શહેરના તરસાલી વિસ્તારમાં ઓળખ છુપાવીને વિધર્મી યુવાન એક શાળામાં કોરિયોગ્રાફર તરીકે જોડાઇને શાળાની હિન્દી સગીરાઓને સોશીયલ મિડીયા પર પરેશાન કરતાં હિન્દુ સંગઠન બજરંગ દળે ભાંડો ફોડતા ચકચાર મચી ગઇ હતી. બજરંગ દળે યુવાનને મેથીપાક આપી માફી મંગાવી જવા દીધો હતો એમ જાણવા મળે છે. ‘તરસાલીની સ્કૂલમાં એક વિધર્મી યુવાનને ડાન્સ ટીચર તરીકે રખાયો હતો. જેના પગલે તેનો સંપર્ક સ્કૂલની બાળાઓ સાથે થતો હતો જેથી બાળાઓનો મોબાઈલ નંબર મેળવી ડાન્સ ટીચર ડાન્સ શીખવા આવતી બાળાઓને મેસેજ મોકલીને પરેશાન કરવા લાગ્યો હતો, અભદ્ર મેસેજના પગલે બાળાઓ પણ વિમાસણમાં મુકાઈ ગઇ હતી.
દરમિયાન એક બાળાના ભાઈએ આ અંગે બજરંગદળના વડોદરા મહાનગર સંયોજક કેતન ત્રિવેદીને સઘળી રજૂઆત કરી હતી. રજૂઆત સાંભળી કેતન ત્રિવેદીએ વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન વિધર્મી યુવાનનો ભાંડો ફૂટી ગયો હતો.જેથી બંજરંગ દળે યુવાનને મેથીપાક આપી સ્કૂૂલની શિક્ષિકાઓ પાસે લઇ જવાયો હતો જયાં શિક્ષિકાઓએ પણ હાથ સાફ કર્યા હતા. વિધર્મી યુવાને કેમેરા સામે માફી પણ માંગી હતી.તે પછી તેને જવા દેવાયો હતો. કેતન ત્રિવેદીએ જણાવ્યું કે ‘મામલો પતી જતાં પોલીસ પાસે જવાનું ટાળ્યું હતું.
પહેલાં પણ યુવક લોકોનો માર ખાઇ ચૂક્યો છે
3 વર્ષ પહેલા આ જ વિધર્મી યુવક આવી જ એક હરકત માટે પબ્લિકનો મેથીપાક ચાખી ચુક્યો છે. તે માંજલપુરમાં નવાબ ડાન્સ ક્લાસીસ ચલાવતો હતો. તે દરમિયાન એકવાર તે 15 વર્ષની એક છોકરીને લઈને ક્લાસીસને અંદરથી બંધ કરીને અશ્લીલ હરકતો કરી રહ્યો હતો ત્યારે આજુબાજુના લોકોએ તેને રંગે હાથે પકડી પડ્યો હતો અને મેથીપાક આપ્યો હતો.
29મી ડિસેમ્બરે જ બનાવ બન્યો હતો
બજરંગદળના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ મ.સ.યુનિ.માં જયારે નમાજ પઢવાનો મુદો ઉભો થયો હતો અને એક હિન્દુ યુવતીની ત્રણ વિધર્મી યુવકો દ્વારા છેડતી થઇ હતી તે જ દિવસે એટલે કે 29મી ડિસેમ્બરના રોજ સ્કૂલમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો.
હિન્દુ યુવતીઓમાં જાગૃતિની જરૂર છે
બજરંગદળના એક આગેવાને જણાવ્યું હતું કે ‘ હિન્દુ યુવતી અને બાળાઓએ આ બાબતે જાગૃતિ કેળવવી પડશે, હિન્દુ જેવા નામો ધરાવતાં તત્વોની મીઠી વાતાે અને તેમની હરકતોથી સાવધાન રહેવાની જરૂર છે, બજરંગ દળ આ માટે સતર્ક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.