એલાઇવ્ઝ જીમ કૌભાંડ:જીમના સંચાલકોને રૂ. 2.58 કરોડના બેનામી વ્યવહાર મામલે GST વિભાગે શો કોઝ નોટિસ ફટકારી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર કૈલાશ જાધવ - Divya Bhaskar
એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર કૈલાશ જાધવ
  • જીમમાં પાર્ટનર ડો. દેવાંગ શાહે બીજા પાર્ટનર કૈલાશ જાધવ સામે 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી
  • GST વિભાગે 80 હજાર એન્ટ્રીઓ ચેક કરતા જીમના બેનામી વ્યવહારો બહાર આવ્યા

એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર ડોક્ટર દેવાંગ શાહે બીજા પાર્ટનર કૈલાશ જાધવ વિરૂદ્ધ 3 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ અનેક છેતરપિંડી સામે આવી રહી છે. જીમનું સંચાલન કરતા કૈલાશ જાધવે નવેમ્બર-2015થી ડિસેમ્બર-2017 સુધી અનેક એન્ટ્રીઓ લીધા બાદ એકાઉન્ટ બુકમાં તેની નોંધ ન કરી હોવાનું GST વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં બહાર આવ્યું હતું. અંદાજે. 2.58 કરોડ રૂપિયાના બારોબાર વ્યવહાર મામલે GST વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના સંચાલકો ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવને શો-કોઝ નોટિસ ફટકારી છે. જીમમાં રૂ. 2.58 કરોડના વ્યવહારો કર્યાં બાદ તેની એન્ટ્રી એકાઉન્ટ બુકમાં બતાવવામાં આવી ન હતી અને વધુ એક કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

એલાઇવ્ઝ જીમમાં ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ પાર્ટનર હતા
એલાઇવ્ઝ જીમની શરૂઆતમાં બધુ સારૂ ચાલ્યું હતું. પરંતુ સમય જતા જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહે અન્ય પાર્ટનર કૈલાશ જાધવ પાસે હિસાબો માંગતા મામલો ગોળ ગોળ ફરવાનો શરૂ થઇ ગયો હતો. આખરે ડો. દેવાંગ શાહે પાર્ટનર કૈલાશ જાધવ સામે છેતરપિંડી કરવા મામલે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી કૈલાશ ફરાર થયો છે. જોકે ત્યાર બાદથી લઇને અત્યાર સુધી કૈલાશ જાધવની ઠગાઇના અનેક કિસ્સાઓ સામે આવી ગયા છે. એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ હતા. મોટા ભાગે જીમનું સંચાલન કૈલાશ જાધવ દ્વારા કરવામાં આવતું હતું.

નવેમ્બર-2015થી ડિસેમ્બર-2017 સુધીની એન્ટ્રીઓ સોફ્ટવેરમાં બતાવવામાં આવી ન હતી
GST વિભાગની તપાસમાં વાત બહાર આવી હતી કે, એલાઇવ્ઝ જીમના કર્તાહર્તા કૈલાશ જાધવ દ્વારા એકાઉન્ટન્ટ સંજય હલીયલ સાથે મળીને નવેમ્બર-2015થી ડિસેમ્બર-2017 સુધીની એન્ટ્રીઓ એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં બતાવવામાં આવી ન હતી. તથા એપ્રિલ-2018થી માર્ચ-2020 સુધી ફાઇલ કરવામાં આવેલા જી.એસ.ટી.આર-1 રિટર્નમાં તફાવત સામે આવ્યો હતો અને નવેમ્બર-2019થી જીમ સંચાલક દ્વારા જી.એસ.ટી.આર-3 બી ફાઇલ કરવામાં આવ્યું ન હતું. આ અંગે ફર્મને 11-06-2020માં નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

GST વિભાગ દ્વારા 80 હજાર એન્ટ્રીઓ ચેક કરવામાં આવી
GST વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના CPUમાંથી એકત્રિત કરવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં એકાઉન્ટીંગ સોફ્ટવેર થકી અનેક ડુપ્લિકેટ એન્ટ્રી પકડી પાડવામાં આવી હતી. સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવા માટે GST વિભાગ દ્વારા 80 હજાર એન્ટ્રીઓ ચેક કરવામાં આવી હતી. આખરે રૂ. 2.58 કરોડના બારોબાર વ્યવહાર મામલે જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના પાર્ટનરોને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન કૈલાશ જાધવના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની કેશ એન્ટ્રી મળી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...