વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી:રાજ્યની સૌથી વિશાળ 111 વર્ષ જૂની ‘કાચની લાઇબ્રેરી’ માં 3.30 લાખ પુસ્તકોનો વારસો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સેન્ટ્રલ લાઈબ્રેરી - Divya Bhaskar
સેન્ટ્રલ લાઈબ્રેરી
 • અમેરિકાના વોશિંગ્ટનની ‘લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ’ની ડિઝાઇન પર તૈયાર કરાઇ હતી સેન્ટ્રલ લાઇબ્રેરી

માંડવીના 111 વર્ષ જૂની ઇમારતમાં કાર્યરત સેન્ટ્રલ લાઇબ્રેરી મધ્ય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે. જેમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે. સેન્ટ્રલ લાઇબ્રેરી વર્ષો પહેલાથી કાચની લાઇબ્રેરી તરીકે જાણીતી છે. આજથી 111 વર્ષ પહેલાં લાઇબ્રેરીમાં કુદરતી પ્રકાશ આવે તે માટે સયાજીરાવે તેના પ્રથમ મજલાના ફ્લોરિંગના બાંધકામ માટે બેલ્જિયમથી મજબૂત કાચ મંગાવ્યા, જે આજે પણ યથાવત્ છે. આ ભારતની પહેલી અને એક માત્ર લાઇબ્રેરી છે જેમા આ પ્રકારના કાચ વપરાયા છે. આ જ કારણસર લોકોમાં તે કાચની લાઇબ્રેરી તરીકે જાણીતી બની છે.

ઇતિહાસના અભ્યાસુ ચંદ્રશેખર પાટીલ કહે છે કે, ‘ સંપતરાવે પહેલીવાર 1906માં સરકારવાડાની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મધ્યવર્તી પુસ્કાલય શરૂ કર્યું હતું. તેમનો લાઇબ્રેરી માટેનો આગ્રહ અને પ્રયાસ નોંધપાત્ર હતા. તેથી મહારાજા સયાજીરાવ 1906માં અમેરિકા ગયા ત્યારે તેમણે ત્યાંથી લાઇબ્રેરી વ્યવસ્થાપનના જાણકાર બોર્ડનને વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું. જે તેમણે સ્વીકાર્યું.

હાલની સેન્ટ્રલ લાઇબ્રેરીની ઇમારત બની ત્યારે તેના પ્રવેશદ્વાર પાછળ સંપતરાવ ગાયકવાડની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. ઘણા લોકો તેને સયાજીરાવની પ્રતિમા સમજે છે.’ આ લાઇબ્રેરી માટે સયાજીરાવે પોતાના ખાનગી કલેકશનમાંથી 20 હજાર પુસ્તકો દાનમાં આપ્યા હતા. જોકે શહેરમાં પહેલી લાઇબ્રેરી 1885માં કોઠી કંપાઉન્ડમાં રાજકુમાર જયસિંહના નામે શરૂ કરાઇ હતી, જે આજે પણ કાર્યરત છે.

સેન્ટ્રલ લાઇબ્રેરીમાં 5 ભાષાનાં 184 સામયિક આજે પણ મગાવાય છે
આ લાઇબ્રેરીમાં હાલમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે, જેમાંથી એક લાખથી વધુ પુસ્તકો ગુજરાતી ભાષામાં છે. આ ઉપરાંત હિન્દી, મરાઠી, અંગ્રેજી અને સિંધી ભાષાના 184 સામયિકો આવે છે. લાઇબ્રેરીમાં પુસ્તક આપ-લે, સંદર્ભ વિભાગ, મહિલા અને બાળકોના અલાયદા વિભાગો છે. જો કે એક સમય હતો કે લાઈબ્રેરીમાં ઉર્દૂ ભાષાના પણ પુસ્તકો હતા, જો કે આજે તેની સંખ્યા જૂજ છે. હાલમાં પણ ગુજરાતી ઉપરાંત િહન્દી અને મરાઠી ભાષાના વાચકો લાઈબ્રેરીમાં પુસ્તક માટે આવે છે. લાઈબ્રેરીના અધિકારીના જણાવ્યા મુજબ કોરોના સમયમાં વાચકોની સંખ્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછુ થયું છે.

વિદ્યાર્થીઓ રાત્રે 12 વાગ્યા સુધી વાંચી શકશે
સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રાત્રે 12 વાગ્યા સુધી વાંચે છે. હાલમાં કોરોનાને લીધે એ સુવિધા નથી.આગામી બે ત્રણ મહિનામાં 150 વિદ્યાર્થી અને એટલા જ મહિલા વાચકો ત્યાં બેસીને વાંચી શકશે. મહિલા વાચકો માટે અલાયદી વ્યવસ્થા કરાઇ રહી છે. > જે.કે. ચૌધરી, આસી.ડાયરેક્ટર.

ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં 30,392 હસ્તપ્રતનો સંગ્રહ,જાળવણી માટે ખાસ લેપ

 • આશરે 15 હજાર જેટલી હસ્તપ્રતો એવી છે કે, જે 19મી સદીના છેલ્લા દસકાંથી અહીં સંગ્રહિત છે.
 • ઘોડાસર પાઉડરનો ઉપયોગ થોડાંક વર્ષ પહેલાં શરદીની દવા તરીકે કરાતો હતો. એ ઘોડાસર પાઉડરનો ઉપયોગ કાગળની હસ્તપ્રતોથી ઉધઇ જેવા જંતુઓને દૂર રાખવા કરાય છે. લાલ કપડામાં હસ્તપ્રતોને લપેટીને તિજોરીમાં મૂકી આસપાસ ઘોડાસરની પોટલી મૂકાય છે.
 • તાડના વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રતોની જાળવણી માટે દક્ષિણ ભારતથી મંગાવાતું તેલ અને કાળી શાહીનો ઉપયોગ કરાય છે. આ મિશ્રણને હસ્તપ્રત પર લગાવવાથી સૂકાઇને તૂટતી નથી અને એના પર લખેલા અક્ષરો વધુ સ્પષ્ટ વંચાય છે.
 • ભારતભરમાં 13મી સદી પૂર્વે હસ્તપ્રતો લખવા માટે વૃક્ષના પર્ણોનો ઉપયોગ સૌથી વધુ થતો હતો. 13મી સદીમાં કાશ્મીરમાં સૌપ્રથમ વખત કાગળનો ઉપયોગ કરવાની શરૂઆત થઇ હતી. કાગળ ભારતમાં અફઘાનિસ્તાન થઇને કાશ્મીર આવ્યા હોવાનો અંદાજ છે. ગુજરાતમાં લખાયેલી હસ્તપ્રતોમાં મોટાભાગની હસ્તપ્રતો કાગળની છે.

94 વર્ષે પુસ્તકોની ગોઠવણીની સિસ્ટમ બદલાઇ, 1.4 કરોડ પેજનું ડિજિટાઇઝેશન
વડોદરા. લાઇબ્રેરીના દુર્લભ ગ્રંથોના વોલ્યૂમ્સ અને લાઇબ્રેરી સામયિક લાઇબ્રેરી મિસેલિની(1913-1919)ના અંકો તેમજ ફોટો આલ્બમ્સનું ડિજિટાઇઝેશન કરાયું છે. જેથી વાચકોને વર્ષો સુધી કમ્પ્યૂટરમાં તે વાંચવા ઉપલબ્ધ થઇ શકે. લાઇબ્રેરી દ્વારા આવા ગ્રંથો સહિતના પુસ્તકોના 1.4 કરોડ પેજનું ડિજિટાઇઝેશન થઇ ચૂક્યું છે.

આ ઉપરાંત બીજી સુવિધા એ છે કે ઘરે પુસ્તક વાચીને વાચક કોઇ પણ સમયે પુસ્તક જમા કરાવી શકે તે માટે વિશેષ પ્રકારની ડ્રોપ બોક્સ સિસ્ટમ અમલમાં મૂકી છે. જેથી વાચક પુસ્તક ડ્રોપ કરતા જ તેના નામે આપમેળે જમા થઇ જાય છે અને વાચકને પુસ્તકની પહોંચ પણ મળે છે. 1910માં પુસ્તકોની ગોઠવણી કરવા અમેરિકાથી આવેલા વિલિયમ બોર્ડને એક પદ્ધતિ વિકસાવી હતી. જે 2004 સુધી ચાલી હતી. 2005થી કમ્પ્યૂટરાઇઝ્ડ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. જ્યારે પુસ્તકોની આપલે માટે 2008માં આરએફઆઇડી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.

આ ક્ષેત્રે સેન્ટ્રલ લાઇબ્રેરી દેશમાં પ્રથમ હતી

 • દેશમાં તાલીમી ગ્રંથપાલની પહેલી નિમણૂક સેન્ટ્રલ લાઇબ્રેરીમાં થઇ હતી.
 • દેશમાં લાઇબ્રેરી સાયન્સની તાલીમની શરૂઆત પણ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં કરાઇ હતી.
 • ઓપન એકસેસ પદ્ધતિનો દેશમાં સૌથી પહેલો ઉપયોગ આ લાઇબ્રેરીમાં થયો હતો. જેમાં વાચક સીધો જ પુસ્તક પાસે જઇને માહિતી મેળવી શકતો હતો.

આ લાઇબ્રેરીમાં વાંચવા-જાણવા-જોવા જેવું શું છે?

 • મહારાજા સયાજીરાવને દેશ-વિદેશથી મળેલા ગ્રંથોનો ખજાનો, જેમાં એક ટચૂકડા પુસ્તકોની મીનિએચર લાઇબ્રેરી પણ છે.
 • ગ્રંથાલય પ્રવૃત્તિ અંગેના ભારતના સૌથી પહેલા સામયિકના અંકો
 • 1901થી 1941 સુધીના ગેઝેટિયર ગ્રંથો જેમાં વડોદરા રાજ્યની સંપૂર્ણ માહિતી.
 • વડોદરા સ્ટેટની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાજ્યના મહેમાનોના આગમન સમયના ફોટોગ્રાફ્સ, સંખ્યાબંધ અલભ્ય ગ્રંથો
અન્ય સમાચારો પણ છે...