વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, વડોદરા વકીલ મંડળના પ્રમુખ અને ચૂંટણી અધિકારીને પક્ષકાર બનાવી હાઇર્કોટમાં પિટિશન દાખલ કરવામાં આવતા ન્યાયમૂર્તિ તમામ સામે નોટીસ કાઢવાનો આદેશ કરી વધુ સુનાવણી તા.18મીના રોજ રાખવાનો આદેશ કર્યો હતો.
એડવોકેટ હસમુખ ભટ્ટે હાઇર્કોટમાં દાખલ કરેલી પિટિશનમાં રજૂઆત કરી છે કે, તા.16 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 2423 મત પડ્યા હતા. મતગણતરી સમયે 2397 મતની ગણતરી થઇ હતી. ત્યાર બાદ પાછળથી 17 બેલેટ પેપર મળ્યાં હતા અને તમામ મત પ્રમુખમાં વિજેતા ઉમેદવાર નલીન પટેલને મળ્યાં હતા.આમ, ચૂંટણીમાં અનેક ગેરરીતિ થઇ હોય પ્રમુખની ચૂંટણી રદ કરવી જોઇએ.
ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ અંગે પ્રમુખ નલીન પટેલે જણાવ્યું કે, આક્ષેપો ખોટા છે. હજી સુધી હાઇકોર્ટની કોઇ નોટિસ અમને મળી નથી અને નોટિસ મળતાં હાઇર્કોટમાં અમે જવાબ આપીશુ. મતગણતરી સમયે તમામ બેલેટ પેપર મોટા સ્ક્રીન પર બતાવવામાં આવતાં હતા ત્યારે ગેરરીતિ થવાની કોઇ સંભાવના નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.