પહેલો જાહેર સ્વિમિંગપુલ:વ્યાયામવીરોએ ફાળો ઉઘરાવ્યો અને તૈયાર થયો ખાસેરાવ તૈરને કા હોજ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલો જાહેર  સ્વિમિંગપુલ  1954, દાંડિયાબજાર - Divya Bhaskar
પહેલો જાહેર સ્વિમિંગપુલ 1954, દાંડિયાબજાર
  • યુવકો તૈરાકી શીખે તે માટે સુરસાગર- વિશ્વામિત્રી બાદ ત્રીજો વિકલ્પ
  • તે સમયના ઘણા ખ્યાતનામ લોકો નિયમિતપણે અહીં સ્વિમિંગ કરવા આવતા હતા, તરણ સ્પર્ધા પણ યોજાતી
  • સ્વિમિંગ પુલનું ઉદઘાટન પ્રો. માણિકરાવના હસ્તે થયુ હતું, 32 વર્ષ સુધી લોકોએ લાભ લીધો

શહેરમાં અખાડાઓની બે સદી જૂની પરંપરા છે. અહીં આવતા લોકોના શરીર સૌષ્ઠવ કસાય તે માટેના સાધનો અને ગુરુઓ હતા. જોકે તરણ માટે વિશ્વામિત્રી નદી કે સૂરસાગર સહિતના તળાવો જ યુવાઓની પસંદગી હતા. 1904માં જુમ્માદાદાનું 110 વર્ષની વયે અવસાન થયા બાદ વ્યાયામમંદિરની આગેવાની તેમની આગોતરી સૂચના મુજબ પ્રો. માણિકરાવને મળી હતી. વિઠ્ઠલ ક્રિડામંડળના આ વ્યાયામમંદિરમાં તેઓ યુવાનોને શરીર સૌષ્ઠવથી માંડીને યુદ્ધકલાના દાવ શીખવતા હતા.

આ વ્યાયામવીર યુવાનોએ 1944ની આસપાસ પહેલીવાર સ્વિમિંગપુલ બનાવવાનું નક્કી કર્યું અને ઉદઘાટન પ્રો.માણિકરાવના હસ્તે કરાવવાનું પણ અંદરખાને નક્કી કરી દીધું હતું. હાલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર હરપળે કહે છે કે, ‘ આ સ્વિમિંગ પુલનું નામ હિન્દીમાં ખાસેરાવ તૈરને કા હોજ એવું રખાયું હતું. એ સમયે પણ સ્વિમિંગપુલના બાંધકામ માટે રૂ.10 હજાર જેટલી રકમની જરૂર હતી. આ રકમ તે સમય મુજબ વધુ હતી. જ્યારે અખાડામાં આવતા લોકો એટલા સક્ષમ ન હતા. ફાળો એકત્ર કરવાનો શરૂ થયો.

ધીમે ધીમે 10 હજારની નજીક ગયા. બીજી તરફ પ્રો.માણિકરાવની તબિયત પણ ઢીલી પડતી જતી હતી. તેથી ફાળો ઝડપથી અને વધુ એકત્ર કરવા માંડ્યા. છેવટે 1954માં મે મહિનામાં આ સ્વિમિંગપુલનું તેમના હસ્તે ઉદઘાટન કરાયું હતું.’ 80 ફૂટ લાંબા અને 40 ફૂટ પહોળા આ સ્વિમિંગપુલની ઊંડાઇ 6 ફૂટથી માંડીને 7.5 ફૂટ હતી. પ્રવેશ માટે પહેલા 12 પગથિયા ચઢવા પડતા હતા.

આ વડોદરાનો સૌથી પહેલો જાહેર સ્વિમિંગપુલ હતો, જેમાં કોઇ પણ ધર્મ-જાતની વ્યક્તિ નિયત ફી ભરીને સ્વિમિંગ કરી શકતી હતી. વડોદરાના તે સમયના ઘણા ખ્યાતનામ લોકો નિયમિતપણે અહીં સ્વિમિંગ કરવા આવતા હતા. હાલના અન્ય સ્વિમિંગપુલની જેમ તરણ સ્પર્ધાઓ પણ યોજાતી હતી. ત્યારબાદ બીજા 32 વર્ષ સુધી આ સ્વિમિંગપુલનો ધમધમાટ ચાલુ રહ્યો હતો.

એક કલાક સ્વિમિંગની ફી 50 પૈસા લેવાતી
1 આ સ્વિમિંગપુલમાં એકવાર એક કલાક સ્વિમિંગ કરવાની ફી હતી 50 પૈસા. એ સમયે આ રકમ એક ફિલ્મ જોવા માટેની ટિકિટની હતી.

2 સવારે 8 વાગ્યાથી એક-એક કલાકની બે બેચ પુરુષ અને મહિલા સ્વિમરો માટે હતી. આ બંને બેચ માટે સ્ટાફ અલગ હતો.

3 પહેલા સ્વિમિંગપુલનું નામાંકરણ આ જગ્યા જેની માલિકીની હતી તે ખાસેરાવ જાધવના નામે કરાયું હતું.

4 પ્રો. માણિક રાવના સગા ભાઇ લક્ષ્મણરાવ સ્વિમિંગ પુલના બાંધકામ માટે ફાળો એકત્ર કરવામાં અગ્રેસર રહ્યાં હતા.

દાંડિયા બજારમાં જ 1930ના દાયકામાં પહેલો ખાનગી સ્વિમિંગપુલ બન્યો હતો
જાહેર ઉપયોગ માટેનો સ્વિમિંગપુલ જુમ્માદાદા વ્યાયામ મંદિર ખાતે બન્યો પણ ખાનગી સ્વિમિંગપુલ નારાયણ તાલીમ શાળા ખાતે દાંડિયાબજારમાં જ બન્યો હતો. આ સ્વિમિંગપુલનો ઉપયોગ કેટલાક લોકોને કરવાની મંજૂરી અપાતી હતી. આ સ્વિમિંગપુલ મુજુમદારના વાડામાં હતો,તેનું બાંધકામ મુઝુમદાર પરિવાર દ્વારા કરાયું હતું. આ પરિવારના સચીન મુજુમદારે જણાવ્યું કે, ‘ આ સ્વિમિંગપુલ અમારા દાદાએ બંધાવ્યો હતો. 1963માં તેને બંધ કરવામાં આવ્યો હતો. હાલમાં આ જગ્યામાં ત્રણ માળનું ખાનગી હોસ્પિટલ ધમધમે છે.

અન્ય સમાચારો પણ છે...