ગુજરાતભરના ક્વોરી સંચાલકો પોતાની માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દત સુધી ક્વોરી ઉદ્યોગ બંધ પડાતા વડોદરા જિલ્લામાં ક્વોરી પ્રોડક્ટ પરિવહન કરતા હજારો ડમ્પરોના પૈડા થંભી ગયા છે. ક્વોરી ઉદ્યોગ બંધ હોવાના કારણે ઉદલપુર સેવાલિયા ગોધરા વડોદરા નડિયાદ-આણંદ જેવા શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાનગી અને સરકારી બાંધકામો કપચી, ગ્રીટ, મેટલ, ડસ્ટ જેવી પ્રોડક્ટ મળતી બંધ થઈ ગઈ હોવાથી કામો બંધ થઈ ગયા છે.
ઉદલપુરથી વડોદરા 75 કિમીના માર્ગ ઉપર દિવસ-રાત હજારો ડમ્પરો દોડતા હતા. તે છેલ્લા ચાર દિવસથી બંધ થઇ જતાં માર્ગો સુમસામ બની ગયા છે. ડમ્પરો બંધ થઈ જવાના કારણે દિવસ રાત મધ્યમ વર્ગીય લોકો માર્ગો પર ચાની લારીઓ, નાસ્તાની દુકાનો, હોટલો, ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓએ પણ પોતાના ધંધા-રોજગાર આટોપી લેવાની ફરજ પડી છે, જ્યારે ક્વોરીઓમાં કામ કરતા હજારો શ્રમજીવી પરિવારોની રોજીરોટી છીનવાઇ ગઇ છે અને ઘરે બેસવાનો વારો આવ્યો છે. દિવસ દરમિયાન મધ્યમ વર્ગીય લોકો ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમતા થાય તેની હાલ કાગડોળે રાહ જોઇને બેઠા છે
ગુજરાતભરની ત્રણ હજાર જેટલી ક્વોરીઓના કર્સરો બંધ થતાં 50થી 75 હજાર જેટલા ડમ્પરોના પૈડા હાલ થંભી ગયા છે, તેની સીધે સીધી અસર બજાર ઉપર વર્તાઇ રહી છે. લાખો લોકોની રોજીરોટી 1 મેથી બંધ થઈ ગઇ છે. ક્વોરી ઉદ્યોગ બંધ હોવાનાના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. ધંધો બંધ છે, પરંતુ, વાહનો માટે લેવાયેલી લોનનું વ્યાજ ચાલુ છે તે ભરવુ પણ મુશ્કેલ બને તેમ છે, તેના કારણે ટ્રાન્સપોર્ટરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ઠેર ઠેર ડમ્પરોના ખડકલા જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઈને ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમતો કરાવે તેવી મધ્યમ વર્ગીય લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે.
ગુજરાત બ્લેક સ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હડતાળને કારણે 1 લાખ લોકો બેકાર થયા છે. સરકારને રોયલ્ટીનું નુકસાન થઇ રહ્યું છે. પ્રોજેક્ટો પણ ઠપ થઇ ગયા છે. સરકારમાં વારંવાર રજૂઆતો છતાં અમારી રજૂઆતોને ધ્યાને લેવાઇ નથી. ગુજરાત બ્લેક સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ખજાનચી વિજય પટેલે જણાવ્યું હતું કે, ખાડા માપણી, પ્રાઇવેટ લીઝ, આરટીઓ અને ખાણ ખનીજનું મિલન સહિતના 17 મુદ્દાઓ સરકાર સમક્ષ મુક્યા હતા. પણ 10 વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. અમારા મુદ્દાઓનું ઝડપી નિરાકરણ આવે તેવી અમારી સરકારને અપીલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્વોરી એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને વારંવાર રૂબરૂ મોખીક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ 19 ડિસેમ્બર 2016માં સરકાર સાથે 17 મુદ્દાઓનું લેખિતમાં સમાધાન થયું હતું, તેમ છતાં રાજ્ય સરકારે ક્વોરી માલીકોને માત્ર આશ્વાસન સિવાય કંઈ ન આપતા કવોરી માલિકોએ હળતાલનું શાસ્ત્ર ઉગામવું પડ્યું હતું.
(અહેવાલઃ ઝાકિર દિવાન, ડેસર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.