વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરા ડિવિઝનના સમલાયા -ડભોઇ-કરજણ 96.46 કિમી રૂટની 884 કરોડના ખર્ચે ગેજ કન્વર્ઝન અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી 2017માં શરૂ કરાઈ હતી. જે પૈકી ડભોઇ-કરજણ 30 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઇ છે. 31 માર્ચના રોજ ગુડ્સ ટ્રેન માટે આ રૂટ ખુલ્લો મૂકવામાં આવશે. જ્યારે આગામી જૂન મહિનામાં મુસાફરો માટે પણ આ રૂટ ખુલ્લો મુકાશે.12 માર્ચના રોજ રેલવે દ્વારા સફળ ટ્રાયલ કરાયો હતો.
વડોદરા ડિવિઝનના આ પ્રોજેક્ટને પગલે પ્રાથમિક તબક્કે 100 ગામોને સામાનની હેરફેર માટે તેમજ ખેત પેદાશોને સરળતાથી દેશના અન્ય ભાગોમાં મોકલવામાં અનુકૂળતા રહેશે. વેસ્ટર્ન રેલવે દ્વારા આ રૂટ પર ડભોઇ ખાતે સામાન મૂકી શકાય તેવું મોટું વેરહાઉસ બનાવાયું છે. આ રૂટના 6 સ્ટેશન ડેવલપ કરાઈ રહ્યા છે. કોરોનામાં 3 મહિના પ્રોજેક્ટ મોડો થયો હોવાનું રેલવે સત્તાધીશોએ જણાવ્યું છે. સમલાયા- ડભોઇ વચ્ચેની કામગીરીમાં જમીન સંપાદનનો પ્રશ્ન સ્થાનિક કલેક્ટર ઓફિસ ખાતેથી ધીમી ગતિએ ચાલતો હોવાનું જણાવ્યું હતું.
ડભોઇ-સમલાયા વચ્ચે 2024 સુધી કામ પૂર્ણ થશે. ડભોઇ જીઆઇડીસીની 0.4 હેક્ટર જમીન સંપાદનમાં ડભોઇ કલેક્ટર કચેરીથી વિલંબ થતો હોવાથી રેલવે દ્વારા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને 23 ફેબ્રુઆરીએ ફાઈલ સુપ્રત કરી ઝડપથી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. જમીન સંપાદન થાય તો કેવડિયા જતી ટ્રેનનું એન્જિન ડભોઇ વળાવવામાંથી છુટકારો મળે અને 50 મિનિટનો સમય બચે.
ખેડૂતોને 20 કરોડ ચૂકવવાના બાકી
વડોદરા રેલવે ડિવિઝનના બાંધકામ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા જણાવ્યા મુજબ ડભોઇ કરજણની કામગીરી પૂર્ણ થઇ છે, પરંતુ ડભોઇ એસડીએમ દ્વારા ખેડૂતોને નાણાં ચૂકવવા માટેની જરૂરી કામગીરી કરવામાં આવી નથી. અંદાજે 25 કરોડ પૈકી માત્ર 5.80 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે સમલાયા વચ્ચે 9 ગામની જમીન સંપાદન કરવાની બાકી છે.
મે માસના અંતમાં CRS કરાશે
મેના અંતમાં કમિ. ઓફ રેલવે દ્વારા ઇન્સ્પેક્શન થવાની શક્યતા છે.જૂનના પહેલા વીકમાં ડભોઇથી કરજણ વચ્ચે મુસાફરી શરૂ કરી શકાશે.31 માર્ચથી ગુડ્સ શરૂ કરાશે. > અમિત ગુપ્તા, ડીઆરએમ, વડોદરા
ફેક્ટ ફિગર
શું ફાયદો થશે ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.