• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Haridham Sokhda Gunatit Swami Death Case, One More Audio Clip Came Up, Banevi Said Nothing Happened, We Got A Phone Call Not To Come.

ગુણાતીત સ્વામી અપમૃત્યુ કેસ:વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી, બનેવીએ કહ્યું- શું થયું એ કંઇ જડે નહીં, અમને સોખડા ન આવશો તેવો ફોન આવ્યો હતો

વડોદરા8 દિવસ પહેલા
  • ગુણાતીત સ્વામીના ભત્રીજા અને ગુણાતીત સ્વામીના બનેવી વચ્ચેની વાતચીતની ક્લિપ બહાર આવી
  • અગાઉની એક ઓડિયો ક્લિપ સહિત બે ક્લિપને તપાસ માટે FSLમાં પણ મોકલવામાં આવી

વડોદરા નજીક આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ સોખડામાં રહેતા ગુણાતીત સ્વામીનું મૃત્યુ ગળેફાંસો લાગવાથી થયું હોવાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે ગુણાતીત સ્વામી અને તેમના ભત્રીજા વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ બહાર આવી હતી. જ્યારે હવે ગુણાતીત સ્વામીના મૃત્યુ બાદ ભત્રીજા અને ગુણાતીત સ્વામીના ભાવનગર ખાતે રહેતા બનેવી વચ્ચે થયેલ વાતચીતની ક્લિપ બહાર આવી છે. આ બંને ક્લિપને તપાસ માટે FSLમાં પણ મોકલવામાં આવી છે.

ગુણાતીત સ્વામીના ભત્રીજા હસમુખભાઇ અને ગુણાતીત સ્વામીના બનેવી અમૃતભાઈ વચ્ચેની વાતચીત
હસમુખભાઇ: ફુવા જય સ્વામીનારાયણ, સુરત સમૈયામાં આવવાના છો?
અમૃતભાઈ: ના સંબંધીના લગ્ન હોવાથી નથી આવવાના
હસમુખભાઇ: ગુણાતીત સ્વામી વિશે કંઇ જાણવા મળ્યું?
અમૃતભાઈ: શું થયું એ કંઇ જડે નહીં, એટલી ખબર પડી કે આપઘાત કર્યો. અમને પહેલા જ કહી દીધું હતું.
હસમુખભાઇ: તમને પહેલા શું કહી દીધું હતું?
અમૃતભાઈ: અમને ફોન આવ્યો હતો કે તમે અહીં (સોખડા) પહોંચશો નહીં, અમે અહીં તૈયારી કરી લીધી છે, તમે જલ્દીમાં અહીં નહીં પહોંચી શકો. અમે અમારી રીતે કરી લઇશું. તો મેં કહ્યું વાંધો નહીં.
હસમુખભાઇ: ભાવનગરથી તો ચાર કલાકમાં પહોંચી જવાય. બનાવ સાંજનો બન્યો હતો.
અમૃતભાઈ: પણ મારુ કહેવાનું ઇ છે કે ત્યાં જવાય જ નહીં. બધુ સવારમાં જ હતું પણ આતો આડા અવળા ફદેણા થયા એટલે બધું બંધ રહ્યું.
હસમુખભાઇ: માયાજાળ સંકેલી લેવી હતી અને કોઇને ખબર ન્હોતી પડવા દેવી કેમ?
અમૃતભાઈ: હા
હસમુખભાઇ: હવે તમે સાચા ફુવા.

ગળેફાંસાના કારણે ગુણાતીત સ્વામીનું મોત થયાનું સામે આવ્યું હતું.
ગળેફાંસાના કારણે ગુણાતીત સ્વામીનું મોત થયાનું સામે આવ્યું હતું.

હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી સંતોએ મંદિર છોડ્યું
હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી કોણ બને તેને લઇને પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે સતત વિવાદ જારી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી પ્રબોધ સ્વામીના અને તેમના સમર્થક સંતો અને અનુયાયીઓ સોખડા મંદિર છોડી આણંદના બાકરોલ ખાતે ગયા હતા. જ્યાર બાદ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેમના મૃત્યુનું કારણ છુપાવવાને લઇને વિવાદ થયો અને આખરે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ કરેલી પોલીસમાં અરજીને પગલે ગુણાતીત સ્વામીના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ફાંસો ખાવાથી મોત થયાનું ખૂલ્યું
પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ગુણાતીત સ્વામીનું મોત ગળેફાંસો લાગવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી તે અંગે વિવાદ વકર્યો. જેમાં સોખડા મંદિરના ત્યાગવલ્લભ સ્વામીએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, ગુણાતીત સ્વામીના પરિવારજનોની વિનંતીને કારણે તેમના અપમૃત્યુ અંગે જાહેર કરવામાં આવ્યું ન હતું.

હરિધામ સોખડા થોડા દિવસોથી વિવાદો એક પછી એક સામે આવી રહ્યા છે.
હરિધામ સોખડા થોડા દિવસોથી વિવાદો એક પછી એક સામે આવી રહ્યા છે.

ઓડિયો ક્લિપ FSLમાં મોકલાશે
ત્યારે બીજી તરફ ગુણાતીત સ્વામીના મુંબઇ ખાતે રહેતા ભત્રીજા હસમુખભાઇ ત્રાગડિયાએ વડોદરા જિલ્લા પોલીસ વડાને અરજી આપી હતી કે, તેમણે ગુણાતીત સ્વામી સાથે છેલ્લે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમાં તેમને મંદિરમાં ટોર્ચર કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. આ વાતચીતની ઓડિયો ક્લિપ પણ તેમની પાસે છે. હવે આ ઓડિયા ક્લિપને FSLમાં રિપોર્ટ માટે મોકલવામાં આવશે. જેથી ગુણાતીત સ્વામીના ભત્રીજા હસમુખભાઇએ પોતાનો મોબાઇલ આ મામલે તપાસ કરી રહેલ કરજણ પોલીસને સોંપ્યો છે.

વહેલી તકે ન્યાય મળે તે માટે રજૂઆત
પોતાનો મોબાઇલ કરજણ પોલીસને સોંપવા ગયેલા હસમુખભાઇ ત્રાગડિયાએ જણાવ્યું હતું કે, મારી તથા ગુણાતીત સ્વામી તથા મારી અને તેમના બનેવી વચ્ચે થયેલ ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપની તપાસ માટે મોબાઇલ કરજણ પોલીસને સોંપ્યો છે. આ અંગે વહેલી તકે ન્યાય મળે તે અંગે રજૂઆત કરી છે.