ભાસ્કર વિશેષ:500 જ્વેલર્સના રોજ 5 કરોડના દાગીનાનું હોલમાર્કિંગ શહેરમાં માત્ર 4 જ સેન્ટરો હોવાથી 3 દિવસનું વેઇટિંગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોનીઓ દ્વારા શહેરમાં હોલમાર્કિંગ માટેનાં સેન્ટરો વધારવાની માગ ઊઠી

શહેરના 500થી વધુ જ્વેલર્સમાંથી રોજ 5 કરોડના દાગીના હોલમાર્કિંગ માટે અપાઈ રહ્યા છે. જોકે માંડવી સ્થિત 4 જ હોલમાર્કિંગ સેન્ટરો આવેલાં હોવાથી સોનીઓને 1 દાગીનો હોલમાર્ક કરાવવા 2 થી 3 દિવસની રાહ જોવી પડી રહી છે. તેવામાં સોનીઓ દ્વારા હોલમાર્કિંગ સેન્ટરો વધારવા માગ ઊઠી છે. અગ્રણી જ્વેલર્સના જણાવ્યા અનુસાર બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા 16 જૂન, 2021થી હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. 5 ગ્રામથી વધુનો દાગીનો હોય તો ફરજિયાત હોલમાર્કિંગ યુનિક આઈડી કરાવવાનો રહે છે.

હાલ માંડવીમાં 4 હોલમાર્કિંગ સેન્ટરો છે. જેમાં રોજ આશરે 5 કરોડના 10 કિલો સોનાના દાગીના હોલમાર્કિંગ કરવા સોની આપતા હોય છે. એક દાગીનાને હોલમાર્કિંગ કરવા 24 કલાક લાગતા હોય છે. આ સેન્ટરોની ક્ષમતા જૂજ હોવાથી એક દાગીનાને હોલમાર્કિંગ કરાવવા 2 થી 3 દિવસ જતા રહે છે. જેથી જે ગ્રાહકે દાગીનો બનાવવા આપ્યો હોય તેને દાગીનો લેવા રાહ જોવી પડતી હોય છે. ઉલ્લેખનિય છે કે, શોરૂમમાં ડિસ્પ્લેમાં મુકાયેલા તૈયાર દાગીના હોલમાર્કિંગ કરીને જ મુકાય છે.

જે ગ્રાહકો દાગીના બનાવડાવતા હોય છે તેને હોલમાર્કિંગ કરાવવું પડતું હોય છે. માંડવી સ્થિત શ્રીરામ હોલમાર્કિંગ સેન્ટરના સંચાલકોએ જણાવ્યું કે, તેમના સેન્ટરમાં રોજ 1 હજાર દાગીના હોલમાર્કિંગ માટે આવે છે. જેમાંથી તેઓ રોજ 500 થી 600 દાગીનાને જ હોલમાર્કિંગ કરી શકે છે. હાલ 2 થી 3 દિવસનો વેઈટિંગ પિરિયડ ચાલે છે.

BIS દ્વારા વડોદરામાં હોલમાર્કિંગ સેન્ટર ઊભું કરાશે
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને રાજ્ય સરકાર સાથે મળીને વડોદરા અને અમદાવાદમાં એક હોલમાર્કિંગ સેન્ટર ઊભું કરવા જઈ રહ્યું છે. આ હોલમાર્કિંગ સેન્ટરની ક્ષમતા બેથી ત્રણ ગણી હોવાથી શહેરના જ્વેલર્સને હોલમાર્કિંગ કરેલા દાગીના 24 કલાકમાં મળી જશે.

ઈન્સ્યોરન્સ ન હોવાથી દાગીના માટે ખતરો
સોનીઓએ જણાવ્યું કે, જ્વેલર્સ જ્વેલરીનો ઈન્સ્યોરન્સ રાખતા હોય છે. જોકે હોલમાર્કિંગ સેન્ટરો પાસે જ્વેલરીનો ઈન્સ્યોરન્સ હોતો નથી. હોલમાર્કિંગ માટે આપેલા દાગીના સેન્ટરો પર 24 થી 48 કલાક પડી રહેતાં હોવાથી તે ચોરાવાનો ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...