વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પહેલીવાર હનુમાન જન્મોત્સવ નિમિત્તે "હનુમાનજી કી સવારી" કાર્યક્રમનું આયોજન મિશન રામસેતુ અને સમસ્ત ગોત્રી - ગોકુલનગર, અકોટા, હરીનગર, સેવાસી, વાસણા, ભાયલી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
"હનુમાનજી કી સવારી" ગોત્રીના અંબિકાનગરમાં આવેલા યોગીનગર સ્થિત ભયભંજન હનુમાન મંદિરથી મહાઆરતી સાથે સાંજે 4 વાગે સવારી શરૂ થશે, જે ગોકુલનગર, અંબિકાનગર, સંસ્કારનગર, ગાયત્રીનગર, ચંદ્રમૌલેશ્વર નગર, મહીનગર, ગાયત્રી સ્કૂલથી દર્શનમ્ રોડથી કોલાબેરા કોલ સેન્ટરની સામે વીર હનુમાન મંદિરે પૂર્ણાહુતિ થશે. સવારીમાં 4 સ્થળો પર શરબત, છાશ, લીંબુ પાણી, કોલ્ડ્રિંગસથી ભક્તોનું વિવિધ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવનાર છે. સવારીમાં કલાકારો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશભૂષા ધારણ કરી બગ્ગીમાં બિરાજમાન થશે.
આ સવારીમાં રામજી અને હનુમાનજીની પ્રતિમા હશે..સાથે જ ડી.જે.ના તાલે ભક્તો ઝૂમી ઉઠશે. "હનુમાનજી કી સવારી" બાદ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું છે. ગાયત્રીસ્કૂલ સામે આવેલ હનુમાનજી મંદિર ખાતે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારીમાં જોડાયેલા ભક્તો પ્રસાદી લઈ શકશે.
સૌથી ખાસ વાત એ છે કે "હનુમાનજી કી સવારી" દરમિયાન સફાઈ કર્મચારીઓ સતત સવારીના રૂટ પર સફાઈ કરશે. જ્યાંથી સવારી નીકળશે તે આખો માર્ગ સફાઈ કર્મચારીઓ સવારી દરમિયાન સાફ કરશે. જેથી સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો પણ સમાજને આપવામાં આવશે.
આ સાથે જ હનુમાન જન્મોત્સવ દિવસે ભયભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજી મહારાજનો ચોવીસમો વાર્ષિક પાટોત્સવ તથા શ્રી મારૂતિયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજી મહારાજને હિરાજડિત ચાંદીના વાઘા અર્પણ કરવામાં આવશે તેમજ અભિષેક પૂજા, ધ્વજા આરોહણ, અન્નકૂટ દર્શન, રક્ત તુલા, સંધ્યા આરતી તથા ભંડારાનું આયોજન કરાયું છે. તેમજ મહેન્દ્રબાપુના સ્વરકંઠે હનુમાન ચરિત્ર કથાનું પણ આયોજન કરાયું છે. સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો રક્તદાન કરશે.
આ ઉપરાંત કોલાબેરા કોલ સેન્ટર સામે આવેલ વીર હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડ, મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પણ હનુમાનજીને ચાંદીના વાઘા અર્પણ કરવામાં આવશે.
આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાવવાના છે. હિન્દુ સમાજ એકજૂટ થાય અને લોકોમાં ધર્મ અને ભગવાન પ્રત્યે આસ્થા વધે તે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ અંગેની માહિતી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી, દિપ અગ્રવાલ, મિતેશભાઇ વડગામા, રવિભાઈ, ભાવિન સોની, કૌશિકભાઈ સોની, જયેન્દ્રસિંહ સોલંકીએ પૂરી પાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.