એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના છબરડાઓ બાદ હવે આર્ટસ ફેકલ્ટીનો વારો આવ્યો છે. આર્ટસમાં ઇન્ટરનલના પરિણામો જાહેર કરવામાં વિવાદ થયો છે અને પરિણામો તૈયાર હોવા છતાં પણ જાહેર કરવામાં આવી રહ્યા નથી. એકઝામ પોર્ટલમાં ટેકનીક ખામીના પગલે કોઇ પણ ડિપાર્ટમેન્ટના હેડને આપેલા આઇડી પાસવર્ડથી તમામ વિભાગના વિદ્યાર્થીઓની ડીટેલ ખુલી રહી હોવાનું બહાર આવતા 19 વિભાગના વડાઓએ ડીનને પરિણામ જાહેર કરવાની ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં બીએ 3 અને એમ 1ના વિદ્યાર્થીની ઇન્ટરનલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. 7 તારીખથી આ વિદ્યાર્થીઓની એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે હજુ સુધી વિદ્યાર્થીઓને ઇન્ટરનલ પરીક્ષાના માર્ક જાહેર કરવામાં આવ્યા નથી. છેલ્લા 10 દિવસ થી આર્ટસ ફેકલ્ટીના ડીન, પરીક્ષા વિભાગ અને આર્ટસના તમામ વિભાગોના વડા વચ્ચે પરિણામ જાહેર કરવાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એકઝામ પોર્ટલની ખામીના કારણે માર્ક એન્ટર કરવા માટે સમસ્યા ઉભી થઇ છે. 10 વિભાગના વડાઓને તેમના વિભાગ પ્રમાણે આઇડી પાસવર્ડ અપાયા છે.
જેથી તેઓ વિભાગના વિદ્યાર્થીઓના માર્ક એન્ટર કરી સુધારો-વધારો કરી શકે છે. જોકે કોઇ પણ ડિપાર્ટમેન્ટના વડા દ્વારા તેમના આઇડી પાસવર્ડના આધારે સીસ્ટમમાં એન્ટ્રી કર્યા પછી અન્ય ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓના નામ, યાદી અને માર્ક સહિતની વિગતો જોવા મળી રહી છે. અન્ય વિભાગ દ્વારા બીજા વિભાગના વિદ્યાર્થીઓના માર્ક સાથે ચેડા થઇ શકે તેવી પરિસ્થીતી સર્જાય છે.
ત્યારે ફેકલ્ટી ડીન દ્વારા જે તે વિભાગના વડાને તેમના અધ્યાપકોને માર્ક અપલોડ કરી દેવા માટે આઇડી પાસવર્ડ આપવા માટે જણાવાયું હતું. જોકે હેડે તેવું કરવા સ્પષ્ટ ના પાડી દેતા પરિણામ ઘોંચમાં પડ્યું છે. એક અધ્યાપકે જણાવ્યું હતું કે, સીસ્ટમ સીકયોર ના હોવાથી 19 વિભાગના વડાઓએ ડીનને પરિણામ જાહેર કરવાની ના પાડી છે. એકઝામ પોર્ટલની ખામીઓને પગલે પરિક્ષા અને પરિણામની સમસ્યા થાય છે.
એન્ડ સેમ. પરીક્ષા પહેલાં ઇન્ટરનલના માર્ક જાહેર કરવાનો નિયમ પહેલાથી જ છે
એન્ડ સેમ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ આપી દેવું પડતું હોય છે. ઇન્ટરનલમાં આવેલા માર્કના આધારે વિદ્યાર્થી એન્ડ સેમિસ્ટર માટે કેવી રીતે તૈયારીઓ કરવી તે અંગે ધ્યેય નક્કી કરી શકે છે. 7 તારીખથી શરૂ થતી એન્ડ સેમ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પાસે તેમના ઇન્ટરનલના માર્ક નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.