પ્રેમિકાને સાથે જીવવા-મરવાના આપેલા વચનને પૂરું કરવા પ્રેમીએ પ્રેમિકા સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. 3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળ્યા છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે એ માટે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું.
યુવકની તાજેતરમાં જ સગાઇ થઇ હતી
વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણભાઇ રાઠવા (ઉં.35) ( રહે. કંજરી પાણિયા કોતર ફળિયુ તા.હાલોલ જિ.પંચમહાલ) એ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમા ઝંપલાવ્યાની હકીકત જણાવી હતી. ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરિવારમાં 5 બહેન તથા ત્રણ ભાઇ છે, જેમાં સૌથી નાનો દિલીપ (ઉં.19) જે કુવારો હતો. તેના હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઇ કરી હતી અને આ 7 એપ્રિલે તેના લગ્ન હતા, પરંતુ દિલીપનું મન અન્ય યુવતી માટે ધડકતું હતું.
મોટા ભાઇ લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા હતા
ઘરમાં લગ્ન હોવાથી દિલીપના મોટા ભાઈ દિલીપના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા હતા. તો બીજી તરફ દિલીપે ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર બાઇક પર પોતાની પ્રેમિકા ઊર્મિલા (ઉં.18)ને બેસાડી રાજપુરા ગામે કેનાલ પાસે લઈ આવ્યો હતો. કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમિકા સાથે પાણીમાં પડતું મૂક્યું હતું. રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાંના મૃતદેહ રૂપાપુરાની કેનાલમાં તરતા મળતાં પોલીસે બહાર કાઢ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી મૃતક દિપીલની મોટરસાઈકલ મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે.
કેનાલમાંથી બંનેના મૃતદેહ મળ્યા
આ અંગે જરોદ આઉટ પોસ્ટના હે.કો. રાયસિંગભાઇએ જણાવ્યું હતું કે રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લાના કંજરી ગામના દિલીપ રાઠવાએ ઉર્મિલા નામની એક યુવતી સાથે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતાં શોધખોળ કરી હતી અને હવે બંનેના મૃતદેહ મળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.