સામાન્ય સભા:જરોદના ગેરકાયદે બાંધકામ મુદ્દે જિલ્લા પંચાયતસભામાં હોબાળાની વકી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જિલ્લા પંચાયતની આજે મળનારી સામાન્ય સભામાં ધારાશાસ્ત્રીઓની નવી પેનલ રચવા સહિતના નિર્ણયો લેવાશે

વડોદરા જિલ્લા પંચાયતની ગુરૂવારે બપોરે 2 વાગે સભાખંડમાં સામાન્યસભાની બેઠક યોજાશે. આ બેઠકમાં કુલ 8 મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવાશે.જેમાં ધારાશાસ્ત્રીઓની નવી પેનલ રચવા અંગે નિર્ણય લેવાશે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પહેલા બે મુદ્દામાં 4 સપ્ટેમ્બર 2021ના રોજ યોજાયેલી ખાસ સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ અને બેઠકની અમલવારી નોંધ વાંચીને બહાલી અપાશે.

આ ઉપરાંત જિલ્લા પંચાયત વડોદરાના ધારાશાસ્ત્રીઓની નવી પેનલ રચવાનો નિર્ણય લેવાશે વાઘોડિયા તાલુકાના જરોદ ગામે સરકારી પડતર જગ્યામાં ગ્રામ પંચાયતને આવક ઉભી થાય તે માટે બાંધકામ કરવામાં આવ્યું હતું. જોકે આ જગ્યા સ્મશાનની હોવાથી જે તે સમાજના આગેવાન દ્વારા અરજી કરી સીએમ પોર્ટલ સુધી લેખિતમાં ફરિયાદ કરી તપાસની માંગણી કરી હતી. જ્યારે આ અરજીના સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી,ઈજનેર તેમજ સરપંચની પૂછપરછ કર્યા બાદ આ ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું.

જ્યારે આ ઘટના બાદ તલાટીની બદલી કરી તેની મુળ જગ્યા ગોરજ ખાતે મુકી દેવાયો હતો.એસઓને છુટો કરી દેવામાં આવ્યો છે.જ્યારે એક ઓડિયો પણ સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો.જેમાં શોપીંગ સેન્ટર ઉભુ કરવા માટે અધિકારી દ્વારા રૂા.2 લાખ માંગવામાં આવ્યાં હોવાનો ઉલ્લેખ છે.જોકે આ ઓડિયો જરોદના શોપીંગ સેન્ટરનો છે કે કેમ તે તપાસનો વિષય છે. આ અંગે પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...