મા,અમિત નહીં સુધરે...:વડોદરામાં પતિએ પત્નીનો બે વાર ગર્ભપાત કરાવ્યો, અન્ય યુવતી સાથે ફરતો ને દારૂ પી પત્નીને મારતો, છેલ્લે મા સાથે વાતો કરી ગળેફાંસો ખાધો હતો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર પરિણીતા નમિતાની ફાઇલ તસવીર - Divya Bhaskar
આપઘાત કરનાર પરિણીતા નમિતાની ફાઇલ તસવીર
  • પતિના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની વાત પત્ની પિયરમાં આવી ગઇ
  • મહિલાએ માર માર્યાના નિશાનના ફોટા, અને વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ્સ પોલીસને આપ્યા હતા
  • ગોત્રી પોલીસે મહિલાની માતાની ફરિયાદના આધારે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રેમલગ્ન બાદ પતિ સાથે રહેતી પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાતના કેસમાં ગોત્રી પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. આ દંપતી મૂળ રાજસ્થાનના અલવરનું રહેવાસી હતું અને ગત વર્ષે વડોદરામાં રહેવા આવ્યું હતું. મૃતક યુવતીની માતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, જમાઇ તેમની દીકરીને દારૂ પીને મારઝૂડ કરતો હતો તેમજ બે વખત ગર્ભપાત કરાવ્યો હતો. જેથી કંટાળીને તેમની દીકરીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

પ્રેમલગ્ન બાદ જમાઇ ઘરની બહાર પત્નીને મુકી જતો રહેતો
રાજસ્થાનના અલવર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ક્રીપા રામઅવતાર શર્માએ વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી નમિતાએ વર્ષ 2005માં અલવરમાં રહેતા અમીત કુમાર શર્મા સાથે લવમેરેજ કર્યાં હતાં. જેથી ત્રણ વર્ષ સુધી નમિતા સાથે અમારે કોઇ સંપર્ક ન હતો અને તે અમારા ઘરે પણ આવતી ન હતી. વર્ષ 2008માં નમિતાએ પરિવારનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ તે પિયરમાં આવતી-જતી હતી. જો કે, તેનો પતિ અમિત શર્મા ક્યારેય ઘરમાં આવતો ન હતો અને નમિતાને મુકીને ઘરની બહારથી જ જતો રહેતો હતો.

પત્નીના પિતા નિવૃત્ત થતાં દહેજ માંગ્યું, બે વખત ગર્ભપાત કરાવ્યો
વર્ષ 2014માં નમિતાના પિતા નોકરીમાંથી નિવૃત્ત થતાં 20 લાખ રુપિયા મળ્યા હતાં. જેથી અમિતે પત્ની નમિતાને ફ્લેટ અને કાર ખરીદવા માટે પિતા પાસેથી રૂપિયા લઇ આવવા દબાણ કર્યું હતું. રૂપિયા ન આપતા અમિતે દારૂ પી ને નમિતા સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન વર્ષ 2013 અને 2014માં નમિતા બે વખત ગર્ભવતી થઇ હતી, પરંતુ, પતિએ બાળક નથી રાખવું તેમ કહીને ગર્ભપાત કરાવી દીધો હતો. નમિતાએ વર્ષ 2016માં અલવરમાં પતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી. જો કે પતિ અમિતે હવે ફરી મારઝૂડ નહીં કરે કહી સમાધાન કરી લીધું હતું અને તેને સાસરીમાં તેડી ગયો હતો.

ડિસેમ્બર 2020માં દંપતી વડોદરા રહેવા આવ્યું
સાસરીમાં પરત ગયા બાદ પણ અમિતનો નમિતા પર અત્યાચાર બંધ થયો ન હતો અને ડિસેમ્બર 2020માં તેઓ બંને વડોદરાના ગોત્રી વિસ્તારની જયઅંબે સોસાયટીમાં રહેવા માટે આવ્યા હતાં. વડોદરા આવ્યા બાદ પણ અમિતે નમિતા પર જુલમ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. જેથી નમિતાએ તેને થયેલ ઇજાના નિશાનના ફોટો માતા ક્રિપા શર્માને વોટ્સએપ પર મોકલી આપ્યા હતાં અને ગત 19 મેના રોજ અમિત નમિતાને રાજસ્થાન સ્થિત માતાના ઘરે પરત મુકી ગયો હતો. નમિતાએ કહ્યું હતુ કે અમિત રોજ રાત્રે દારૂ પીને મને હેરાન પરેશાન કરે છે તેમજ મારઝૂડ કરે છે તેથી તે પતિ સાથે હવે રહેવા માંગતી નથી. જો કે ઘટનાના એક મહિના બાદ જૂન મહિનામાં ફરી અમિતનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું તારા વગર રહી શકીશ નહીં. હવે તારી સાથે મારઝૂડ નહીં કરું એમ કહી નમિતાને સાથે વડોદરા લઇ ગયો હતો.

વડોદરાની સયાજી હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ
વડોદરાની સયાજી હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ

મેં અપની જિંદગી કો લાસ્ટ મૌકા દે રહી હું
દરમિયાન ગત સપ્ટેમ્બર મહિનામાં નમિતાને પરીક્ષા હોવાથી તે રાજસ્થાન પરત માતાને ઘરે આવી હતી. નમિતાએ માતાને આપવીતી જણાવતા કહ્યું હતું કે, અમિતના બીજી કોઇ છોકરી સાથે પ્રેમ સંબંધ છે અને તે છોકરીને એક મહિનો વડોદરામાં જુદીજુદી જગ્યાએ ફેરવી છે. તેથી હવે અમિતના ઘરે હું પરત નહીં જોઉ. જો કે, 4 ઓક્ટોબર 2021ના રોજ ફરી અમિત રાજસ્થાન આવ્યો હતો અને નમિતાને સાથે લઇ ગયો હતો. દરમિયાન તેઓ જયપુર ગયા હતા અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને માતાને ફોન કર્યો હતો કે અમિત નહીં સુધરે હું પરત ઘરે આવું છું. જો કે, અડધા કલાક બાદ નમિતાએ વોટ્સપએપ પર માતાને મેસેજ કર્યો હતો કે, મેં અમિત કે સાથે જા રહી હું. પતા લગ ગયાના ગલતી કિસકી હે, ઇસલિયે અભી કોઇ બાત કિસિસે કહના મત, મે અપની જિંદગી કો લાસ્ટ મૌકા દે રહી હું, બસ આપ અભી કિસીસે કુછ મત કહના. જો કે, ત્યારબાદ પણ અમિત તેની સાથે મારઝૂડ કરતો રહ્યો હતો.

નમિતા છેલ્લીવાર માતાને મળવા રાજસ્થાન ગઇ
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર નમિતા ગત 6 નવેમ્બરના રોજ માતા અને પરિવારના સભ્યોને મળીને પરત વડોદરા જતી રહી હતી. બાદમાં પણ દંપતી વચ્ચે ઝઘડો ચાલુ રહેતા 4 ડિસેમ્બરના રોજ અમિત અને નમિતા અલવર આવવા નિકળ્યા હતા. પરંતુ બંને વચ્ચે રસ્તામાં ઝઘડો થતાં નમિતા કારમાંથી ઉતરી ગઇ હતી અને માતા પાસે પરત આવી રહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ, 5 ડિસેમ્બરના રોજ નમિતાએ માતાને ફોન કરી કહ્યું હતું કે, હું ઘરે પરત નથી આવતી પણ પતિ સાથે વડોદરા જાઉ છું. ગત 7 ડિસેમ્બરે નમિતાએ માતાને ફોન કરી કહ્યું હતું કે તે વડોદરા પહોંચી ગઇ છે. હાલ મુડ નથી, જેથી જમવાનું બનાવવાની નથી અને હલકું ફુલકું જમી લઇશ.

રાત્રે ફોન આવ્યો કે, તમારી દીકરીએ ફાંસો ખાઇ લીધો છે
7 ડિસેમ્બરની રાત્રે જ નમિતાની માતા ક્રિપા શર્માને ફોન આવ્યો હતો કે, તમારી દીકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઇ આપઘાત કરી લીધો છે અને મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નમિતાની માતાએ આક્ષેપ કર્યો હતો કે, અમિત વારંવાર નમિતાને કહેતો કે, તને હવે બાળકો થતાં નથી, તું મરી જાય તો બીજા લગ્ન કરવા છે તેવા મ્હેણા ટોણા મારતો અને મારઝૂડ કરતા તેમની દીકરી ત્રાસ સહન ન થતાં આપઘાત કરવો પડ્યો છે. તેમણે અમિત વિરૂદ્ધ પોલીસને પુરાવા રૂપે નમિતાને અગાઉ માર માર્યાના નિશાનના ફોટા, કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ્સ આપ્યા છે. ગોત્રી પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...