મ.સ. યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભની તૈયારીઓ શરૂ કરાઈ છે. પદવીદાન સમારંભના આયોજન માટે સમીક્ષા બેઠક મળી હતી. જોકે હજુ સુધી ચીફ ગેસ્ટનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. આ વખતે પદવીદાન સમારંભમાં 15 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે. 18મી તારીખે પદવીદાન સમારંભ યોજાશે.
મ.સ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો દ્વારા પદવીદાન સમારંભ યોજવામાં નહિ આવે તો ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે વીસી દ્વારા તાત્કાલિક પદવીદાન સમારંભની તારીખો જાહેર કરાઈ હતી. છેલ્લા કેટલાય સમયથી પદવીદાન સમારંભની તારીખો જાહેર કરાઈ રહી નહતી, જેના કારણે વિદ્યાર્થી પરેશાન થઇ ગયા છે.
ડિગ્રી વગર તેમનો વધુ અભ્યાસ અટકી ગયો છે. સિન્ડિકેટની બેઠકમાં પણ સભ્યો દ્વારા વારંવાર વીસીને પદવીદાન સમારંભની તારીખો જાહેર કરવા માટેની ટકોર કરાઈ હતી. જોકે તેમના દ્વારા ચીફ ગેસ્ટ નક્કી ન થતાં તારીખો જાહેર કરાઈ નહોતી. આખરે સિન્ડિકેટ સભ્યોએ ધરણાંની ચીમકી ઉચ્ચારતાં પદવીદાન સમારંભની તારીખો જાહેર કરી દેવાઈ હતી.
યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સોમવારે પદવીદાન સમારંભની તૈયારી માટે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં કોન્વોકેશન ગ્રાઉન્ડ પર કેવી રીતે આયોજન કરવું તે અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ હતી. પરીક્ષા વિભાગને પણ ડિગ્રી પ્રિન્ટિંગ કરવા સહિતની બાબતો અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઇ-મેઇલના માધ્યમથી ડિગ્રી લેવા આવવા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે જાણ કરાશે. પદવીદાન સમારંભના આયોજન માટે મળેલી બેઠકમાં ચીફ ગેસ્ટ અંગે કોઇ નામ નક્કી કરાયું ન હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું. 9 માર્ચે સિન્ડિકેટની બેઠક છે, જેથી તેમાં મુખ્ય અતિથિના નામની જાહેરાત વીસી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.