• Gujarati News
  • Dvb original
  • Group Of Diamond And Textile Traders From Surat Made Beads For Chaklis From Waste Bins, Distributing More Than 22 Thousand Beads Free Of Cost Across The State.

પોઝિટિવ સ્ટોરી:સુરતના હીરા અને કાપડના વ્યવસાયી ગ્રુપે વેસ્ટ ડબ્બામાંથી ચકલીઓ માટે માળા બનાવ્યા, રાજ્યભરમાં 22 હજારથી વધુ માળાનું નિઃશુલ્ક વિતરણ કર્યું

સુરત8 દિવસ પહેલાલેખક: પંકજ રામાણી

સુરતમાં હીરા અને કાપડના વ્યવસાયીઓએ ચકલીઓ બચાવવા અનોખું અભિયાન શરૂ કર્યું છે. વેસ્ટ ડબ્બાઓને કોઠાસુઝથી માળામાં પરિવર્તિત કરીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે. કાપડમાં કલર માટે વપરાતા ઈન્કના ખાલી પ્લાસ્ટિકના ડબ્બાને કોઠાસૂઝથી માળાનું સ્વરૂપ આપ્યું છે. ગ્રુપના સભ્યો રજાના દિવસે અને સમય મળે ત્યારે રોજ રાત્રે જઈને માળા તૈયાર કરીને નિઃશુલ્ક વિતરણ કરી રહ્યાં છે. 10 રૂપિયાના અંદાજીત ખર્ચે બનતા આવા 22 હજારથી વધુ માળાનું અત્યાર સુધીમાં વિતરણ કરી દેવામાં આવ્યું છે. સાથે જ જેમ જેમ ઈન્કના ખાલી ડબ્બા ઉદ્યોગકારો પાસેથી વધુ માત્રામાં નિઃશુલ્ક મળે તેમ આ માળા ન માત્ર ગુજરાત, પરંતુ, દેશભરમાં મફતમાં આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

ચકલીઓ લુપ્ત થઈ રહી છે
ઘર આંગણાના પંખી તરીકેની વર્ષોથી ઓળખ ધરાવતી ચકલી સહિતના પક્ષીઓની જાતિને બચાવવા માટે સૌએ જવાબદારીપૂર્વક આગળ આવવુ઼ જરૂરી બન્યું છે. નહીં તો આગામી વર્ષોમાં કદાચ ચકલી તસવીરમાં જ જોવા મળશે. દિવસે ને દિવસે આધુનિકતાની પ્રગતિમાં આપણે જાણે-અજાણ્યે પર્યાવરણ અને કુદરતના ઘરેણાં જેવા પક્ષીઓ અને તેમાં પણ નાની ચકલીઓનો નાશ થવાના આરે મૂકી દીધી છે. માનવ વસ્તી વધારાને કારણે જંગલોનો નાશ કરીને ઉંચી ઇમારતો અને ભવ્ય મહેલો જેવા મકાનો ખડકાઇ રહ્યા છે. જેના કારણે પક્ષીઓ અને ચકલીઓને માળા બાંધીને રહેવાનું દુષ્કર બન્યું છે. પરિણામે ચકલીનું ચી...ચી.. સાંભળવાનું બંધ થયું અને વૃક્ષ ન રહેતા વાતાવરણ ગરમ અને વધુ ગરમ થતું અટકાવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું અબોલ પક્ષીઓ માટે રહેઠાણ સમા માળા સુરતના અનંત ચકલી ઘર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પક્ષી પ્રેમથી પ્રેરણા મળી
કતારગામ વિસ્તારમાં રહેતા અને સેવાકીય પ્રવૃતિ સાથે હીરા બજારમાં કામ કરતાં અનંત ચકલી ઘર ફ્રેન્ડ્સ ગ્રુપના હર્ષદભાઈ નાગજીભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામના વડીલો પાસેથી પક્ષીઓની સેવા કરવાની શીખ મળી હતી. તેઓ ગામમાં પક્ષીઓને ચણ નાખતાં હતાં. જેથી અમે પણ પક્ષીઓને ચણ નાખવાનું શરૂ કર્યું હતું. પરંતુ, બાદમાં ધ્યાને આવ્યું હતું કે, પક્ષીઓના રહેઠાણની વ્યવસ્થા પણ કરવી જોઈએ. એટલે ત્રણેક વર્ષ અગાઉ માટીના માળા બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ વરસાદી પાણીથી આ માળા લાંબો સમય સુધી ચાલતા નહોતા.

GIDCના ઉદ્યોગકારોનો સાથ મળ્યો
માળીના માળાની જગ્યાએ કંઈક નક્કર કરવાનું વિચારતાં વિચારતાં એક દિવસ એક દિવસ કતારગામ GIDCમાં મિત્રના કારખાને ગયો હોવાનું જણાવતાં હર્ષદભાઈએ ઉમેર્યું કે અહીં મેં ડિજીટલ પ્રિન્ટીંગ મશીનના ઈન્કના ખાલી ડબ્બા જોયા હતાં. આ ડબ્બા ખૂબ મજબૂત હતાં. એટલે આ મટીરીયલને માળા તરીકે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. સાથે જ ઉદ્યોગકારોને વાત કરી તો તેમણે પણ ડબ્બા નિઃશુલ્ક રીતે આપવાની હા પાડી હતી. જેથી અમે માળા બનાવવા માટેનું આયોજન હાથ ધર્યું હતું.

સેવા કરનારા હાથ આગળ આવ્યા
ઉદ્યોગકારોને સાથ મળતાં જ અમે માળા બનાવવા માટે જગ્યાની શોધ આદરી તો કતારગામના નાની વેડ વિસ્તારમાં ઈન્ફીનિટી ફાર્મ પણ અમને મળી ગયું. અહીં અમારા જેવા સેવાકીય પ્રવૃતિ કરવાવાળા એક લોકોનો સાથ મળવા લાગ્યો. હીરા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ 25થી વધુ લોકોનું અમારું ગ્રુપ બની ગયું અને અનંત ચકલી ઘર ફ્રેન્ડ્સ ગ્રુપની શરૂઆત થઈ. અમે લગભગ છેલ્લા દોઢેક વર્ષથી માળા બનાવી રહ્યાં છીએ. અમારા ગ્રુપના તમામ સભ્યો એક પણ રૂપિયો માળા બનાવવા લેતો નથી. પરંતુ, ઉલટાનો જે ખર્ચ થાય તે કોઈ પાસે માગ્યા વગર અમે જ થોડા થોડા રૂપિયા ખીસ્સાના કાઢીને માળા બનાવીએ છીએ. અમને આ કાર્યમાં ખૂબ આનંદ આવે છે તેમ વધુમાં ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું.

સવા બે લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે
અનંત ચકલી ઘર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 22 હજારથી વધુ માળાનું વિતરણ અત્યાર સુધીમાં નિઃશુલ્ક કરી દેવામાં આવ્યું છે. ઈન્કના ડબ્બા મફતમાં મળે છે. માત્ર રિક્ષા ભાડાનો ખર્ચ થાય છે તેમ જ બનાવવા પાછળ ખર્ચ થતાં એક માળાની પડતર કિંમત અંદાજે 10 રૂપિયા જવો આવે છે. જેથી અત્યાર સુધીમાં સવા બે લાખ જેટલો ખર્ચ થયો હોવાનું અમરોલી કોલેજના પ્રિન્સીપાલ અને ગ્રુપ સાથે સંકળાયેલા ડો. મુકેશ ગોયાણીએ જણાવ્યું હતું.

રાજ્યભરમાં 22 હજારથી વધુ માળાનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે.
રાજ્યભરમાં 22 હજારથી વધુ માળાનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે.

સ્કૂલો માળા પર પ્રવૃતિ કરાવે છે
માળાઓ નિઃશુલ્ક મેળવીને તેના પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રવૃતિ કરવામાં આવે છે. માળા પર પેઈન્ટિંગથી લઈને સુત્રો લખવામાં આવે છે. જેથી આ માળાઓ ઘરની શોભા વધારે છે. આ માળાઓ સ્કૂલ, સંસ્થાઓ, ગૌશાળા, પાંજરાપોળ સહિતનાને આપવામાં આવે છે. અનંત ચકલી ઘર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રીતે અપાતા માળાઓને સુરતથી અન્ય ગામોમાં કે ગુજરાતભરમાં સોશિયલ મીડિયા પર જે રીતે લોકો માગે તે રીતે મોકલવામાં આવે છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા માળાના ટ્રાન્સપોર્ટેશન માટે રૂપિયા પણ લેવામાં આવતાં નથી.

ગુજરાત સહિત દેશભરમાં માળા પહોંચાડવાની નેમ
અનંત ચકલી ઘર ફ્રેન્ડ્સ ગ્રુપના પિયુષભાઈ ઘનશ્યામભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, અમે માળા અત્યાર સુધી ગુજરાતભરમાં મોકલતા હતાં. પરંતુ હવે અમને ઉદ્યોગકારો જો વધુ સંખ્યામાં ઈન્કના ખાલી ડબ્બા આપશે, તો અમે એ ડબ્બામાંથી માળા બનાવીને દેશભરમાં મોકલવા માટે તૈયાર છીએ. આ માટે અમે ઉદ્યોગકારોને એક જ વિનંતી કરીએ છીએ કે, અમને તમે વધુમાં વધુ ખાલી ડબ્બા આપો તો અમે પક્ષીઓ માટે રહેઠાણ સમા સુંદર ઘર બનાવી આપીએ.

વેસ્ટ ડબ્બાઓને કોઠાસુઝથી માળામાં પરિવર્તિત કરીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે.
વેસ્ટ ડબ્બાઓને કોઠાસુઝથી માળામાં પરિવર્તિત કરીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે.

કોઠાસૂઝથી માળા બને છે
જીઆઈડીસીમાંથી રિક્ષા મારફતે ઈન્કના ખાલી ડબ્બા લાવવામાં આવે છે. બાદમાં તેને છૂટા પાડી ડબ્બામાં રહેલી થોડી ઘણી ઈન્ક કાઢીને ઢાંકણા તથા બૂચ અલગ કાઢી સાદા પાણીથી ધોઈ નાખવામાં આવે છે. બાદમાં ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. જેથી સ્ટીકર અલગ થઈ જાય અને ડબ્બા રહેલા કેમિકલ છૂટા પડી જાય. બાદમાં પક્ષી માળામાં જઈ શકે તે માટેનો એક મોટો હોલ ડબ્બામાં પાડવામાં આવે છે. ત્યારબાદ ડ્રિલીંગ મશીનથી પક્ષીઓને માળામાં હવા મળી રહે તે માટે હોલ કરવામાં આવે છે. તથા ડબ્બાના તળીયે પણ હોલ કરવામાં આવે છે. જેથી માળામાં થોડુ ઘણું પાણી ન રહે. તથા બાદમાં જે મોટો હોલ પાડ્યો તેમાંથી વધેલા પ્લાસ્ટિક પર લોખંડનો તાર બાંધીને માળો તૈયાર કરવામાં આવે છે.

આ રીતે માળાને લગાવી શકાય
પ્લાસ્ટિકના મજબૂત ડબ્બામાંથી તૈયાર થયેલા માળાને ઘરમાં કે વૃક્ષની ડાળીઓ પર લગાવી શકાય છે. માળા પવનમાં વધારે ડોલે નહીં તે માટે નીચે તળિયે નાના નાના પથ્થર મૂકવા જોઈએ. જેથી પક્ષીઓને પોતે બનાવ્યા હોય તેવા માળાનો અહેસાસ થઈ શકે. વેસ્ટમાંથી બનેલા બેસ્ટ માળાઓ પક્ષીઓ માટે નવું આશીર્વાદરૂપ રહેઠાણ સાબિત થઈ શકે છે.

રજાના દિવસે અને રાત્રે એકઠા થઈને વ્યવસાયિકો દ્વારા માળા બનાવવામાં આવે છે.
રજાના દિવસે અને રાત્રે એકઠા થઈને વ્યવસાયિકો દ્વારા માળા બનાવવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...