વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને પસાર થયેલા એક બાઈકચાલકે અડફેટમાં લીધી હતી. આ ઘટનામાં મહિલા તેમજ બાઈકચાલકનું બંનેનું સ્થળ પર કરુણ મોત નીપજ્યુ હતું. આ બનાવને પગલે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો પહોંચી ગયા હતા. બંનેના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ બાઈક ફુલ સ્પીડમાં અથડાતી હોવાની સીસીટીવી સામે આવ્યા છે.
અકસ્માતમાં બેનાં મોત
મળેલી માહિતી પ્રમાણે જૂના પાદરા રોડ ઉપર રહેતાં મંજુલાબેન ભીખાભાઇ પટેલ નામની મહિલા દૂધ લેવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન અક્ષર ચોક તરફથી બાઈક લઈને પૂરપાટ આવી રહેલા બાઇકચાલક રાધવ સુબોધભાઈ ખેરસિંગર (ઉ.વ.25) એ મહિલાને અડફેટમાં લીધી હતી. જેમાં મહિલાનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. તે સાથે મોટરસાઇકલ ચાલક પણ રોડ ઉપર પટકાતાં તેનું પણ સ્થળ પર મોત નીપજ્યું હતું.
લોકો દોડી આવ્યા
વહેલી સવારે આ ઘટના બનતાની સાથે જ લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં અને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. તે સાથે પરિવારજનો અને સોસાયટીના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયાં હતાં.
મોર્નિંગ વોકમાં નીકળ્યા હતાં
આ ઘટના બનતા મોર્નિંગ વોકમાં નીકળેલા સુભાષભાઈએ ઘટના અંગે જણાવ્યું હતું કે, મંજુલાબેન પટેલ અમારી સોસાયટીની બાજુમાં આવેલી સોસાયટીમાં પરિવારની સાથે રહેતાં હતાં. સવારે 6 વાગે તેઓ દૂધ લેવા માટે નીકળ્યાં હતાં. અક્ષર ચોક તરફથી પૂરપાટ આવી રહેલા બાઇકચાલકે તેઓને અડફેટમાં લીધાં હતાં. જેમાં તેમનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું. સાથે બાઇકચાલક યુવાનનું પણ મોત નીપજ્યું હતું.
મરનાર યુવાન મૂળ મધ્યપ્રદેશનો
જૂના પાદરા રોડ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દેનાર આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે.પી. પોલીસ મથકના પીએસઆઇ આર. સી. વાળંદે જણાવ્યું હતું કે, મરનાર યુવાન મૂળ મધ્યપ્રદેશનો છે. માતા વિધવા છે. માતા MPથી વડોદરા આવવા નીકળી ગયાં છે. યુવાન એકલો રહેતો હતો અને સવારે નોકરી પર જવા નીકળ્યો હતો.
બાળકી નહોતી-પોલીસ
સમગ્ર કેસની તપાસ કરનાર પીએસઆઈ આર.સી.વાળંદએ જણાવ્યું હતું કે, અમે આ અકસ્માતની તપાસ દરમિયાન મહિલા એકલા જ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. આ મહિલા સાથે કોઈ બાળકી ન હોય તેવું તપાસમાં જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.