તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ પ્રકરણમાં હત્યા:વડોદરાના અનગઢ ગામમાં પત્નીના પ્રેમીને ઘરે બોલાવીને પતિએ લાકડાના ફટકા માર્યા, પ્રેમિકાએ ઝેરી દવા પીવડાવીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી દંપતી અને મૃતક પ્રેમીની ફાઇલ તસવીર - Divya Bhaskar
આરોપી દંપતી અને મૃતક પ્રેમીની ફાઇલ તસવીર
  • નંદેસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દંપતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

પત્નીના પ્રેમીને યુક્તિપૂર્વક ઘરે બોલાવ્યા બાદ પતિએ લાકડીના ફટકા માર્યા હતા અને પત્નીએ પોતાના પ્રેમીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અનગઢ ગામમાં બનેલા આ ચકચારી બનાવ અંગે નંદેસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દંપતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

લગ્ન પહેલાં યુવતીને ગામમાં રહેતા યુવાન સાથે પ્રેમ સંબંધ હતો
ACP બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં રહેતા રાજુ દલપતભાઇ ગોહિલનું લગ્ન દોઢ વર્ષ પહેલા આણંદ જિલ્લાના સામરખા ગામના ભાટીયાપુરા પરાની શિવાની સાથે થયું હતું. લગ્ન પહેલાં શિવાનીને પોતાના જ ગામમાં રહેતા મિલન ઉર્ફ સંજય મુકેશભાઇ પરમાર(રાજપૂત) સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ ચાલતો હતો. શિવાનીએ લગ્ન બાદ પ્રેમીને ભૂલી જવાને બદલે પિયરમાં આવ્યા પછી પણ પ્રેમી સાથે ટેલિફોનિક વાતચીત કરીને પ્રેમ સંબધ ચાલુ રાખ્યો હતો.

પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં પતિ ચોંકી ઉઠ્યો
બે દિવસ પહેલાં રાજુ ગોહિલને પત્ની શિવાનીના પ્રેમ સબંધની જાણ થતાં ચોંકી ગયો હતો. દરમિયાન તેણે પત્નીના પ્રેમીનું કાસળ કાઢી નાખવા માટે મનોમન નક્કી કરી લીધું હતું અને 2 જૂનના રોજ પત્ની શિવાનીના પ્રેમી મિલન ઉર્ફ સંજય પરમારને ફોન કરીને અનગઢ પોતાના ઘરે બોલાવ્યો હતો. પ્રેમિકાના પતિનો ફોન જતા મિલન ઉર્ફ સંજય ગામના મિત્ર ધર્મેન્દ્રકુમાર ઉપેન્દ્રભાઇ પરમારને લઇને અનગઢ આવ્યો હતો. મિલન ઉર્ફ સંજય પ્રેમિકાના ઘરે ગયો હતો. અને ધર્મેન્દ્રકુમાર પરમાર રાજુ ગોહિલના ઘર નજીક ઉભો રહ્યો હતો.

પતિએ ફટકા માર્યા બાદ પત્નીએ પ્રેમીને ઝેરી દવા પીવડાવીને ઘરની બહાર મૂકી દીધો
પ્રેમિકાના ઘરે પહોંચેલા મિલન ઉર્ફ સંજય પરમાર પાસે રાજુ ગોહિલે પત્ની શિવાનીના ફોટા માંગતા મામલો બિચક્યો હતો. જેમાં આવેશમાં આવી ગયેલા રાજુ ગોહિલને મિલન ઉર્ફ સંજયના માથામાં જીવલેણ લાકડીનો ફટકો મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ત્યાર બાદ શિવાનીએ પ્રેમી મિલન ઉર્ફ સંજયને ઝેરી દવા પીવડાવી દઇ ઘરની બહાર મૂકી દીધો હતો.

ગોત્રી હોસ્પિટલમાં તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો
ACPએ વધુમાં જણાવ્યું હતું કે, કલાકો સુધી મિલન ઉર્ફ સંજય પરત ન ફરતા રાહ જોઇને ઉભેલા તેના મિત્ર ધર્મેન્દ્રકુમાર પરમારે ફોન કર્યો હતો. દરમિયાન મિલન ઉર્ફ સંજય પરમાર લથડીયા ખાતો મિત્ર ધર્મેન્દ્રકુમાર જ્યાં ઉભો હતો, તે જગ્યાએ આવી પહોંચ્યો હતો. મિલન ઉર્ફ સંજયની ગંભીર હાલત જોતા ધર્મેન્દ્રકુમારે 108 એમ્બ્યુલન્સ બોલાવી મિત્ર મિલન ઉર્ફ સંજયને ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તબીબોએ મિલન ઉર્ફ સંજયને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દંપતીની ધરપકડ કરી
દરમિયાન આ બનાવ અંગે ધર્મેન્દ્રકુમાર પરમારે 25 વર્ષના મિત્ર મિલન ઉર્ફ સંજય મુકેશભાઇ પરમાર(રાજપૂત)ની હત્યા અનગઢ ગામમાં રહેતા રાજુ દલપતભાઇ ગોહિલે અને તેની પત્ની શિવાનીએ કરી હોવાની નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે દંપતી સામે હત્યાનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...