તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લગ્નનું કહી સુરતની યુવતીને રૂ 1.65 લાખમાં સૌરાષ્ટ્રના યુવકને વેચી દીધી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાએ દીકરીને બચાવવા કોર્ટમાં ફરિયાદ કરતાં 4 આરોપીની અટક
  • આરોપી દક્ષા સાથે મિત્રતા થતાં યુવતી છ માસ પહેલાં વડોદરા રહેવા આવી હતી

મકરપુરામાં ભાડેથી રહેતી સુરતની યુવતીને ટોળકીએ રૂા.1.65 લાખમાં દ્વારકાના યુવકને વેચી દઈ તેની સાથે લગ્ન કરાવી આપતાં આ મામલે સુરતની કોર્ટમાં દીકરીને બચાવવા માટે માતાએ ફરિયાદ કરી હતી. આ ઘટનામાં મકરપુરા પોલીસે 8 આરોપી પૈકી 4 આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતની યુવતી 3 વર્ષ પહેલાં નવસારીના યુવક સાથે લીવ ઈનમાં રહેતી હતી,યુવતીને તકરાર થતાં તે 3 મહિના પહેલાં સુરત સ્થિત માતાના ઘરે આવી હીરાના કારખાનામાં નોકરી શરૂ કરી હતી. દરમિયાન કારખાનામાં કામ કરતી વડોદરાની દક્ષા રાઠોડ સાથે યુવતીની મિત્રતા બંધાઈ હતી. દક્ષા સાથે યુવતી જાન્યુઆરી-2021માં વડોદરા ખાતે આવી મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ ઈંદિરાનગરમાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી.આ દરમિયાન દક્ષાનો મિત્ર મનીષ ચંદુભાઈ પરમાર (રહે. હિંમતનગર સોસાયટી, તરસાલી બાયપાસ, વડોદરા)એ એકલી રહેતી સુરતની યુવતીને લગ્ન બાબતે પૂછપરછ કરતાં યુવતીએ હા પાડી દીધી હતી.

જેથી મિતેશે ઓળખીતા રોકી ભરતભાઈ પટેલ (રહે. ગોલસીટી સોસાયટી, તરસાલી બાયપાસ, મકરપુરા) અને મોહંમદચાચા ઉર્ફે મહેબુબખાન જીતુખાન પઠાણ (રહે. મસ્જિદ ફળિયુ, તરસાલી)નો સંપર્ક કરીને યુવતીના લગ્ન વિશે વાત કરી હતી.મોહંમદચાચા યુવતીઓના લગ્ન કરાવી આપતી સંગીતાબેન ઉદીતકુમાર કશ્યપ (રહે. રાધે એપાર્ટમેન્ટ, સુરત)નો સંપર્ક કરીને યુવતીના રાજુભાઈ વિરાભાઈ બેલા (રહે. ખીરસરા ગામ, દેવભૂમિ દ્વારકા) સાથે લગ્ન કરાવી આપ્યાં હતાં.

યુવતી સાસરે જતાં યુવતીને જાણ થઈ હતી કે, તેને રાજુ બેલાને રૂા.1.65 લાખમાં વેચી દીધી છે. જેની જાણ બાદ યુવતીએ માતાને હકીકત જણાવી હતી. દીકરીને બચાવવા માતાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવતાં કોર્ટે સર્ચ વોરંટ કાઢ્યું હતું. જે બાદ આ ફરિયાદને ઝીરો નંબરથી મકરપુરા પોલીસમાં મોકલાતાં મનીષ પરમાર, મોહંમદ પઠાણ, લખમણ ભારતી ગોસ્વામી ,સંગીતા કશ્યપને અટક કરી હતી.

આઠ આરોપી સામે ગુનો દાખલ કરાયો
વરાછા પોલીસે યુવતીની ફરિયાદ લઈને રાજુ વિરાભાઈ બેલા (રહે. ખીરસરા ગામ, દેવભૂમિ દ્વારકા), વિરા બેલા (રહે.ખીરસરા ગામ, દેવભૂમિ દ્વારકા), દક્ષાબેન રાઠોડ (રહે.વડોદરા), મનિષ ચંદુભાઈ પરમાર, રોકી ભરતભાઈ પટેલ (રહે. ગોલસીટી સોસાયટી, તરસાલી બાયપાસ, મકરપુરા), મોહંમદચાચા (રહે. મસ્જિદ ફળિયું, તરસાલી), લખમણ ભારતી ઉર્ફે લાખાબાપુ નારણભારતી ગોસ્વામી (દેવભૂમિ દ્વારકા) અને સંગીતા કશ્યપ (રહે.રાધે એપાર્ટમેન્ટ, સુરત) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...