તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની સેવાભાવી નર્સ:ગોત્રી GMERS હોસ્પિટલના ડેપ્યુટી મેટ્રન વર્ષા રાજપૂત અને તેમની 300 નર્સે 5 હજાર દર્દીઓને સાચવ્યાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડેપ્યુટી મેટ્રન વર્ષા રાજપૂત - Divya Bhaskar
વડોદરાના ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડેપ્યુટી મેટ્રન વર્ષા રાજપૂત
  • અઢી મહિના હૉસ્પિટલને જ ઘર બનાવ્યું, એકસાથે 180 દર્દી આવતાં કલાકોમાં બેડ અને ભોજનની વ્યવસ્થા કરી

કોરોનાની બીજી વેવનો સામનો મેડિકલ સ્ટાફ માટે મોટો પડકાર હતો. રાજ્યની અન્ય હૉસ્પિટલની જેમ વડોદરાના ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના ડેપ્યુટી મેટ્રન વર્ષા રાજપૂત અને તેમની ટીમની 300 નર્સે અસામાન્ય કામગીરી કરીને કપરા સમયને સાચવી લીધો હતો. વર્ષાબેને સળંગ અઢી મહિના માટે હોસ્પિટલને જ પોતાનું ઘર બનાવ્યું હતું. દર્દીઓને સાચવવા ઉપરાંત તેમના ભોજન, બેડની વ્યવસ્થા તથા કોરોનાના સાધનો આવે તો તેનું મેનેજમેન્ટ કરવા જેવી અનેક પ્રકારની જવાબદારીઓ તેમણે સંભાળી હતી.

વર્ષાબેનની તસવીર
વર્ષાબેનની તસવીર

ભાસ્કર સાથે વાત કરતા વર્ષાબેન જણાવે છે કે ગત વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયામાં એકવાર એક સાથે 180 દર્દીઓને લાવવામાં આવ્યાં , જે હોસ્પિટલના રૂમમાં કે ગાદલા પર સૂવા તૈયાર ન હતા. તેમના માટે રાત્રે જ ખીચડી-કઢીને વ્યવસ્થા કરવી પડી, સૂવા માટે પાર્કિંગ સ્પેસમાં જગ્યા ફાળવી. જોકે નર્સિંગ સ્ટાફના સહકાર વિના આ શક્ય ન હતુ. આ તૈયારીઓ પૂરી કરતા રાતના બે વાગી ગયા હતા. ગત વર્ષે એપ્રિલથી જુલાઇ સુધીનો ગાળો એવો હતો કે, રોજના સરેરાશ 250થી વધુ કોલ એટેન્ડ કરવા પડતા હતા.

આ ઉપરાંત કામગીરીના મેનેજમેન્ટ માટેની જુદી જુદી કમિટીઓના 10થી વધુ વોટ્સએપ ગ્રૂપ પર સતત એક્ટિવ રહીને દરેક મુદ્દાઓના જવાબ ઉપરી અધિકારીઓને આપવાના અનુભવને તેઓ પડકારજનક અને સુખદ ગણાવે છે. આ મહિનાઓ દરમિયાન જયાં સુધી દર્દીની હાલત વિશે પરિવારજનોને નિયમિત માહિતી આપવાની નક્કર વ્યવસ્થા ગોઠવાઇ ન હતી. ત્યાં સુધી હોસ્પિટલ પરિસરમાં જ રહેતા દર્દીના પરિવારજનો નર્સિંગ સ્ટાફ પાસેથી જ દર્દીની હાલત કેવી છે તે જાણવાની આશા રાખતા હતા. આવી રીતે પણ મદદરૂપ થવાને લીધે પણ એક સંતોષ અનુભવાતો હતો.

તેઓ પોતાના સંતોષ વિશે વાત કરતા કહે છે કે,જ્યારે કોરોના ડ્યુટિ કરીને નડિયાદ ઘરે પહેલીવાર ગઇ હતી ત્યારે સોસાયટીના લોકોએ ફુલોથી સ્વાગત કર્યું, હોસ્પિટલમાં કોરોના ડ્યુટિ કરતા જ દર્દીઓના સંખ્યાબંધ પરિવારો સાથે પરિચય થયો આ બાબતો આજીવન યાદગાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...