વિવાદ:વ્યાજ સાથે દેવું ચૂકવ્યા છતાં વધુ નાણા માટે દાદાગીરી, ​​​​​​​ફરિયાદના આધારે વ્યાજખોરની આખરે ધરપકડ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ વ્યાજ માટે મહિલાના પતિને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠાના વ્યાજખોરે યુવક પાસેથી વધુ પૈસાની માંગણી કરીને દાદાગીરી કર્યા બાદ આધે૰ડને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને વ્યાજખોરને ઝડપી લીધો હતો. શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠામાં રહેતા લક્ષ્મીબેન મનુભાઇ ચૌહાણે સયાજીગંજ પોલીસમાં વ્યાજખોર ઇન્દ્રવદન ઉર્ફે પાંડુ મણિલાલ માયાવંશી સામે ફરીયાદ નોંધાવી હતી.

તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમના જમાઇ ઉમેદભાઇને બિમારીમાં ત્રણ વર્ષ પહેલાં પૈસાની જરુર હોવાથી તેમણે વચેટીયા તરીકે રહીને તેમના પાડોશી ઇન્દ્રવદન ઉર્ફે પાંડુ પાસેથી અલગ અલગ વ્યાજદરથી 1.50 લાખ રુપીયા લીધા હતા. પહેલાં 50 હજાર 5 ટકા વ્યાજે અને બીજી વાર 50 હજાર 6 ટકા વ્યાજે તથા ત્રીજી વાર 50 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા ત્યારબાદ તેમણે સાથે રહીને પાડોશીના જમાઇએ પાંડુ માયાવંશીને વ્યાજ સહિત 3 લાખ રુપીયા આપ્યા હતા.

વ્યાજ સાથે પૈસા ચુકવ્યા હોવા છતાં પાંડુ માયાવંશીએ તેમની પાસેથી વધુ વ્યાજ સાથે 3 લાખ રુપીયાની માંગ કરી હતી અને ત્યારબાદ તેમના ઘેર આવી મહિલાના પતિ મનુભાઇ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વ્યાજખોરે અરાજકતા સર્જીને ભયનું વાતાવરણ ઉભુ કરતાં મહિલાએ પોલીસમાં ફરીયાદ કરી હતી.

વ્યાજખોર પાસે નાણાં ધીરધાર કરવાનું લાયસંસ કે પરવાનો પણ ન હતો છતાં વ્યાજે રુપીયા આપીને બળજબરીથી પૈસા માંગી ભય પેદા કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં સયાજીગંજ પીએસઆઇ એમ.પી.ચૌધરીએ ઇન્દ્રવદન ઉર્ફે પાંડુ માયાવંશી સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો.પોલીસે બનાવના સંબંધમાં વિવિધ લોકોની પુછપરછ કરી ગહન તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...