસ્તારના સ્થાનિક મુસ્લિમ લોકો તેઓને સવારે ચા, અને સવાર-સાંજ જમવાનું અને જરૂર પડે તો તેઓને દવાઓની પણ સેવા પૂરી પાડતા હતા. મુસ્લિમ યુવાનો તેમની દેખરેખ રાખતા હતા. આ વૃદ્ધ પંડિત દંપતી મૂળ ક્યાંના વતની છે અને તેઓના અન્ય પરિવારજનો ક્યાં રહે છે. તેની કોઇને ખબર નથી. 
વૃદ્ધ મૃત્યુ થતાં મુસ્લિમ યુવાનોએ તેમના સ્વજનોની ખુશ શોધખોળ કરી પણ કોઇ ન મળ્યું
છેલ્લા કેટલાક દિવસથી ગંગાપ્રસાદ તિવારીની તબિયત બગડી હતી. દરમિયાન મંગળવારે રાત્રે તેઓનું મૃત્યુ થયું હતું. પંડિત ગંગાપ્રસાદનું મૃત્યુ થયું હોવાની જાણ થતાં સ્થાનિક મુસ્લિમ યુવાનો લોકો દોડી ગયા હતા. જે પૈકી મુસ્લિમ અગ્રણી ઝુબેર પઠાણે તેમના સ્વજનો-પરિવારજનોને શોધવા માટે તેઓના હિન્દુ મિત્ર વર્તુળમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ પંડિત તરીકે ઓળખાતા ગંગાપ્રસાદનું કોઇ સ્વજન મળી આવ્યું ન હતું. 
મુસ્લિમ મહિલાઓએ પતિના મૃત્યુથી સ્તબ્ધ થઇ ગયેલી વૃદ્ધ પત્નીને સાંત્વના આપી
ગંગાપ્રસાદનું મૃત્યુ થતાં તેમની એકલી પડી ગયેલી પત્નીની તબિયત પણ ખરાબ છે. પતિનું મૃત્યુ થયા બાદ તેમના પત્ની સ્તબ્ધ થઇ ગયા હતા. તેઓને મુસ્લિમ યુવાનોએ તેઓના નિકટના સબંધીઓની વિગત મેળવવા માટે પૂછપરછ કરી હતી. પરંતુ તેઓ કંઇ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતા. જેથી મુસ્લિમ યુવાનોએ જ ગંગાપ્રસાદની અંતિમ વિધી કરવાનું નક્કી કર્યું હતું. અને સ્થાનિક મુસ્લિમ મહિલાઓએ પતિના મૃત્યુથી સ્તબ્ધ થઇ ગયેલી વૃદ્ધ પત્નીને સાંત્વના આપવાનું કાર્ય કર્યું હતું. 
10 મુસ્લિમ યુવાનોએ વારાફરથી વૃદ્ધને કાંધ આપી, પોલીસકર્મીઓ આ દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઇ ગયા
દરમિયાન ઝુબેર પઠાણ તેમજ સ્થાનિક યુવાનો નનામી, ફૂલહાર સહિતનો સામાન લઇ આવ્યા હતા. અને ગંગાપ્રસાદની નનામીને કાંધ આપી નવાયાર્ડ વિસ્તારના સ્મશાનમાં લઇ ગયા હતા. સ્મશાન યાત્રામાં 10 જેટલા મુસ્લિમ યુવાનો જોડાયા હતા. નવાયાર્ડ વિસ્તારમાં હિન્દુની નનામીને સ્મશાન તરફ જવા નિકળેલા મુસ્લિમ યુવાનોને જોઇને વિસ્તારના લોકો પણ માનવતાના દર્શન કરીને ચોંકી ઉઠ્યા હતા. એતો ઠીક લોકડાઉનમાં બંદોબસ્ત કરી રહેલી પોલીસ પણ નનામી લઇને જઇ રહેલા મુસ્લિમ યુવાનોને જોઇ સ્તબ્ધ થઇ ગઇ હતી. 
મુસ્લિમ યુવાનોએ કહ્યું: અમારી રમઝાન માસની ઇબાદત અલ્લાહે કબૂલ કરી લીધી હશે
ગંગાપ્રસાદની નનાનીને કાંધ આપનાર તેમજ અંતિમ યાત્રામાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે, પવિત્ર રમઝાન માસમાં આજે પવિત્ર કાર્ય થયું છે. અમારી રમઝાન માસની ઇબાદત અલ્લાહે કબૂલ કરી લીધી હશે. તેવું અમને લાગી રહ્યું છે. માનવીય અભિગમ ધરાવતાં નવાયાર્ડ વિસ્તારના મુસ્લિમ યુવાનોએ વૃદ્ધના હિન્દુ વિધી અનુસાર અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. અને વૃદ્ધની નનામીને કાંધ આપી સ્મશાન સુધી લઈ ગયા હતાં. ત્યાં હિન્દુ વિધી પ્રમાણે અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કર્યા હતાં.