વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 71,912 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,265 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. ત્રીજી લહેરની સંભાવનાને પગલે વડોદરામાં આજે બુધવારે બીજા ડોઝ માટે વેક્સિનેશન થશે.
મંગળવારે ગ્રામ્ય વિસ્તારમાં એક પણ નવો કેસ નોંધાયો નહીં
વડોદરા શહેરમાં મંગળવારે કોરોનાના 2 કેસ નોંધાયા હતા, જ્યારે 5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વડોદરામાં સરેરાશ 644 ટેસ્ટિંગ પર એક પોઝિટિવ કેસ આવ્યો હતો. વડોદરા શહેરના બે કેસ પૈકી એક શહેરના પશ્ચિમ વિસ્તારના વાસણા રોડ વિસ્તારમાં અને દક્ષિણ ઝોનના એક મકરપુરામાં નોંધાયો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં હાલ 24 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જે પૈકી ઓક્સિજન પર બે દર્દી અને વેન્ટિલેટર પર એક દર્દી સારવાર લઇ રહ્યો છે. હાલમાં શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ મેળવી ચૂકેલા દર્દઈઓની સંખ્યા વધીને 71265 થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે એક પણ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નવો નોંધાયો ન હતો.
સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીનું મોત
સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઇકોસિસનો વધુ એક દર્દીનું મંગળવારે મોત નીપજ્યું હતું. વધુ એક દર્દીનું મોત નિપજતાં સયાજીમાં કુલ મૃત્યુઆંક 82 પર પહોંચ્યો છે. મંગળવારે ગોત્રી હોસ્પિટલમાં 14 સર્જરી કરવામાં આવી હતી અને એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જ્યારે સયાજી હોસ્પિટલમાં 20 દર્દીઓની સર્જરી કરાઇ હતી અને 2 દર્દી ડિસ્ચાર્જ કરાયા હતા.
આજે સેકન્ડ ડોઝ માટે સ્પેશિયલ વેક્સિનેશન
શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝ લેનાર ની સંખ્યા 92 ટકા ઉપરાંત પહોંચી છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગાંધીનગર બાદ વડોદરા શહેર રસીકરણ માં પોતાનું સ્થાન ધરાવે છે સેકન્ડ ડોઝ માટે બેકલોક ઘટાડવાના આશયથી છેલ્લા ત્રણ રવિવારથી રસીકરણ ચાલુ રાખવામાં આવે છે, ત્યારે હવે મમતા દિવસની આજે બુધવારની રજા પણ રદ કરી સેકન્ડ ડોઝ માટેનું સ્પેશિયલ વેક્સિનેશન કરવામાં આવશે.
બીજો ડોઝ લેનારની સંખ્યા વધારવા રાજ્યસ્તરથી પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા રસીકરણમાં બીજો ડોઝ લેનારની સંખ્યા વધારી શકાય તે માટે રાજ્યસ્તરથી પ્રયાસ હાથ ધરાયા છે. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આજે માત્ર સેકન્ડ માટેનું સ્પેશિયલ વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું છે. મંગળવારે યોજાયેલા વેક્સિનેશનમાં કુલ 9991 લોકોએ રસી મૂકાવી હતી જે પૈકી માત્ર 3130 લોકોએ સેકન્ડ ડોઝ દીધો હતો. 18 વર્ષથી ઉપરના 4477 લોકોએ પ્રથમ ડોઞ અને 1537 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 45થી ઉપરના 1783 લોકોએ પ્રથમ ડોઝ અને 836 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 60 વર્ષથી ઉપરના પ્રથમ અને બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા સરખી 403 હતી.
રાજ્યમાં ૩૫ લાખનો બેકલોક ઘટી 31 લાખ થયો
એમ્યુનાઇઝેશનના ડેપ્યુટી ડાયરેક્ટર એન.પી. જાનીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સેકન્ડ ડોઝ લેનારનો બેકલોગ 35 લાખ જણાતા રાજ્ય સરકારે સેકન્ડ ડોઝનુ સ્પેશ્યલ વેક્સિનેશન શરૂ કરાવ્યું છે. જેને પગલે એક મહિનામાં જ 35 લાખનો બેકલોગ ઘટી 31 લાખ થયો છે. બુધવારે પણ રસીકરણ શરૂ કરાવતા ટૂંક સમયમાં આ સંખ્યા ખૂબ જ નહીંવત રહેશે
વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,754 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,912 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9662 પશ્ચિમ ઝોનમાં 11,922, ઉત્તર ઝોનમાં 11,769, દક્ષિણ ઝોનમાં 11,769, વડોદરા ગ્રામ્યમાં 26,751 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
મંગળવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ વાસણા રોડ, મકરપુરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.