ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી કહી ચુક્યા છે કે, કોંગ્રેસ મુસલમાનોની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એક તરફ સબ કા સાથ સબ કા વિકાસની વાત કરે છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરે છે. વડોદરામાં 76 વર્ષના યોગેશ પટેલને ટિકિટ આપવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, ઘણી વાર રાજનીતિમાં અપવાદનો અવસર હોય છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિએ ચૂંટણી અધિકારીને પત્ર લખીને ફરિયાદમાં જણાવ્યું છે કે, આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી સયાજીગંજના વર્તમાન ધારાસભ્ય, પોતાના નામ-ફોટા સાથેના હોર્ડિંગ જીલ્લા ચૂંટણી અધિકારીની કચેરીની બહારના ફૂટપાથ ઉપરની સરકારી જમીન ઉપર 10 દિવસથી લગાવ્યા તે સામે ચૂંટણી તંત્ર “આંખ આડા કાન” કેમ કરે છે...? જો, જિલ્લા ચૂંટણી અધિકારી,વડોદરા નિષ્પક્ષપાત હોય તો આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી પોતાના નામ-ફોટા સાથેના હોર્ડિંગ લગાવનાર ધારાસભ્ય જે હાલ પક્ષનો પ્રચાર પણ કરે છે, જેની આચારસંહિતા ભંગની પોલીસ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે.
અમે નિષ્પક્ષ ચૂંટણીના હિમાયતી છીએ
અમે વિશ્વામિત્રી બચાવો સમિતિના કિશોર શર્મા, સંજય વાઘેલા, સન્ની ધોબી, ભરત ઠાકોર, અતુલ પ્રજાપતિ, દીપક પ્રજાપતિ તેમજ એડવોકેટ શૈલેશ અમીન આ સાથે જણાવીએ છીએ કે, વિશ્વામિત્રી બચાવો સમિતિએ બિનરાજકીય સંસ્થા છે. અમે નિષ્પક્ષ ચૂંટણીથી લોકશાહીનું જતન કરવાના હિમાયતી છીએ. ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી 2022નું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ પણ શરુ થઇ ગયો છે.
આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવા માંગ
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જયારે ફ્રી એન્ડ ફેર પોલ એટલે કે મુક્ત અને ન્યાયિક ચુંટણી યોજવાની ખાતરી આપતું હોય, ત્યારે વડોદરા શહેરમાં જુના ન્યાય મંદિર પાસે, જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેકટરની કચેરી બહારના ફૂટપાથ ઉપર તેમજ માંજલપુર ત્રણ રસ્તા સહિત ઘણી જગ્યાએ સયાજીગંજના વર્તમાન ભાજપના ધારાસભ્ય કે જેઓ હાલ પણ ભાજપ પક્ષના ચૂંટણી પ્રચારમાં સક્રિય છે, તેમના નામ-ફોટા સાથેના અપ્રત્યક્ષ પ્રચાર કરતા હોર્ડિંગ બોર્ડ છડેચોક મારેલા છે, તો શું આ મુક્ત અને ન્યાયિક ચુંટણી યોજાઈ રહી છે? આદર્શ આચારસંહિતાનો ભંગ કરીને 10 દિવસથી પોતાના નામ-ફોટા સાથે સરકારી જમીન ઉપર હોર્ડિંગ લગાડનાર સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા અમારો અનુરોધ છે.
મોદીની સભાને પગલે 2 દિવસ 5 વિધાનસભામાં ફેરણીઓ રદ્દ
23મી તારીખે નવલખી મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાની તૈયારીઓ માટે ભાજપ દ્વારા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે. જાહેર સભા માટે જનમેદની એકઠી કરવા માટે તૈયારીઓ કરવા આગામી બે દિવસ 5 વિધાનસભામાં ફેરણીઓ રદ્દ કરવાનો વારો આવ્યો છે. જાહેરસભામાં લોકોને લાવવા માટે ગ્રુપ મિટિંગોનું આયોજન કરવા સૂચનાઓ અપાઇ છે. ભાજપના દરેક કાર્યકરોને મેસેજ કરીને આ અંગેની જાણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની જાહેર સભામાં જનમેદની એકઠી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
ચૂંટણીઓની જાહેરાત થઇ ગઇ છે અને ફેરણીઓ પણ શરૂ કરી દેવાઇ છે, ત્યારે જનમેદની એકઠી કરવા માટે શહેર ભાજપ સંગઠન દ્વારા મીટીંગો શરૂ કરીને કાર્યકરો અને હોદેદારોની કામગીરી સોંપવામાં આવી રહી છે. વિધાનસભાના ઉમેદવારોની ફેરણી ચાલુ રાખવામાં આવે તો પ્રધાનમંત્રીની જાહેર સભા માટે જનમેદની એકત્રીત થઇ શકે તેમ નથી. જેના પગલે આગામી બે દિવસ માટે ઉમેદવારોની ફેરણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે મેસેજ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ભાજપના ઉમેદવારોને બે દિવસ પ્રચાર બંધ કરવાનો વારો આવ્યો છે.
ભાજપના સોશિયલ મીડિયા ગ્રૂપમાં આવા મેસેજ કરાયા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર-જિલ્લા વિધાનસભા ઉમેદવારોના પ્રચાર માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માં.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તા.23 નવે.બુધવારના રોજ સાંજે 4 કલાકે, નવલખી મેદાન પધારી રહ્યાં છે. સભામાં માનવ મહેરામણ ઉમટી પડે તે માટેના આયોજન માટે આપણે સૌ મોટી સંખ્યામાં લોકોને લાવવા ના કામમાં લાગી જઈએ અને તા.22 અને 23 ના રોજ વડોદરા શહેરની પાંચ વિધાનસભામાં ફેરણી કરવી નહી. ફક્ત મોદીજીની જાહેરસભામાં લોકોને લાવવા માટે મિટિંગોનું આયોજન કરવું. બસ કરી હોઈ તેના ઇન્ચાર્જ અને બેસવાવાળાના નામો તથા વોર્ડમાં વધુમાં વધુ ફોરવીલ ગાડીઓ બાઈકોનું લિસ્ટ તૈયાર કરી લોકો સમયસર આવે તેની વોર્ડ ટિમ /કોર્પોરેટરો તથા જુના નવા આગેવાનો સાથે બેસી આયોજન કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.