જાંબુઆ નદીના બ્રિજ પર અકસ્માત:ટ્રકે ટક્કર મારતાં દાદા-પૌત્રનાં મોત; 3 કિલોમીટર સુધી ચક્કાજામ સર્જાયો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક દાદા-પૌત્રની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક દાદા-પૌત્રની ફાઇલ તસવીર.
  • સાંકડા બ્રિજ પર વારંવાર અકસ્માત થવા છતાં તંત્રનાં આંખ મિચામણાં

શિનોરના મીઢોળ ગામેથી મારેઠા પરત આવી રહેલા દાદા અને પૌત્રને અકસ્માત નડતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. જાંબુઆ નદી પર આવેલા સાંકડા બ્રિજ પર પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતાં દાદા અને પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં દાદાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 6 વર્ષના પૌત્રને એસએસજી હોસ્પિટલમાં ખસેડાતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મારેઠા ગામમાં રહેતા 60 વર્ષના ઠાકોરભાઈ ખોડાભાઈ પાટણવાડિયા ખેતીકામ કરતા હતા. શનિવારે તેઓ તેમના 6 વર્ષના પૌત્ર શિવમને લઈ શિનોરના ગામે રહેતી તેમની પુત્રીને ત્યાં ગયા હતા અને રવિવારે સવારે પરત આવી રહ્યા હતા. દરમિયાન જાંબુઆ નદીના સાંકડા બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે ઠાકોરભાઈના મોપેડને ટક્કર મારતાં તેઓ અને પૌત્ર શિવમ રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં ઠાકોરભાઈનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પૌત્ર શિવમને માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મારેઠા ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે 3 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના પગલે મકરપુરા પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં ખસેડી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાઇવે પર વાહનોની અવરજવર માટે 3 લેન છે. જ્યારે જાંબુઆ નદી પર આવેલા બ્રિજ પર જતાં જ રોડ ટુ લેન થઈ જાય છે. જેના કારણે અવાર-નવાર અકસ્માતની ઘટના બને છે. તેમ છતાં તંત્ર આંખ મિચામણા કરી રહ્યું છે.

ટ્રાફિકજામને કારણે વાહનો જાંબુઆમાંથી નીકળતાં ગ્રામજનોમાં રોષ, વાહનો રોક્યાં
રવિવારે સવારે અકસ્માત સર્જાયા બાદ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં વાહનો જાંબુઆ ગામમાંથી થઈ વડોદરા તરફ જતાં હતાં. તે સમયે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. અવાર-નવાર થતા અકસ્માત બાદ વાહનો ગામમાં પ્રવેશતાં હોવાથી ગામમાં પણ અકસ્માત સર્જાવાની ભીતિના પગલે ગ્રામજનોએ વિરોધ કરી વાહનો અટકાવ્યાં હતાં. અંતે મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.