આદેશ:બિટકોઇનના કેસમાં ફરિયાદ નોંધ‌વા સાઇબર ક્રાઇમને હાઇકોર્ટનો આદેશ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તપાસમાં બેદરકારી રાખનાર પીએસઆઈ ગોહિલ સામે ઇન્ક્વાયરી કરવાની સૂચના
  • 4 વર્ષ અગાઉના મામલામાં પોલીસની ગંભીર બેદરકારી સામે કોર્ટે નારાજગી દર્શાવી

4 વર્ષ અગાઉ સાઇબર પોલીસ મથકે નોંધાયેલી બિટકોઈનના નામે થયેલી છેતરપિંડીના મામલામાં યોગ્ય તપાસ ન થતાં મામલો હાઈકોર્ટેમાં પહોંચ્યો હતો. અદાલતે પોલીસની બેદરકારી સામે નારાજગી દર્શાવી ફરિયાદ નોંધવાનો હુકમ કરી તપાસ કરનાર પીએસઆઈ સામે તપાસ અને પગલાં ભરવા આદેશ કર્યો છે.

માંજલપુર વિસ્તારમાં રહેતા શક્તિસિંહ રાઓલ સાથે બિટકોઇન ખરીદવાના બહાને ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટના નામે મિત્ર હિરેન પટેલે 30 લાખ રૂપિયા લીધા હતા. રોકાણના નામે લીધેલી મોટી રકમ પરત ન કરતાં શક્તિસિંહે સાઇબર ક્રાઈમમાં અરજી કરી હતી. જોકે તપાસ અધિકારી પીએસઆઈ એઆર ગોહિલે યોગ્ય તપાસ ન કરી મામલો જમીન ખરીદીનો વિવાદ હોવાનું કહી ફરિયાદ ન નોંધી અરજી ફાઈલ કરી હતી. જેના પગલે શક્તિસિંહના વકીલ શીતલ ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી હતી.

જેમાં તપાસ અન્ય પોલીસ અધિકારીને આપવાની માગ કરવામાં આવતાં અદાલતે જિલ્લા પોલીસને તપાસ આપી હતી, જેમાં પ્રથમ ગુનો નહિ બનતો હોવાનો રિપોર્ટ એ સમયના જિલ્લા પોલીસ વડાએ આપ્યો હતો. અદાલતમાં પુનઃ તપાસની માગ થતાં ભેદી રીતે પૂર્વ જિલ્લા પોલીસ વડાએ રિપોર્ટને ફેરવી તોળ્યો હતો અને બિટકોઇનના નામે છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું.

4 વર્ષની લાંબી લડાઇ બાદ વડી અદાલતે આ મામલો બિટકોઈનનો હોવાનું નોંધી વડોદરા સાઇબર ક્રાઇમને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત અગાઉ મામલાની યોગ્ય તપાસ ન કરનાર પીએસઆઇ જે હાલમાં દેવભૂમિ દ્વારકા ખાતે ફરજ બજાવી રહ્યા છે, તે એઆર ગોહિલ સામે તપાસ કરી કસૂરવાર જણાય તો કાર્યવાહી કરવાની સૂચના અપાઇ હતી. ગત 7 જૂલાઇએ સાઇબર ક્રાઈમે શક્તિસિંહની ફરિયાદને આધારે હિરેન ગોવિંદભાઈ પટેલ સામે બિટકોઇનના નામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

પૂર્વ જિલ્લા પોલીસ વડાએ તૈયાર કરેલા 2 રિપોર્ટ વિરોધાભાસી હોવાથી અનેક સવાલ
શક્તિસિંહના વકીલ શીતલ ઉપાધ્યાયે અન્ય પોલીસ પાસે તપાસની માગ કરતાં પૂર્વ પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલે આ મામલો જમીન લેવડ-દેવડનો જ હોવાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ પુનઃ તપાસમાં આ મામલો બિટકોઇનનો હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેને લઇ અનેક સવાલો ઊભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...