કોરોના વાઈરસ:PSI સંક્રમિત થતાં બે પોલીસ કર્મચારી હોમ ક્વોરન્ટાઇન

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પબ્લિક ડીલિંગમાં ચેપ લાગ્યો હોવાની શંકા, PSIના અગાઉ બે રિપોર્ટ નેગેટિવ, ત્રીજો પોઝિટિવ આવ્યો

શહેરના રેડ ઝોન બાદ ઓરેન્જ ઝોનમાં આવતા કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા ડી સ્ટાફ પીએસઆઈને કોરોના પોઝિટીવ આવતા પોલીસ મથકમાં ફફડાટ ફેલાયો છે. પીએસઆઈને કોરોના પોઝિટીવ આવતા તેમની સાથેના બે પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અગાઉ બે વાર પીએસઆઇનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના મહામારીમાં  રેડ ઝોન અને હાલમાં ઓરેન્જ ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં કારેલીબાગ પોલીસ મથક આવેલું છે. જેમાં ડી સ્ટાફ પીએસઆઈ હિતેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગત 25મી તારીખે પીએસઆઈ પટેલના કોરોના રિપોર્ટ માટે નમૂના લેવાયા હતા. જેનો રિપોર્ટ ગુરુવારે પોઝિટીવ આવતા પોલીસ મથકમાં ફફડાટ ફેલાયો છે. ડી સ્ટાફ પીએસઆઈ પટેલના સંપર્કમાં આવેલા બે પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

કોરોનાનો ચેપ પબ્લિક ડિલિંગ દરમ્યાન લાગ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ બે વખત પીએસઆઈ પટેલના નમૂના લેવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા. કારેલીબાગના પીએસઆઈને તબીબોના માર્ગદર્શન હેઠળ ગોત્રી હોસ્પિટલ અથવા તો અન્ય સ્થળે રાખી કોરોનાની સારવાર કરાવવામાં આવશે.

25 તારીખે નમૂના લીધા, 28મીએ રિપોર્ટ
કોરોના મહામારીમાં પાલિકા તંત્ર આંકડાની માયાજાળ રચી શહેરીજનોને મૂર્ખ બનાવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આજે પીએસઆઈના નમૂના 25મી તારીખે લીધા બાદ આજે જાહેર કરવા પાછળ તંત્રનો શુ હેતુ રહેલો છે ? 25મી તારીખે નમૂના લીધા બાદ ત્રણ દિવસ બાદ કેમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા ? પાલિકાની આ કામગીરી શંકા ઉપજાવે છે.આ અંગે ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે રિપોર્ટ ત્રણ દિવસે કેમ આવ્યો તેની તપાસ કરાશે. 

અન્ય સમાચારો પણ છે...