પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સાથે ઘરોબો ધરાવતા હર્ષીલ લિંબાચીયા સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. જેમાં વેપારી મિત્ર પાસેથી 9 લાખની કિંમતની કાર ખરીદ્યા બાદ સામાન્ય રકમ ચૂકવી બાકીની રકમ ન ચૂકવી ધમકી આપી હતી. તથા વેપારીને આપેલો ચેક બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી કાર લે વેચનો વ્યવસાય કરતા વેપારીએ ઠગ હર્ષીલ લીંબાચિયા સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
માંજલપુર પોલીસ મુજબ પ્રોફાઇલ કાર્સના માલિક યોગેશ પાટીલે નોંધાવેલી ફરીયાદ અનુસાર, કલાલી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વર હેવનમાં રહેતો હર્ષીલ લિંબાચીયા તેમનો ઓળખતા હોવાથી અવારનવાર તેઓની ઓફીસે આવતો હતો. જેથી બંને વચ્ચે મિત્રતા હોવાથી હર્ષીલે રૂા. 9 લાખમાં સ્કોડા ઓક્ટિવિયા કાર યોગેશ પાસેથી ખરીદી હતી.
હર્ષીલે પહેલાં રૂા.20 હજાર આપ્યા બાદ રૂા.1.99 લાખ રોકડા ચૂકવી રૂા.90 હજારનો ચેક આપ્યો હતો જે ચેક યોગેશ પાટિલે બેન્કમાં જમા કરાવતાં બાઉન્સ થયો હતો. ત્યારબાદ યોગેશે બાકીના રૂપિયા માંગતા હર્ષીલે ગલ્લા તલ્લા શરુ કર્યા હતા. આટલું ઓછું હોય તેમ યોગેશે બાકીના નાણાં ચૂકવવા અંગે હર્ષીલને ફોન કરતાં તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લે મારે તને પૈસા નથી આપવા. ત્યારબાદ યોગેશ પાટિલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.