ગુરુ પૂર્ણિમા:પાદુકા પૂજન સાથે ગુરુ વંદના કરાઈ, કોરોનાને કારણે ભંડારા બંધ રહ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે કેવલાનંદજીની છબી સામે ભક્તો દ્વારા ભજન કીર્તન કરાયાં હતાં. - Divya Bhaskar
સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે કેવલાનંદજીની છબી સામે ભક્તો દ્વારા ભજન કીર્તન કરાયાં હતાં.
  • નારેશ્વર, સાવલી અને તાજપુરા સહિતનાં સ્થળે ભક્તો ઉમટ્યા, સ્વામીનારાયણ મંત્રના ઓનલાઇન જાપ કરાયા

શહેરમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન-અર્ચન કરી શહેરીજનોએ પોતાના ગુરુને યાદ કર્યા હતા. વડોદરા નજીક સાવલી, નારેશ્વર, તાજપુરા સહિતનાં ધાર્મિક સ્થાનો પર ગુરુવારની રાત્રીથી જ ભક્તોએ પહોંચવાનું શરૂ કર્યું હતું. શુક્રવારે મંદિરોમાં ભજન, આરતી અને પાદુકા પૂજનની ધાર્મિક વિધિઓ ચાલતી રહી હતી.

શહેરના કીર્તિ મંદિરના પ્રાંગણમાં આવેલા દત્ત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શનાર્થે ભક્તોનો ધસારો રહ્યો હતો.
શહેરના કીર્તિ મંદિરના પ્રાંગણમાં આવેલા દત્ત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શનાર્થે ભક્તોનો ધસારો રહ્યો હતો.

કોરોનાને પગલે ધાર્મિક સંસ્થામાં ભંડારાનું આયોજન કરાયું ન હતું. સનાતન સંસ્થા, તાજપુરા તેમજ અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન ગુરુ પૂજનના દર્શન પણ ભક્તોને કરાવ્યાં હતાં. સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે કેવલાનંદ મહારાજના ભક્તોએ પણ ગુરુ પૂજનનો લ્હાવો લીધો હતો.

ઉપરાંત ભૂતડીઝાંપા સ્થિત રંગ મંદિર ખાતે પાદુકા પૂજન તેમજ ભજન-કીર્તન કરાયું હતું. યોગી ડિવાઈન સોસાયટી દ્વારા ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ઓનલાઈન સ્વામિનારાયણ મહામંત્રના જપ તેમજ સંત્સગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્રજધામ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયના મનોરથ સ્વરૂપે શનિવારના રોજ શ્રી ઠાકોરજીના સુખાર્થે બપોરે 12:30 કલાકે રાજદરબાર મનોરથ તેમજ સાંજે 6:30 કલાકે મોરકુટીર મનોરથના દર્શન થશે. શનિવારે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...