વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ બે આંગણવાડીઓને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા દત્તક લેવામાં આવી છે. જે અંતર્ગત બંને આગણવાડીઓમાં 40 બાળકોને આ મંડળ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ પોષણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
પોષણ પ્રસાદનું વિતરણ
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સર્વે સ્ત્રીભક્તોના ગુરુપદને શોભાવતા ગાદીવાળા માતૃશ્રીના આશિર્વાદ ડૉ. ઉર્વશીકુંવરબા (બાબારાજા)ના માર્ગદર્શનથી ગત માર્ચ મહિનામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે શરૂ કરાયેલ 'પોષણ પ્રસાદ સુપોષિત ગુજરાત' અભિયાન અંતર્ગત આજે અક્ષય તૃતિયાના દિવસે હરણી વિસ્તારમાં વાર્ડ નંબર 3ની બે આંગણવાડીઓ 6 અને 7ને દત્તક લઇને પોષણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ પોષણ પ્રસાદનું વિતરણ
ઉલ્લેખનીય છે કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળની મહિલાઓ આ બે આગણવાડીના 40 બાળકોને સપ્તાહમાં ત્રણ દિવસ પોષણ પ્રસાદનું વિતરણ કરશે. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર રૂપલબેન, છાયાબેન અને ક્રિષ્નાબેન ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.