તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દ્વારકામાં મિત્રોથી વિખૂટો પડેલો વિકાસ દેણા કેવી રીતે પહોંચ્યો?

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેણા નજીકથી મળેલો મૃતદેહ મહારાષ્ટ્રના યુવકનો નીકળ્યો
  • મિત્રો સાથે આવેલો જલગાવનો યુવક બેટ દ્વારકાથી ગુમ થયો હતો

શહેર નજીક આવેલા દેણા ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસમાં મહારાષ્ટ્રના જલગાવનો યુવક મિત્રો સાથે ગુજરાત ફરવા આવ્યો હતો અને તે બેટ દ્વારકાથી તેના મિત્રો સાથેથી ગુમ થયો હતો. આ યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.

જોકે પોલીસે તેની હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. શહેર નજીક આવેલા દેણા ગામની સીમમાં વિશ્વામિત્રી નદીના પટમાંથી બે દિવસ અગાઉ એક યુવકની લાશ મળી આવતાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેની પાસેથી મળી આવેલા મોબાઈલના આધારે તપાસ કરતાં યુવક મહારાષ્ટ્રના જલગાવના વડગાવનો વિકાસ ભાઈદાસ રાઠોડ હોવાનું સપાટી પર આવ્યો હતો. પોલીસે મોબાઈલ ફોનમાં મળેલા નંબરથી તેના પરિવારજનોનો સંપર્ક કરી તેમને વડોદરા બોલાવ્યા હતા.

મહારાષ્ટ્રથી વડોદરા આવેલા પરિવારજનોએ મૃતદેહને ઓળખી બતાવતાં સોમવારે પોલીસે વિકાસના મૃતદેહને પરિવારને સોંપ્યો હતો. બીજી તરફ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં વિકાસનું ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે તે સુરત જવા નીકળ્યો હતો તો વડોદરામાં દેણા ગામે કેવી રીતે આવ્યો તેમજ તેના મોબાઈલ ફોનની ડિટેલના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વિકાસ તેના આજુબાજુના ગામના લોકો સાથે પાવાગઢ, સોમનાથ અને બેટ દ્વારકા ફરવા આવ્યો હતો. જ્યાં 1લી તારીખે તે બેટ દ્વારકાથી મિત્રોથી છૂટો પડી ગયો હતો. તેણે 2જી તારીખે મિત્રોને ફોન કરી તે પોતે અમદાવાદ હોવાનું અને સુરત જતો હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારબાદ તેનો મૃતદેહ વડોદરાના દેણા ગામેથી મળી આવ્યો હતો. મૃતક વિકાસના પરિવારમાં માતા, પત્ની અને ત્રણ બાળકો છે અને વિકાસ શેરડી કાપવાનું કામ કરતો હતો.

પાણીમાં ડૂબી જવાથી મોત : પીએમ રિપોર્ટ
પોલીસ મુજબ મહારાષ્ટ્રના વિકાસ રાઠોડનો મૃતદેહ પોલીસને દેણા ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાંથી મળ્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ પ્રમાણે વિકાસનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું છે. ત્યારે પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા વિકાસ નદીની બહાર કેવી રીતે આવ્યો તે બાબત તપાસ માંગી લે છે. પોલીસે આ સંદર્ભે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...