અંધશ્રદ્ધાળુ સાથે ઠગાઈ:ડભોઈમાં ખરાબ સંગતથી પુત્રને છોડાવવા મથતા હોટલ માલિકને ભેજાબાજોએ છેતર્યા, વિધિના નામે 17.20 લાખ પડાવી લીધા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિધિના નામે ઉજ્જૈન પણ પુત્રને લઈ જવાયો હતો.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વિધિના નામે ઉજ્જૈન પણ પુત્રને લઈ જવાયો હતો.(ફાઈલ તસવીર)
  • ઉજ્જૈનથી તેલ સહિતનો સામાન મગાવવા માટે ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા

ખરાબ સોબતે ચઢી ગયેલા પુત્રની વિધી માટે ઉજૈનથી તેલ લાવવાના બહાને અને વિધી માટે સામાન લાવવાના બહાને પુત્ર પીડિત હોટલ માલિક પિતા પાસેથી રૂપિયા 17.20 લાખ પડાવનાર ઠગ સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઠગે પુત્રના પીડિત પિતાના ઘરે અને ખેતરમાં જઇ વિધિનું નાટક કર્યું હતું. છેલ્લે સ્મશાનમાં વિધિ કરવાના બહાને નાણાં પડાવતા ઠગનો ભાંડો ફૂટી જતા પુત્રના પીડિત હોટલ માલિકે ફરિયાદ નોંધાવી.

પુત્ર ન સુધરતા પિતા ચિંતામાં હતા
ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા તાલુકાના વતની હાલ ડભોઇ તાલુકામાં હોટલ ચલાવે છે. તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર વડોદરા નજીક આવેલા વતનમાં રહે છે. નાનો પુત્ર હોટલમાં મદદરૂપ થાય છે. તેઓનો વતનમાં રહેતો મોટો પુત્ર ખરાબ લતે ચઢી ગયો હતો. તેને સુધારવા માટે તેઓ પ્રયત્નો કરી રહ્યા હતા.પરંતુ, પુત્રને સુધારવા માટેનો કોઇ માર્ગ મળતો ન હતો. દરમિયાન તેઓની હોટલ ઉપર આવતા અટલભાઇ નરવતભાઇ તડવીએ પુત્રથી ચિંતીત હોટલ માલિક પિતાને જણાવ્યું કે, મારી પાસે એક માણસ છે. તે તમારા પુત્રને સુધારી દેશે.

પહેલા 1.60 લાખ લેવાયા
દરમિયાન ઓગષ્ટ માસમાં અટલભાઇ તડવી ડભોઇ તાલુકાના નાગાડોલ ગામના રહેવાસી લક્ષ્મણ કાભઇ તડવીને પુત્રના પીડિત પિતાની હોટલ ઉપર લઇ ગયો હતો. પુત્રના પીડિત પિતાને લક્ષ્મણ તડવીની વિધિ કરનાર તરીકેની ઓળખ આપી હતી. લક્ષ્મણે પીડિત પિતાને જણાવ્યું હતું કે, પુત્રને સુધારવા માટે વિધિ કરવી પડશે. તે માટે રૂપિયા 1.60લાખનો ખર્ચ થશે. આ વિધિ પુત્ર જ્યાં રહે છે., ત્યાં જઇને કરવી પડશે. પુત્રને સુધારવા માટે સંમત થઇ ગયેલા પિતાએ રૂપિયા 1.60 લાખનો વિધિનો સામાન લાવવા માટે લક્ષ્મણ તડવીને આપ્યા હતા. ત્યાર બાદ પુત્ર પીડિત પિતા, લક્ષ્મણ તડવી અને અટલ તડવી વડોદરા નજીક ગામમાં આવ્યા હતા. જ્યાં તેઓએ ખરાબ સોબતે ચઢી ગયેલા યુવાનની વિધી કરી હતી.

પહેલી વિધિ સફળ ન થઈ
વિધિ પૂરી થયા બાદ તેઓ પરત હોટલ ઉપર આવી ગયા હતા. હોટલ ઉપર આવી ગયા બાદ વિધિનો ઢોંગ કરનાર લક્ષ્મણ તડવીએ પુત્રના પીડિત પિતાને જણાવ્યું કે, પ્રથમ વિધિ સફળ થઇ નથી. બીજી વખત વિધિ કરવી પડશે. પ્રથમ વિધિમાં વિઘ્ન આવ્યું છે. બીજી વિધિ માટે રૂપિયા 3.60લાખ તૈયાર રાખજો. પુત્રને સારો કરવા માટે પિતાએ રૂપિયા 3.60લાખની વ્યવસ્થા કરી હતી. વિધિ માટે લક્ષ્મણને આપ્યા હતા. લક્ષ્મણ તડવી, અટલ તડવી અને પુત્ર ત્રણે વડોદરા માંડવી આવ્યા હતા. ત્યાંથી એક બોક્સ ખરીદ્યું હતું અને તે વસ્તુઓ લઇ પુત્રના પીડિત પિતાના ખેતરમાં જઇ વિધિ કરી હતી.

ઉજ્જૈનથી તેલ માટે 4.20 લાખ મગાયા
આ વિધિ બાદ લક્ષ્મણ તડવીએ જણાવ્યું કે, હજુ આ વિધિમાં કચાસ રહી ગઇ છે. વિધિ પૂરી કરવા માટે ઉજ્જૈનથી એક વિશેષ પ્રકારનું તેલ મંગાવવું પડશે. તેમ જણાવી પુત્ર પીડિત પિતા પાસેથી રૂપિયા 4.20 લાખ પડાવ્યા હતા. દરમિયાન લક્ષ્મણ તડવી ખરાબ સોબતે ચઢેલા પુત્રને લઇ ઉજ્જૈન ગયા હતા. જ્યાંથી તેઓએ તેલની બોટલ ખરીદી હતી. તે તેલની બોટલ પુત્રને આપી જણાવ્યું હતું કે, આ તેલની બોટલ ઘરમાં રાખજે. લક્ષ્મણ તડવીના જણાવ્યા પ્રમાણે તેલની બોટલ પીડિત પુત્રએ ઘરમાં મૂકી દીધી હતી.

તેલ માટે ફરી રૂપિયા માગ્યા
ઉજ્જૈનથી પરત ફર્યાના બીજા દિવસે લક્ષ્મણ તડવી, અટલ તડવી અને પુત્રના પીડિત પિતા વડોદરા નજીક વતનમાં આવ્યા હતા. ખેતરમાં ગયા હતા. જ્યાં ઉજ્જૈનથી લાવેલ તેલની બોટલ મગાવી હતી. તેલની બોટલ ખોલતા લક્ષ્મણ તડવીએ જણાવ્યું કે, આ તેલની બોટલ તૂટી ગઇ છે. બીજી લાવી પડશે. હવે જો બોટલ તૂટશે તો તેના રૂપિયા હું આપી દઇશ. તેમ જણાવી રૂપિયા 4.20લાખ બીજા પડાવ્યા હતા. સાથે તેમ પણ જણાવ્યું કે, આ વિધિ કરવા માટે રૂપિયા 3.60 લાખનો સામાન લાવવા માટે માંગતા તે રકમ પણ આપી હતી. સાથે પરિવારના તમામ સભ્યોના ફોટા લક્ષ્મણને આપ્યા હતા. લક્ષ્મણે તે સમયે જણાવ્યું કે, આ વિધિ ગામના સ્મશાનમાં કરવી પડશે.

કુલ 17.20લાખ પડાવ્યા
દરમિયાન વિધિના નામે પુત્ર પીડિત પિતાને ઠગનાર લક્ષ્મણ તડવી પોતાની કાર હોટલ ઉપર મૂકીને ચાલ્યો ગયો હતો. પીડિત પુત્રના હોટલ માલિક પિતાને જણાવ્યું કે, કપાસના નાણાં આવશે., ત્યારે તમને તમારા નાણાં મળી જશે. અનેક વાયદાઓ પછી પણ ભેજાબાજ લક્ષ્મણ તડવીએ નાણાં પરત કર્યા ન હતા. આથી પુત્ર પિડીત હોટલ માલિક પિતાએ ડભોઇ તાલુકાના નાગડોલ ગામના લક્ષ્મણ કાભઇ તડવી સામે વિધિના નામે ટુકડે-ટુકડે રૂપિયા 17.20 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...