તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Government Announces 25 Per Cent Fee Waiver, Demands 50 Per Cent Fee Waiver From Vadodara Parents Association, School Administrators To Knock On Court Door

વાલીઓ-સંચાલકો આમને-સામને:સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરતા વડોદરા પેરેન્ટ્સ એસો.ને 50 ટકા ફી માફીની માગ કરી, શાળા સંચાલકો કોર્ટના દ્વાર ખખડાવશે

વડોદરા3 મહિનો પહેલા
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના સભ્ય મુકુંદભાઇ પટેલ અને વડોદરા ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ઉત્પલ શાહ
  • ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ કહે છે કે, સરકાર ફીમાં રાહતનું જાહેરનામું બહાર પાડશે, ત્યારે અમે જાહેરનામાને કોર્ટમાં પડકારીશું

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને સ્કૂલોમાં 25 ટકા ફીમાં રાહત આપવાની જાહેરાત કરતા વાલી મંડળ અને ખાનગી શાળા સંચાલક મંડળ ફરીથી એકવાર આમને સામને આવી ગયા છે. વાલી મંડળે 25 ટકા ફીમાં આપવામાં આવેલી રાહતને આવકારવા સાથે આ વર્ષે 50 ટકા માફી આપવાની માગણી કરી છે. જ્યારે ખાનગી શાળા સંચાલક મંડળે ચીમકી આપી છે કે, જો સરકાર 25 ટકા ફી માફી આપવાની વાત કરશે તો ખાનગી સંચાલક મંડળ કોર્ટના દ્વાર ખખડાવશે.

બે હજાર વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાંથી એડમિશન રદ કરાવી સરકારી શાળામાં પ્રવેશ લીધો
કોરોનાની મહામારીમાં અનેક પરીવારોની હાલત કફોડી બની ગઇ છે. સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને ફી ભરવાની પણ તાકાત રહી ન હતી. અનેક વાલીઓએ ખાનગી શાળાઓની કમરતોડ ફી ભરાતી ન હોવાથી પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. વડોદરામાં બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાંથી એડમિશન રદ કરાવીને સરકારી શાળામાં પ્રવેશ લઈ લીધો છે. હજી પણ ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ એડમિશન રદ કરીને સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવી રહ્યા છે.

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને 50 ટકા ફી માફીની માગ કરી
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે પણ શાળાઓમાં વિદ્યાર્થીઓને 25 ટકા રાહત આપવા માટેની જાહેરાત કરતા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના સભ્ય મુકુંદભાઇ પટેલે સરકારની જાહેરાતને આવકારી છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, શાળાઓમાં હવે કોઈ ખર્ચ રહ્યો નથી અને વાલીઓની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે સરકારે આ વર્ષે ફીમાં 50 ટકા રાહત આપવા અમારી માગણી છે.

સરકાર ફીમાં રાહતનું જાહેરનામું બહાર પાડશે, ત્યારે અમે જાહેરનામાને કોર્ટમાં પડકારીશું
તો બીજી બાજુ વડોદરા ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ઉત્પલ શાહે જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા વિદ્યાર્થીઓને 25 ટકા ફી રાહત આપવાની જાહેરાત કરી છે, પરંતુ તે સામે અમારો વિરોધ છે. સરકાર જે દિવસે ફીમાં રાહત માટેનું જાહેરનામું બહાર પાડશે, ત્યારે અમે સરકારના જાહેરનામાને કોર્ટમાં પડકારીશું.

50 ટકા ફીમાં રાહત આપવાની વાલીઓની માગ
ઉલ્લેખનીય છે કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સ્કૂલો શરૂ કરવામાં આવી નથી, પરંતુ, સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મોટાભાગની સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર 15થી 20 મિનિટ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને વધુ પડતું હોમ વર્ક આપીને ઓનલાઇન શિક્ષણ પૂરું કરી દેવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા આ વર્ષે 50 ટકા ફીમાં રાહત આપવા વાલીઓની માગ ઉઠી છે.

સરકારના જાહેરનામાને અમે કોર્ટમાં પડકારીશું
રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા વિદ્યાર્થીઓને 25 ટકા ફી રાહત આપવાની જાહેરાત કરી છે, તે સામે અમારો વિરોધ છે. સરકાર જે દિવસે ફીમાં રાહત માટેનું જાહેરનામું બહાર પાડશે, ત્યારે અમે સરકારના જાહેરનામાને કોર્ટમાં પડકારીશું.> ઉત્પલ શાહ, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

​​​​​​​50 ટકા વિદ્યાર્થીઓની ગત વર્ષની ફી પણ બાકી
ગત વર્ષે ફીમાં રાહત અપાયા બાદ 50 ટકાથી વધુ વિદ્યાર્થીની ફી બાકી છે. લોકડાઉન પહેલાંની પણ ફી બાકી છે. શાળા સંચાલકોની આર્થિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. 25 ટકા ફી માફીની જોગવાઇ રખાશે તો સંચાલકોની સ્થિતિ પર માઠી અસર થશે. > આર.સી. પટેલ, પ્રમુખ, શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...