કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોને સામેલ કરતું ફાઇનલ લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં શહેરમાંથી ગુણવંત પરમાર, સાવલીમાંથી કુલદીપસિંઘ રાઉલજી, પાદરામાંથી વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર અને કરજણમાંથી વર્તમાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલ (પિંટુ)ને ટિકિટ આપવામાં આવી છે.
8 મહિના પૂર્વે શહેર કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક થયા પછી કોંગ્રેસમાં સક્રિય થઈ ગયેલા અગ્રણી ગુણવંત પરમારને શહેર-વાડીની ટિકિટ અપાઈ છે. 2017માં વોર્ડ 5ના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના સક્રિય આગેવાન અનિલ પરમારને ટિકિટ અપાઈ હતી. 2021માં અનિલ પરમાર કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા પછી કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખની વરણી થયા બાદ સમીકરણો બદલાઈ ગયાં હતાં અને ગુણવંત પરમાર સક્રિય થયા હતા. જોકે નવાયાર્ડમાં જીગ્નેશ મેવાણીની સભા દરમિયાન સ્ટેજ પર બેસવા મુદ્દે કાઉન્સિલર હરીશ પટેલ સાથે ગુણવંત પરમારની તકરાર થઈ હતી. જેની ફરિયાદ પ્રદેશ કક્ષાએ થઈ હતી, પરંતુ તેનો ઉકેલ ન આવતાં વિવાદ વકર્યો હતો. ત્યારબાદ વારંવાર ગુણવંત પરમાર વિવાદોમાં રહ્યા હતા,જેથી કોંગ્રેસના કાઉન્સિલરો પાર્ટીના કાર્યક્રમોથી અલિપ્ત થઈ ગયા હતા. સૂત્રોના મતે ગુણવંત પરમારને શહેર-વાડીની ટિકિટ મળશે તેવું પહેલેથી જ નક્કી હતું, કારણ કે, તે શહેર કોંગ્રેસને ફાઇનાન્સ કરતા હતા.
જ્યારે સાવલીમાંથી ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ અપાઈ છે. કુલદીપસિંહ બે મહિના પહેલાં જ સિદ્ધાર્થ પટેલ થકી કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ સાવલીમાં ક્ષત્રિયોના ગામેગામ ફરીને સંમેલનો કર્યાં હતાં. સૂત્રોના અનુસાર ક્ષત્રિય ઉમેદવારને કોંગ્રેસમાંથી ટિકિટ મળે તેવી માગણી ઊભી થઈ હતી.
પાદરામાંથી વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને રિપીટ કરાયા છે. પાદરામાં ક્ષત્રિયોના મતથી ઉમેદવાર જીતતા હોવાનું ગણિત છે. તેવામાં ક્ષત્રિયોના મત મેળવવા કોંગ્રેસે ફરી વર્તમાન ધારાસભ્યને ટિકિટ ફાળવી છે. કરજણમાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલ (પિંટુ)ને ટિકિટ અપાઈ છે. તે સંગઠનમાં જોડાયેલો યુવા ચહેરો છે. 2 વર્ષથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે. તેવામાં પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી નિર્વિવાદિત ઉમેદવાર પર પસંદગી ઉતારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.