પોલીટીકલ:હાર્દિકના રાજીનામાને કોંગ્રેસના પાટીદાર નેતા અનુસરે તેવી વકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કોઇ નારજગી ના હોવાનું જણાવ્યું

હાર્દિકના રાજીનામાને પગલે શહેર કોંગ્રેસના પાટીદાર આગેવાનો પણ રાજીનામા આપશે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. જોકે પૂર્વ પ્રમુખે કોંગ્રેસમાં કોઇ નારજગી ના હોવાનું કહ્યું હતું. પટેલ સમાજને ન્યાય અપાવવા આંદોલન કરનાર હાર્દિક પટેલ થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને કોંગ્રેસમાં મહત્ત્વના હોદ્દો અપાયો હતો. પરંતુ તેઓએ રાહુલ ગાંધીને પત્ર લખી રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

શહેર કોંગ્રેસના પાટીદાર નેતાઓ કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાઓ ઉઠી હતી જોકે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરશે પટેલે જણાવ્યું કે અમે ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પાયાના કાર્યકર છીએ. કોંગ્રેસનો સાથ છોડીશું નહિ. સ્થાનીક નેતાગીરીથી નારાજગી છે પણ કોંગ્રેસ સાથે નથી. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સીલર હરીશ પટેલ પાટીદાર અનામત આંદોલનમાં પાસના કન્વીનર હતા અને હાર્દિક પટેલના નજીકના ગણાય છે. તેમના કહેવાથી જ તેમને કોર્પોરેશનમાં ટીકીટ મળી હોવાનું કહેવાઇ રહ્યું છે ત્યારે હાર્દિકની પાછળ તેઓ પણ કોંગ્રેસ છોડે તેવી શકયતાઓ પ્રબળ બની છે.

જોકે હરીશ પટેલે આ વાતને રદીયો આપ્યો હતો અને કોંગ્રેસમાં જ રહેશે તેવું જણાવ્યું હતું. પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે કહ્યું હતું કે અમે કોંગ્રેસ સાથે જ રહીશું. વિદ્યાર્થી કાળથી જોડાયેલા છીએ. કોંગ્રેસ સાથે જ રહીશું વિપક્ષમાં છે એટલે પ્રજાના પ્રશ્ને લડત આપીશું અને સત્તામાં આવીશું ત્યારે પ્રજાલક્ષી કામો કરીશું.

અન્ય સમાચારો પણ છે...