વાઘોડિયા તાલુકામાં રહેણાક બિલ્ડિંગની સ્કીમ મૂકી ફરિયાદી અને તેમના સંબંધી પાસેથી 11 ફ્લેટના બુકિંગ અને બાનાખત પેટે રૂા.49 લાખ પડાવનાર વડોદરાના બિલ્ડર પિતા-પુત્ર રશ્મીકાંત દવે અને જીગ્નેશ દવે સામે વાઘોડિયા પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.
વાઘોડિયા તાલુકામાં લક્ષ્મી એવન્યુ નામથી સાઈટ ચાલુ કરનારા બિલ્ડર પિતા-પુત્ર રશ્મીકાંત દવે અને જીગ્નેશ દવે (અક્ષર અમૃત ફ્લેટ, અટલાદરા-બિલ રોડ)ની સાઈટમાં ફરિયાદી રાકેશ ઉમેશચંદ્ર અગ્રવાલ (વલ્લભ ટાઉનશિપ, આજવા રોડ) અને તેમના બનેવી રોહિત ગોપાલદાસ અગ્રવાલ, ભરત ઓમપ્રકાશ અગ્રવાલે 8 ફ્લેટ રૂા. 37.30 લાખમાં ખરીદવાનો સોદો કર્યો હતો. ફરિયાદીએ બાનાખતના 34 લાખના બે ચેક આપ્યા હતા. વાઘોડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બાનાખાત કરી રજિસ્ટર કરાવી બિલ્ડર પિતા-પુત્રે ફ્લેટ 3 મહિનામાં આપવા કહ્યું હતું.
બિલ્ડરે વેચાણ દસ્તાવેજના અલગથી 5 લાખ પણ RTGS મારફતે એકાઉન્ટમાં લીધા હતા. ત્યારબાદ બિલ્ડર પિતા-પુત્રે ફ્લેટના દસ્તાવેજ માટે ગલ્લાં-તલ્લાં કર્યાં હતા. જેથી ફરિયાદીને શંકા જતા તેમણે મિલકત બાબતનો સર્ચ રિપોર્ટ કઢાવતાં તેમણે જે ફ્લેટ બુક કરાવ્યા હતા તે પૈકી એક ફ્લેટ વિજય ત્રિકમભાઈ પવાર (કમલાપાર્ક સોસાયટી, હરણી-વારસિયા રિંગ રોડ)ને બિલ્ડર જીગ્નેશ દવેએ બાનાખત કરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
અન્ય એક ફ્લેટ મુકેશ શાહ નામના વ્યક્તિને બનાખાત કરી આપ્યા બાદ તેને રદ કરીને ફરીથી તે જ ફ્લેટ મુકેશ શાંતિલાલ શાહને બાનાખત કરી આપ્યો હતો. છતાં બિલ્ડર પિતા-પુત્રે 5 લાખ લીધા હતા. ફરિયાદ અનુસાર આરોપી પિતા-પુત્રે તેમની જાણ બહાર જ 8 ફ્લેટના બાનાખત રદ કરાવી નાખ્યાં હતા તેમજ આ ફ્લેટના રૂપિયા તેમણે લઈ લીધા હતા.
ફરિયાદીના સંબંધી સાથે પણ બિલ્ડર પિતા-પુત્રની ઠગાઈ
ફરિયાદીના સંબંધી નારાયણ અશોકભાઈ અગ્રવાલ (ગોખલેબાગ સોસાયટી, અકોટા) પાસે પણ બિલ્ડર પિતા-પુત્રે 3 ફ્લેટ રૂા.13.05 લાખમાં વેચાણ આપવાનું નક્કી કરીને રૂા.10 લાખ પડાવી લીધા હતા. જ્યારે નારાયણભાઈને વેચેલા ફ્લેટ આરોપીઓએ અલકાબેન પરવડિયાને વેચી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.