હત્યારો પ્રેમી અને સાગરિત ઝડપાયો:વડોદરાની પરિણીતાનો હાથ પકડી શાહરૂખે ધમકી આપી- હું તને પ્રેમ કરુ છું, ફરિયાદ કરી તો તારા પતિને પણ મારી નાખીશ

વડોદરા17 દિવસ પહેલા
માંજલપુર પોલીસે હત્યાના બંને આરોપીને ઝડપી લીધા.

શહેરના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ નજીક શ્રીઅંબે ફ્લેટમાં પૂર્વ પ્રેમિકાની સાસુની હત્યામાં સામેલ વિધર્મી પ્રેમી અને તેના સાગરીતને પોલીસ ઝડપી લીધા છે. ચકચારી હત્યા બાદ આરોપી શાહરૂખે પૂર્વ પ્રેમિકાનો હાથ પકડીને કહ્યું હતું કે હું તને પ્રેમ કરુ છું, જો હત્યાની ફરિયાદ કરીશો તો તને અને તારા પતિને પણ જાનથી મારી નાખીશ.

પતિ અને સસરા નોકરી ગયા હતા
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધયેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, વડસર બ્રિજ પાસે શ્રીઅંબે ફ્લેટમાં મારા પતિ અશ્વીન પરમાર અને સસર ઠાકોરભાઇ નોકરી ગયા હતા. હું તથા મારા સાસુ દક્ષાબેન બંને ઘરે હાજર હતા. હું રસોઇ બનાવી જમી પરવારી બપોરના બાર વાગ્યે મારા રૂમમાં આવીને સુઇ ગઇ હતી. મારા સાસુ બેડરૂમમાં મુકેલા પલંગ ઉપર બેઠા હતા. ત્યાર બાદ બપોરના અઢી વાગ્યે કોઇએ મારા મકાનનો દરવાજો ખખડાવતા હું દરવાજો ખોલવા બહાર આવી. તે દરમિયાન મારા સાસુ દરવાજો ખોલતા તે વખતે શાહરુખ ઉર્ફે સોનુ અલીશેખ પઠાણ (રહે. આશાપુરી-1, નવાયાર્ડ, વડોદરા) અને અન્ય એક યુવક આવ્યા હતા. શાહરુખ મારા પિયર (નવાયાર્ડ)નો રહેવાસી છે અને લગ્ન પહેલાથી ઓળખું છું.

પરિણીતા જીવ બચાવવા ભાગીને પડોશીના ઘરમાં પુરાઇ
પરિણીતાએ FIRમાં જણાવ્યું કે, શાહરૂખના હાથમાં ચપ્પુ જેવું હથિયાર હતું. તેના વડે મારી સામે મારા સાસુને ગળાના ભાગે જીવલેણ ઘા કરી નીચે પાડી દીધા હતા. અને મારી પાસે આવે મને કહ્યું કે મેં તારા સાસુને મારી નાખ્યા છે અને કેસ કરીશ તો તને અને તારા પતિને પણ જાનથી મારી નાખીશ. શાહરૂખે આવી ધમકી આપતા હું એકદમ ગભરાઇ ગઇ અને હું મારો જીવ બચાવવા મકાનની બહાર નિકળવા જતાં શાહરૂખ ઉર્ફે સોનુએ મારો હાથ પકડી હું તને પ્રેમ કરુ છું, તેમ કહી મારા હાથમાંથી એક મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. હું મારા રૂમથી બહાર આવી બાજુના મકાનમાં જઇ દરવાજો બંધ કરી દીધો અને આ મકાનમાં રહેતા વ્યક્તિએ મને ફોન કરી પોલીસ બોલાવવા જણાવતા હું થોડીવાર પછી આ મકાનનો દરવાજો ખોલી મારા મકાનમાં આવી જોતા મારા સાસુ લોહી-લુહાણ હાલતમાં પડ્યા હતા અને તેમનું મોત થયું હતું. જેથી આ અંગે મેં મારા સસરા અને સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી.

પોલીસે બંને આરોપીને ઝડપી લીધા
માંજલપુર પોલીસને બાતમી મળી હતી કે આરોપી શાહરૂખ અને તેના સાગરીત હસીનખાન પઠાણ જીઆઇડીસી રોડ પર આવેલ રજા મસ્જીદ પાછળ મહેન્દ્રનગરની એક ખોલીમાં સંતાયેલા છે. જેથી પોલીસે ખોલીને કોર્ડન કરી શાહરુખ ઉર્ફે સોનું પઠાણ અને સાગરીત હશીનખાન પઠાણ (રહે. મહેન્દ્રનગર, વડસર જીઆઇડીસી રોડ, વડોદરા)ને ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે બંને આરોપી વડોદરામાં રહે છે પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી હત્યામાં વપરાયેલ ચપ્પુ, પરિણીતા પાસેથી આંચકી લીધેલ મોબાઇલ તેમજ તેમના અન્ય બે મોબાઇલ મળી આવ્યા છે. માંજલપુર પોલીસે આરોપી શાહરૂખ અને હસીનખાન સામે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.