મુલાકાત:સરકારી કાયદા અને નિયમો સિંગલ ડોક્ટર હોસ્પિટલનો મૃત્યુઘંટ વગાડશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલોને કેવી અને કઇ સમસ્યા નડે છે તે વિશે તબીબોએ વિચારો રજૂ કર્યા
  • તબીબોને​​​​​​​ જે રીતે ભયમાં રખાય છે તે જોતાં કોઇ સર્જન બનતાં પણ અચકાશે

કોરોનાનો કપરો કાળ પૂરો થયા બાદ હોસ્પિટલો અને તબીબોએ રાબેતા મુજબ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે સરકારી નિયમો-કાયદાના પાલનમાં અને દર્દીઓના સ્વજનો દ્વારા થતા હુમલાને પગલે તેઓ સતત તાણમાં રહે છે. આ ઉપરાંત વીમા કંપનીઓની આડોડાઇને લીધે પણ તબીબો અને હોસ્પિટલોને મુશ્કેલી પડે છે. તબીબોની કઇ મુશ્કેલીઓ પડી રહી છે અને તેનો ઉકેલ કેવી રીતે આવી શકે સહિતના મુદ્દે તેમણે પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે...

જે વસ્તુ વીમામાં નથી તેના માટે રકઝક
સરકારે મા કાર્ડની સુવિધા લોકો માટે આપી છે. જોકે તે અંતર્ગત વૈભવી કાર લઇને લોકો આવે છે અને મફત સારવાર લે છે. મેડિક્લેઇમ હોય તો જે વસ્તુઓ મફત નથી મળતી તે માટે રકઝક થાય છે. આ માટે વીમા કંપનીઓએ લોકોને વિગતે સમજાવવાની જરૂર છે. - ડો. વિનય શર્મા, એચસીજી હોસ્પિટલ

દર્દીના સગાના હોબાળા બંધ થાય
​​​​​​​દર્દીની સારવાર પૂરી થાય તે સમયે તેઓ કોઇ મુદ્દો પકડી હોબાળો કરે છે, જે બંધ થાય તે જરૂરી છે. આ માટે તેમને માર્ગદર્શન આપવું જોઇએ. આ માટે આઇએમએ દ્વારા વિવિધ કમિટીઓ પણ બનાવવામાં આવી છે, જે તબીબોને આવી સ્થિતિમાં મદદ કરે છે. - અમોલ બિકાને, એચસીજી હોસ્પિટલ

​​​​​​​ સ્કીલ્ડ નર્સિંગ સ્ટાફ મળતો નથી
વડોદરામાં હોસ્પિટલો એટલી બધી ખૂલી છે કે તબીબો જ નહીં સ્કીલ્ડ નર્સિંગ સ્ટાફ પણ મળતો નથી. નર્સિંગ સ્ટાફમાં અગાઉ જેવી કરુણા રહી નથી. બીજી તરફ હોસ્પિટલમાં મોબને કંટ્રોલ કેવી રીતે કરવો તે વિશે કોલેજોમાં વિદ્યાર્થીઓને સમજ અપાય છે. - ડો. નીરજ પંડિત, સુમનદીપ હોસ્પિટલ

​​​​​​​ જૂના ભાવથી સારવાર કરવા દબાણ
નાની હોસ્પિટલના તબીબોની એક મોટી મુશ્કેલી એ છે કે, વીમા કંપનીઓ તબીબોને દબાણ કરે છે કે, ક્લેઇમ ત્યારે પાસ કરશે જો 2012ના ભાવે સારવાર કરાશે. આ ભાવે સારવાર કેવી રીતે થાય? વીમા કંપનીનું આ દબાણ નાની હોસ્પિટલો બંધ કરાવશે. - ડો. પરિતા પંડ્યા, ઇએન્ડટી સર્જન

સરકારી નિયમથી ખર્ચ વધતાં હોસ્પિટલ ચલાવવામાં મુશ્કેલી
સરકારી નિયમો અને કાયદાઓને લીધે ખર્ચ વધતાં ડોક્ટરોને પોતાની હોસ્પિટલો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. દર્દીઓ પણ હવે સિંગલ ડોક્ટર હોસ્પિટલથી મોટી હોસ્પિટલોમાં જતા થયા છે. જેના પગલે તબીબોનું નામ ભૂંસાઇ ગયું છે. કોર્પોરેટ હોસ્પિટલોને જ લોકો ઓળખે છે.- ડો.બિનલ શાહ, ગાઇનેકોલોજિસ્ટ

​​​​​​​ સંઘર્ષ ટાળવા કાઉન્સેલિંગ વેળા સગાનું રેકોર્ડિંગ કરાય છે
કેટલાક દર્દીઓના સગા-વહાલાઓ સારવાર પૂરી થઈ ગયા બાદ હોબાળો મચાવતા હોય છે. તેથી હવે દર્દીના સગાને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે છે ત્યારે સીસીટીવી અને ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. પરિણામે તબીબો કે હોસ્પિટલ આગામી સમયના સંઘર્ષ ટાળી શકે. - ડો. આકાશ ચાવડા, રિધમ હોસ્પિટલ

​​​​​​​ વીમા કંપની કેસની તપાસ માટે અયોગ્ય કર્મીને મોકલે છે
વીમા કંપનીઓ દર્દીને ઓછું વળતર આપવું પડે તે માટે સતત નવા નવા નિયમો હેઠળ ડોક્યુમેન્ટ્સની માગણી કરતી હોય છે. એટલું જ નહીં ન્યૂરોલોજીના જટિલ કેસની તપાસ માટે હોમિયોપેથીના જાણકારને મોકલે છે અને તે નક્કી કરે છે કે કેટલો વીમો પાસ કરાય. આ કેટલું યોગ્ય છે? - ડો. વિશાલ ઝિંઝુવાડિયા, ગેસ્ટ્રોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...