વિકાસમાં આડે આવતી ધરોહર ધ્વસ્ત:વડોદરામાં 135 વર્ષ જૂની રેલવે સલૂનની ઐતિહાસિક ઇમારત તોડી પડાઈ, હેરિટેજ ટ્રસ્ટનો વિરોધ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પાસે આવેલા ઐતિહાસિક ગાયકવાડી સલૂન શેડને તંત્ર દ્વારા ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું. - Divya Bhaskar
શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પાસે આવેલા ઐતિહાસિક ગાયકવાડી સલૂન શેડને તંત્ર દ્વારા ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું.
  • 1886માં બનેલી ઇમારત બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હસ્તગત કરાઇ હતી
  • કોન્ટ્રાક્ટર-ચીફ પ્રોજેક્ટ મેનેજર સામે ફરિયાદ નોંધાવી હાઇકોર્ટ સુધી લડત આપીશું : સિંધા

બૂલેટ ટ્રેન માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 7 પાસે યાર્ડમાં આવેલું સયાજીરાવ ગાયકવાડના સમયનું ઐતિહાસિક સલૂન બિલ્ડિંગ સોમવારે તોડી પડાયું હતું. અંદાજે 135 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને સુપ્રત કરાઈ હતી.

ગાયકવાડ સમયની અંદાજે 1886માં બનેલી આ ઇમારત તોડી પડાતાં લોકોમાં કચવાટ ફેલાયો હતો. 135 વર્ષ જૂની ધરોહરની સ્થિતિ નિષ્કાળજીના કારણે ખંડેર જેવી થઈ હતી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ જગ્યાની કોની માલિકીની છે અને વળતર અપાયું છે કે નહીં તે અંગે સત્તાવાર જાણકારી આપી નથી, પરંતુ રેલવેનાં સૂત્રો મુજબ આ જગ્યા રેલવેની માલિકીમાં જ આવતી હતી.

આ બિલ્ડિંગને પણ પુરાતત્વ વિભાગને સોંપીને સાચવી શકાઈ હોત. સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ જણાવ્યું કે, બિલ્ડિંગ 30 તારીખે તોડવાનું ટેન્ડર હતું. અમને જાણ થતાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના ચીફ પ્રોજેક્ટ મેનેજર પ્રદીપ આહિકરને લેખિત રજૂઆત કરી ઐતિહાસિક ધરોહરને સાચવી રાખવા જણાવ્યું હતું, પરંતુ તે દિવસે રાત્રે તેમણે ઇમારત ગેરકાયદે તોડી પાડી છે. 1886માં મુંબઈ જવા સયાજીરાવ ઇમારતનો ઉપયોગ કરતા હતા. અમે કોન્ટ્રાક્ટર અને ચીફ પ્રોજેક્ટ મેનેજર સામે ફરિયાદ નોંધાવીશું અને હાઇકોર્ટ સુધી લડત આપવાના છીએ.

અગાઉ
અગાઉ

અવગણના થકી ઐતિહાસિક વારસાને ગુમાવી રહ્યા છીએ
ઐતિહાસિક રેલવે સલૂનને તોડી પડાયાની હરકતને હેરિટેજ ટ્રસ્ટે અવગણના થકી વિનાશના એજન્ડા થકી કરાયેલું કૃત્ય ગણાવ્યું છે. આ શેડ રોયલ સલૂન્સનું અપ્રતિમ ઉદાહરણ હતું અને જો તેનું રિસ્ટોરેશન કરાત તો સર સયાજીરાવના ગૌરવ અને શહેર પોતાના ભવ્ય ભૂતકાળને કેટલું સન્માન આપે છે તેની ઉદાહરણરૂપ બાબત બનતી.

હેરિટેજ ટ્રસ્ટ અને અનેક સંસ્થા તરફથી અનેક પ્રતિનિધિ મંડળોએ રજૂઆતો કરી હતી પણ સત્તાધીશો ફરજ ભૂલ્યા છે. હેરિટેજ ટ્રસ્ટના પ્રમુખ સમીર ખેરાએ જણાવ્યું કે, ‘ટૂંક સમયમાં પાલિકામાં રજૂઆત કરીશું કે, શહેરમાં પાલિકા એક હેરિટેજ સેલ બનાવે, જેમાં પાલિકાના ઉચ્ચ અધિકારી ઉપરાંત આર્કિટેક્ટ, ઇનટાક, આર્ટિસ્ટ વર્ગને સાંકળે અને હેરિટેજ માસ્ટર પ્લાન બનાવે. હેરિટેજ ઇમારતોનું લિસ્ટ બનાવે અને આવી ઇમારતોનું સંરક્ષણ કરે.’

અન્ય સમાચારો પણ છે...