આક્ષેપ:ગોત્રી પોલીસે પીધેલા પકડાયેલા યુવાનને માર માર્યાનો આક્ષેપ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યો

શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવકે ગોત્રી પોલીસ મથકમાં પીઆઈએ તેને માર માર્યો હોવાના આક્ષેપ કરી સારવાર લીધી હતી. ગત 16મી તારીખના રોજ શહેરના પશાભાઈ પાર્કમાંથી પીધેલી હાલતમાં પકડાયા બાદ યુવકને પોલીસ મથકમાં માર મારવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા તમામ આક્ષેપને રદિયો આપવામાં આવ્યો હતો.

શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા હરીશ રમેશ શર્મા અને પશાભાઈ પાર્કમાં આવેલા સારથી એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેન્દ્ર ચંદ્રકાંત ખોપડેને ગોત્રી પોલીસે ગત 16મી તારીખે રાત્રે પશાભાઈ પાર્કમાં આવેલા સાથી એપાર્ટમેન્ટમાં પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. જેમાં પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ત્રણ દિવસ બાદ મંગળવારે હરીશ રમેશ વર્મા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

તેણે ગોત્રી પોલીસ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત 16મી તારીખે તેમને ગોત્રી પોલીસે નશાની હાલતમાં પકડી પોલીસ મથકે લઇ ગઇ હતી અને ત્યાં પીઆઇ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેના કારણે પગ અને હાથના ભાગે ઇજાઓ પહોંચતાં મંગળવારે સારવાર લેવા માટે તે એસએસજી ખાતે પહોંચ્યો છે. બીજી તરફ ગોત્રી પોલીસ મથકના પીઆઇ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી તેઓ રજા પર છે અને તેમને આ બાબતની કોઇ જાણકારી નથી. તેઓએ હરીશ શર્માએ કરાયેલા આક્ષેપોને રદીયો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...