વુડામાં અધિકારીઓ અને આર્કિટેક્ટ વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. મહિલા કર્મચારી સામે ઉદ્ધતાઈ ભર્યા વર્તન બદલ આર્કિટેક્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ હવે આર્કિટેક એસોસિએશન વુડાના અધિકારીઓ સામે મેદાને પડયું છે. આર્કિટેકટ એસોસિયેશને વુડામાંથી પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા પાંચ ગામોના જમીનમાલિકોને રિવાઇઝડ વિકાસ પરવાનગી ન મળે ત્યાં સુધી બાંધકામ નહીં કરવુ તેવી નોટિસ આપવાની ટીપીઓની સત્તા સામે સવાલ ઉભા કર્યા છે.
આર્કિટેક એન્ડ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે વુડાના 5 ગામ બિલ, ભાયલી, સેવાસી, કરોડિયા અને ઉંડેરામાં ટી.પી સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમીનમાં કપાત ઓછી કરવા માટે લેતીદેતી થઈ હોવાથી તેવા જમીન માલિકો સાથે સાંઠગાંઠ કરી વગર કપાતે ટીપી સ્કીમો બનાવવામાં આવી હતી અને મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવી હતી. જોકે આ તમામ ગામો હવે મહાનગરપાલિકાને સોંપી દેવાનું જાહેરનામું બહાર પડતા અધિકારીઓ રઘવાયા થયા છે.
જે વિસ્તાર કાયદેસર રીતે તેઓના તાબામાં નથી તેવા વિસ્તારોના જમીનમાલિકોને રીતસરની કપાત બાબતની નોટિસ બજાવવામાં આવી હતી. એસટીપીની સહીથી આપવામાં આવેલી નોટિસમાં પાલિકાને અને જમીન માલિકોને સ્થળ પર બાંધકામ પરવાનગી ન મળે તેમ જણાવવામાં આવ્યું હતું. તો પ્રશ્ન એ થાય છે કે વુડાના ટાઉન પ્લાનિંગ કાયદાની કઈ કલમ હેઠળ આવી નોટિસો આપવામાં આવી છે. વુડાના ટીપીઓને કોઈપણ પ્રકારની કાયદેસરની સત્તા ન હોવા છતાં તેઓએ આ નોટિસ શા માટે કાઢી તે તપાસનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.