કમાટીબાગમાં 30થી 100 વર્ષ જૂના ચંદનના 100 જેટલા વૃક્ષો છે. આ વૃક્ષોમાંથી 2013થી વૃક્ષોની ચોરીના 5 કિસ્સામાં 4 ઝાડ કપાઇને ચોરાઇ ગયા છે. આ કિસ્સામાં પાલિકા દ્વારા સિકયુરીટી એજન્સીઓ પાસેથી કુલ રૂ.8 લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. પણ આ દંડની રકમમાંથી મહામૂલા ચંદનવૃક્ષોના થડની ફરતે પિંજરાં ફીટ કરવાની તસ્દી પાલિકાએ લીધી નથી. 40 એકરના બાગમાં માત્ર 39 ગાર્ડના ભરોસે (એક એકરમાં એક ગાર્ડ) લાખો રૂપિયાનો ખજાનો જાણે રેઢો જ મૂક્યો છે. કેટલાક ગણતરીના ઝાડના ફરતે વર્ષો જૂના પિંજરા છે, જે કટાઇ ગયા છે.
આ વિશે સયાજીગાર્ડનમાં ડ્યુટી બજાવતા એક કર્મચારીએ જણાવ્યું કે, ‘ ચંદનના અમારા મતે 150થી વધુ વૃક્ષો છે, એજન્સીઓ સુરક્ષા કર્મચારીઓ વધારવાનું કહે છે પણ પાલિકાને મજા આવતી હોય તેમ દંડ વસૂલાતમાં જ ધ્યાન રાખે છે. રાત્રીના સમયે ત્રાટકતા હથિયારધારી ચંદન ચોરો હુમલો કરી શકે છે. ત્યારે અમારી પાસે લાકડીઓ જ હોય છે.’
વનવિભાગ દ્વારા એક પુખ્ત ચંદન વૃક્ષની કિંમત રૂ.50 હજાર નક્કી કરી છે. એ હિસાબે જો 100 જેટલા ચંદનવૃક્ષો હોય તો તેની કિંમત રૂ.50 લાખની આસપાસ છે. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડે. ડાયરેક્ટર ગૌરવ પંચાલે જણાવ્યું કે, હાલમાં જે વૃક્ષો છે તેની સુરક્ષા માટે ગાર્ડ રાઉન્ડ ધ ક્લોક હાજર હોય છે.
પાલિકાએ બજેટ ન ફાળવ્યું તો પીપડાં મૂકીને ચંદન વૃક્ષના રક્ષણનો પ્રયોગ
કમાટીબાગમાં ચંદનવૃક્ષોની ચોરી અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાની સુરક્ષા એજન્સીઓ પાસેથી વસૂલાત કરી છે પણ નવું પિંજરુ ફીટ નથી કર્યું. જોકે સિક્યુરિટી એજન્સીના કેટલાક કર્મચારીઓ દ્વારા નવતર યુક્તિ કરીને કેટલાક વૃક્ષોના ફરતે પિપડાને મૂક્યા છે. વાઘખાના પાછળ આવેલા એક બેરલ પીંજરાની નજીક વીજબલ્બ પણ મૂકવામાં આવ્યો છે.
આ વિશે સિક્યુરિટી એજન્સીના ઇન્ચાર્જે વાત કરતા જણાવ્યું કે, ગાર્ડથી પહોંચથી આ વૃક્ષ દૂર હોવાથી આ યુક્તિ લડાવવામાં આવી છે. આ ઉપરાંત 3 સંવેદનશીલ સ્થળ પરના ચંદનવૃક્ષની ફરતે બેરલ પિંજરા મૂકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.