વિકાસની આંધળી દોટમાં વડોદરામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને કોંક્રીટના જંગલો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. પરિણામે વડોદરામાં જળસ્તર ધીમે ધીમે નીચું જઇ રહ્યું છે. સોસાયટીઓના બોરના પાણી નીચે ઊતરી ગયા છે. તેમ છતાં, પર્કોલેટિંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવાના બબ્બે વાર બહાર પાડેલા સરકારના GDCRનો વડોદરા મહાનગરપાલિકાએ કડક અમલ કર્યો નથી. છેલ્લા 3 વર્ષમાં વડોદરા શહેર અને શહેરની આસપાસ અનેક નવી સોસાયટીઓ બની ગઈ છે. પરંતુ 3 વર્ષમાં માત્ર 188 જેટલી જ સોસાયટીઓમાં પર્કોલેટિંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગનો અમલ કરાવવામાં કોર્પોરેશન સફળ થયું છે. જે સોસાયટીઓના બિલ્ડરો દ્વારા આ સુવિધાઓ પૂરી પાડી નથી, તેવી સોસાયટીઓને OC,CC અને BU જેવા સર્ટિફિકેટ્સ પણ આપી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
PM મોદીએ વડોદરા જિલ્લામાં વોટર હાર્વેસ્ટિંગનો ઉલ્લેખ કર્યો હતો
નોંધનીય બાબત એ છે કે, કલેક્ટર પદે કાર્યરત હતા ત્યારે વડોદરા જિલ્લામાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરીમાં એવોર્ડ મેળવનાર શાલિની અગ્રવાલ હાલ મ્યુનિસિપલ કમિશનર પદે હોવા છતાં, વડોદરામાં વોટર હાર્વેસ્ટિંગની અસરકારક કામગીરી કરાવી શક્યા નથી. માત્ર એટલું જ નહીં, વડોદરા જિલ્લામાં વોટર હાર્વેસ્ટિંગનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કર્યો છે.
સરકારે 2006માં GDCR બહાર પાડ્યો
જમીનમાં ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચુ લાવવા માટે રાજ્ય સરકારે વર્ષ-2006માં નવી બનતી તમામ સોસાયટીઓમાં ફરજિયાત પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગ (જમીનમાં વરસાદી પાણી ઉતારવા માટેની સિસ્ટમ) બનાવવા માટે GDCR બહાર પાડ્યો હતો. પરંતુ, કોર્પોરેશન દ્વારા તેનો કડક અમલ કરાવવામાં આવતો ન હતો. વર્ષ-2017-18માં ફરી નવો GDCR આવ્યો હતો. જેમાં નવી બનતી સોસાયટીઓમાં ફરજિયાત પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગ બનાવવા માટે જણાવવામાં આવ્યું તેમ છતાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવતો નથી અને ઓફિસોમાં બેઠા જ બિલ્ડરોને CC, OC અને BU જેવા સર્ટિફિકેટો આપવામાં આવી રહ્યા છે.
બિલ્ડર વોટર હાર્વેસ્ટિંગની સુવિધા આપતા નથી
કોર્પોરેશન દ્વારા નવી બનતી સોસાયટીને આપવામાં આવતી રજા ચિઠ્ઠીમાં જમીનના ક્ષેત્રફળ મુજબ એટલે કે, 4000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનતી સોસાયટીમાં એક પરકોલેટીંગ વેલ,8000 સ્ક્વેર ફૂટ જગ્યામાં 2 પરકોલેટીંગ વેલ 12 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં 3 પરકોલેટીંગ વેલ બનાવવાના હોય છે, એટલે કે જેટલી જમીનનું ક્ષેત્રફળ હોય તે મુજબ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગ બનાવવા તેમ સ્પષ્ટ જણાવવામાં આવે છે. તેમ છતાં, બિલ્ડરો દ્વારા આ સુવિધા આપવામાં આવતી નથી અને કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પણ કોઇ પણ જાતની સાઇટ વિઝીટ વગર તમામ સર્ટિફિકેટ્સ બિલ્ડરોને આપી રહ્યા છે.
જળસ્તર નીચે જતો રહેતાં બોર બંધ થઇ ગયો
વાઘોડિયા રોડ ઉપર આવેલી શ્યામલ રેસિડેન્સીમાં રહેતા વિરલ પટેલે જણાવ્યું હતું કે, હું મારી સોસાયટીમાં છેલ્લાં 5 વર્ષથી રહું છું. બિલ્ડર દ્વારા અમને આપવામાં આવેલી રજા ચિઠ્ઠીમાં કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, બે પર્કોલેટિંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગ બનાવવા. તેમ છતાં આજ સુધી અમારા બિલ્ડર દ્વારા બનાવી આપવામાં આવ્યા નથી. કોર્પોરેશન દ્વારા CC, OC અને BU જેવા સર્ટિફિકેટ્સ કેવી રીતે આપી દીધા, તે એક તપાસનો વિષય છે. અમારી સોસાયટીમાં બોર છે. પરંતુ, જળસ્તર નીચે જતું રહેતા બોર બંધ થઈ ગયો છે. જો બિલ્ડર દ્વારા જે તે સમયે જ પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગ કરી દીધું હોત તો આજે અમારો બોર કાર્યરત હોત અને અમારે પાણી વેચાતુ લાવવાનો વખત આવ્યો ન હોત. દરેક સોસાયટીમાં પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ફરજિયાત અમલ કરાવવો જોઇએ તેવી મારી લાગણી અને માંગણી છે.
80-20નો પ્રોજેક્ટ કાગનો વાઘ પુરવાર થયો
વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત રૂપિયા 3 કરોડના ખર્ચે શહેરની કોર્પોરેશનની 92 જેટલી ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. તે જ રીતે વડોદરાની સોસાયટીઓમાં પણ 80-20 સ્કીમ હેઠળ વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. પરંતુ, આ બંને પ્રોજેક્ટ કાગળ ઉપરના ઘોડા પુરવાર થયા છે. શહેરના મેયર કેયુર રોકડિયાએ સોસાયટીઓમાં 80-20 સ્કીમ હેઠળ વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ અંતર્ગત પોતાની જેતલપુર રોડ ઉપર આવેલી અનુપમ સોસાયટીમાં વોટર હાર્વેસ્ટિંગનું કામ કરાવ્યું હતું અને પ્રસિદ્ધી મેળવી હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ કાગળ ઉપર જ ચાલી રહ્યો છે. આગામી ચોમાસા પૂર્વે આ બંને પ્રોજેક્ટ અમલમાં આવે તેવી કોઇ શક્યતાઓ નથી. કોર્પોરેશનના ચોક્કસ સ્વાર્થ હોવાના કારણે વોટર હાર્વેસ્ટિંગની કામગીરી માટે સાત વખત ટેન્ડરીંગ કરવા છતાં, કોઈ આ કામ કરવા માટે કોઇ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવા તૈયાર નથી.
સોસાયટીઓમાં વોટર હાર્વેસ્ટિંગનો કડક અમલ કરાવાશે
વડોદરા જિલ્લામાં એક હજાર જેટલા વોટર હાર્વેસ્ટિંગની કામગીરીમાં ભારત સરકાર તરફથી એવોર્ડ મેળવનાર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વરસાદનું પાણી ભગવાનનો પ્રસાદ છે. એની જાળવણી કરવી દરેક નાગરીકની ફરજ છે. વડોદરા શહેર અને તેની આસપાસ બનેલી અને બની રહેલી સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગની સુવિધા કરવામાં આવી નથી. તેવી સોસાયટીઓમાં કડકપણે અમલ કરાવવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં 80-20ની સ્કીમ હેઠળ સોસાયટીઓમાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની ટેન્ડરની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. જોકે, આગામી ચોમાસા પહેલાં સોસાયટીઓમાં 80-20 સ્કીમ હેઠળ વોટર હાર્વેસ્ટિંગનો અમલ થવો શક્ય લાગતો નથી. તેમ છતાં, પ્રયત્ન કરીશું.
80-20ના પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં પાણીના જળસ્તર નીચે ઉતરી રહ્યા છે. પાણીના જળસ્તર ઉંચા લાવવા માટે વરસાદના પાણીને જમીનમાં ઉતારવા કોર્પોરેશન દ્વારા સોસાયટીમાં 80-20નો પ્રોજેક્ટ આગામી ટૂંક સમયમાં લાવી રહી છે. હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સોસાયટીઓમાં 80-20 સ્કીમ હેઠળ વોટર હાર્વેસ્ટિંગની કામગીરી માટે દરેક ઝોનમાં રૂપિયા 50 લાખ પ્રમાણે રૂપિયા 2 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં આ બંને પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે તેવો તેમણે દાવો કર્યો છે. જોકે, આગામી ચોમાસામાં પહેલાં આ બંને પ્રોજેક્ટમાંથી એક પણ પ્રોજેક્ટ અમલમાં આવે તેવી કોઇ શક્યાઓ નથી.
તો પાણી પેટ્રોલના ભાવે ખરીદવાનો વખત આવશે
નિવૃત્ત જિયોલોજિસ્ટ હરીન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા નવી સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગ માટે બનાવવામાં આવેલી નવી ડિઝાઇનમાં સુધારો કરવાની જરૂર છે. આ ડિઝાઇન વર્ષો જુની છે. એન્જિનિયરીંગ સેવા ટ્રસ્ટ અને દિવ્ય સેવા ટ્રસ્ટ સાથે મળી 500 જેટલા પરકોલેટીંગ વેલ અને વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરનાર હરીન્દ્ર પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, હજુ પણ તંત્ર અને શહેરીજનો માટે સમય છે. વરસાદમાં વેડફાતું પાણી જમીનમાં ઉતારવામાં નહીં આવે તો પાણી પેટ્રોલના ભાવે ખરીદવાનો વખત આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.