આયોજન:હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિ કળશને સમગ્ર રાજ્યમાં ફેરવાશે, વિવિધ શહેરના હરિભક્તો દર્શન કરી શકે તે માટે આયોજન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૂધ, કેસર-ગુલાબયુક્ત જળથી અભિષેક કરી અસ્થિને કળશમાં મુકાયાં

યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ રવિવારે પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો છે. હરિધામ મંદિરના સંતોએ સોમવારે સ્વામીજીના અસ્થિઓને શાસ્ત્રોક્ત રીતે અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે દૂધ, ગંગાજળથી અભિષેક કર્યો હતો. અભિષેક બાદ પૂજન કરેલી અસ્થિઓને કળશમાં મૂકાયા હતા. આ કળશ હવે ગુજરાતના દરેક શહેરોમાં દર્શન માટે ફેરવાશે.

હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, રવિવારે સ્વામીજીનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન થયા બાદ મંદિરમાં સંતો અને ભક્તો દ્વારા સ્વામીનારાયણ ભગવાનની ધૂન અને ભજન કરાયાં હતાં, જે ક્રમ સોમવારે પણ ચાલુ રહ્યો હતો. સોમવારે સૂર્યોદય પહેલાં સંતો દ્વારા સ્વામીજીની અસ્થિઓ એકઠી કરાઈ હતી. તેના પર શાસ્ત્રોક્ત વિધિથી દૂધ અને ગંગાજળથી અભિષેક કરાયો હતો. આજના દિવસમાં માત્ર અસ્થિ પૂજનની વિધિ જ કરાઈ હતી.

મંદિરમાં સોમવારે ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. હરિભક્તો અંત્યેષ્ઠી સ્થાનની પ્રદક્ષિણા કરી હતી અને અશ્રુભીની આંખે સ્વામીજીને યાદ કર્યાં હતાં. વિદેશથી જે ભક્તો સોખડા ખાતે આવ્યાં હતાં, તેઓ પણ હવે પરત જવા નીકળી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, રવિવારે હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને પુરુષસુક્તના મંત્રોચ્ચાર વચ્ચે અખંડ દીપથી પ્રેમસ્વરૂપ સ્વામી, સંતવલ્લભ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, યજ્ઞવલ્લભ સ્વામી, પ્રબોધજીવન સ્વામી, સેક્રેટરી અશોક પટેલ અને વિઠ્ઠલદાસ ફુવાજીએ મુખાગ્નિ આપ્યો હતો. અંતિમ વિધિ પૂરી થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ જશભાઈ સાહેબજીએ પ્રેમસ્વરૂપ સ્વામીજીના નેતૃત્વમાં ત્યાગવલ્લભ સ્વામી, પ્રબોધજીવન સ્વામી, સંતવલ્લભ સ્વામી, અશોક પટેલ અને વિઠ્ઠલદાસ ફુવાજી યોગી ડિવાઈન સોસાયટીની જવાબદારી સંભાળશે તેવી ઘોષણા કરી હતી.

જુદી જુદી નદીમાં અસ્થિઓને વિસર્જિત કરાશે
બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની અસ્થિઓને ગઢડાની ઘેલા, ગોંડલની ગોંડલી, ચાણોદની નર્મદા અને ગીરનારના નારાયણ ધરામાં વિસર્જન કરવામાં આવશે. આ તમામ સ્થળો પર સ્વામીનારાયણ ભગવાને સ્નાન કર્યું હતું.

અંત્યેષ્ઠી સ્થાન પર સમાધિ મંદિર બનાવાશે
વડીલ સંતોએ જણાવ્યું હતું કે,અંત્યેષ્ઠી સ્થાન પર ભવ્ય સમાધી મંદિરનું નિર્માણ કરાવવામાં આવશે. જેના માટે ડિઝાઈન તૈયાર કરવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. જ્યારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી ઉપયોગમાં લેતા તમામ વસ્તુઓ તેમના જીવનની મહત્ત્વની કામગીરીઓ વિશે પણ સંગ્રહાલય બનાવવામાં આવશે.

વિદેશના 50 હજારથી વધુ હરિભક્તોએ સ્વામીજીની અંતિમ વિધિ લાઇવ નિહાળી
રવિવારે હરિધામ મંદિરમાં સ્વામીજીના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી. જે વિદેશના ભક્તો લાઈવ જોઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. સંતો દ્વારા અંત્યેષ્ઠી સ્થાન પર વૃક્ષ પર વિશેષ કેમેરા લગાવાયા હતા તેમજ પાલખી યાત્રા પણ ભક્તો લાઈવ નિહાળી શકે તેની વ્યવસ્થા કરાઈ હતી. સંતોના જણાવ્યા અનુસાર અમેરીકા, યુકે, ન્યૂઝીલેન્ડ, શારજહાં સહિતના દેશના 50 હજારથી વધુ ભક્તોએ અંતિમ વિધિ નિહાળી હતી.

અન્ય સમાચારો પણ છે...