શહેરના ફતેંગજ વિસ્તારમાં એક બાઇક ચાલકને અકસ્માત થતાં પ્લાસ્ટિક સજરીની જરૂર પડી હતી. પરંતુ તે ગત મહિને આ સમયગાળા દરમિયાન ડોક્ટર્સની હડતાળ ચાલતી હોવાથી વડોદરાની બે સરકારી હોસ્પિટલ અને અમદાવાદની એક સરકારી હોસ્પિટલમાં ગયા બાદ આખરે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.
સયાજી હોસ્પિટલમાં ડોક્ટર ન મળતા અમદાવાદ જવું પડ્યું
વડોદરાના કરોડિયા વિસ્તારમાં રહેતા શૈલેન્દ્રકુમાર નટવરભાઇ પટેલ બાઇક ટેક્સી કંપનીમાં નોકરી કરે છે. તેઓ ગત 24 જૂન 2022ના રોજ સમા બંસલમોલ પાસેથી વર્ધી પૂર્ણ કરી ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન ટી.પી.13 ગણપતિ ચાર રસ્તા ફાયર બ્રિગેડની ઓફિસ ખાતે કેનાલની બાજુથી બાઇક લઇને આવતા હતા. ત્યારે ઇકો કાર (GJ-06-PB-0674)ના ચાલકે ટક્કર મારી હતી. જેથી ડાબા પગમાં ગંભીર ઇજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સમાં ગોત્રી મેડિકલ કોલેજ ખાતે સારવાર લઇ જવાયા હતા.જ્યાં ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે તેમ કહી સયાજી હોસ્પિટલમાં જવા કહ્યું હતું. જેથી તેઓ સયાજી હોસ્પિટલ ગયા હતા પરંતુ ત્યાં પણ ડોક્ટર હાજર ન હતા. જેથી શૈલેન્દ્ર પટેલ ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ સિવિલ ખાતે પહોંચ્યા હતા. પરંતુ અમદાવાદ સિવિલમાં પણ ડોક્ટર્સની હડતાળ ચાલતી હતી. જેથી અમદાવાદમાં વસ્ત્રાલની ખાનગી હોસ્પિટલમાં 25 જૂનના રોજ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.
જેથી અકસ્માત પીડિત શૈલેન્દ્રભાઇએ ઇકો કાર ચાલક સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.