હિટ એન્ડ રન:મોર્નિગ વોકમાં નીકળેલા ઝાલોદના BJP કાઉન્સિલર હિરેન પટેલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત, અકસ્માત કે હત્યા તેનું રહસ્ય અકબંધ

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની ફાઇલ તસવીર
  • કાઉન્સિલર દાહોદ રોડ પરથી સવારે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા અનેક તર્કવિતર્ક
  • ઝાલોદ પોલીસે CCTV ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી
  • ઝાલોદના રાજકીય અગ્રણી હિરેન પટેલ 3 ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવતા હતા

આજે વહેલી સવારે મોર્નિગ વોકમાં નીકળેલા ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું છે અને વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હિરેન પટેલનું ખરેખર અકસ્માતમાં મોત થયું છે કે હત્યા થઇ છે, તે બાબતે પોલીસે CCTVની મદદ લઇને તપાસ શરૂ કરી છે. કાઉન્સિલરના મૃત્યુના પગલે ઝાલોદમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

પરિચિત વ્યક્તિએ કાઉન્સિલરને ઇજાગ્રસ્ત હાલતમાં જોયા
દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ઝાલોદના સામાજિક તેમજ રાજકીય અગ્રણી એવા હિરેનભાઇ કનુભાઇ પટેલ પોતાના મુવાડાનાકા પર આવેલા નિવાસસ્થાનેથી આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાંથી પસાર થતાં પરિચિત વ્યક્તિએ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓમાં પડેલા જોયા હતા, જેથી તુરંત જ તેમના પરિવારજનોને જાણ કરી દીધી હતી.

વડોદરા લઇ જતી વખતે રસ્તામાં જ દમ તોડી દીધો
હિરેનભાઇને ઝાલોદની સુન્દરમ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રેફર કરવામાં આવતા રસ્તામાં મૃત્યુ થયું હતું. આ અંગેની જાણકારી ઝાલોદમાં વાયુવેગે ફરતા નગરમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઇ હતી. પોલીસ પણ આ ઘટના અંગે તપાસમાં લાગી ગઇ છે અને રસ્તામાં આવતા તમામ CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી અને આ હિટ એન્ડ રનનો કેસ છે કે, પછી કોઈ સુનિયોજિત કાવતરૂ છે? તે અંગેના તારણો મેળવવામાં લાગી ગઇ છે.

હિરેન પટેલ ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા હતા
હિરેન પટેલ ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા હતા

ઝાલોદની સહકારી બેન્કો, માર્કેટ યાર્ડ, કેળવણી મંડળ સહિતની સંસ્થાઓમાં જોડાયેલા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેન પટેલ ઝાલોદની સહકારી બેન્કો, માર્કેટ યાર્ડ, કેળવણી મંડળ સહિતની તમામ સંસ્થાઓમાં જોડાયેલા હતા.અને સતત ત્રણ ટર્મથી નગરપાલિકામાં કાઉન્સિલર પદે ચૂંટાઇ આવતા હતા. તેમની સેવાકીય પ્રવૃતિઓ અને સામાજિક કાર્યોને લઇને નગરમાં તેઓ હંમેશા યાદ કરવામાં આવશે.

PSI કહે છે કે, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ છે
આ મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનના PSI હાર્દિક દેસાઈએ જણાવ્યું હતું કે, ઝાલોદના મુવાડા ચોકડી પાસેથી હિરેશન પટેલ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેઓને વધુ સારવાર અર્થે વડોદરા મોકલ્યા હતા તેઓ રસ્તામાં મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...