તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MLAને ધમકી:ગોધરાના BJPના ધારાસભ્ય અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી, ફોન કરીને કહ્યું: 'અમારા ગામમાંથી નીકળવા દઇશું નહીં, ક્યારેક પતાવી દઇશું'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય સી.કે. રાઉલજી અને તેમના પુત્ર માલવસિંહ રાઉલજી - Divya Bhaskar
ધારાસભ્ય સી.કે. રાઉલજી અને તેમના પુત્ર માલવસિંહ રાઉલજી
  • ધારાસભ્યના પુત્રએ ધમકી આપનાર સામે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે. રાઉલજી અને તેમના પુત્ર માલવસિંહ રાઉલજીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. માલવસિંહ રાઉલજીએ આ મામલે ધમકી આપનાર પ્રવિણ ચારણ સામે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમારા ગામમાંથી નીકળવા દઇશું નહીં અને ક્યારેક પતાવી દઇશું
ગોધરાના ભાજપના ધારાસભ્યના પુત્ર માલવસિંહ રાઉલજીએ આપેલી ફરિયાદ પ્રમાણે ગામના કામો બાબતે ગોધરાના વાવડી(ખુર્દ) ગામના રહેવાસી પ્રવિણ ચારણ ઉર્ફે પી.કે. નામના શખસે ફોન કરીને ધમકી આપી હતી કે, અમારા મતોથી તમે ચૂંટણી જીતો છો. અમે જે કામો કરીએ તે કામો થવા જોઇએ, નહીંતર તમને અમારા ગામમાંથી નીકળવા દઇશું નહીં, ક્યારેક પતાવી દઇશું. આ ઉપરાંત અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ધારાસભ્ય કહે છે કે, પીધેલી હાલતમાં ફોન કર્યો હતો અને ધમકીઓ આપી
ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે, મને એક વ્યક્તિએ ગઇકાલે પીધેલી હાલતમાં ફોન કર્યો હતો અને ધમકીઓ આપી હતી. હું તે વ્યક્તિને ઓળખતો પણ નથી. માલવસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ફોન કર્યાં હતા અને હવે ફરીથી ફોન કરીને મને અને મારા પિતાને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અમે જેમ કહીને તે પ્રમાણે તમારે કામ કરવાના છે, તેમ કહેતો હતો. જેથી મે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પંચમહાલ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ
પંચમહાલ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ

આરોપીને શોધવાની કાર્યવાહી ચાલી રહી
પંચમહાલ જિલ્લા પોલીસ વડા લીના પાટીલે જણાવ્યું હતું કે, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ધમકી આપી હતી કે, તમે અમારા કામો કરતા નથી. તેમના પુત્રને પણ અજાણ્યા શખસે ફોન કર્યો હતો, જેથી આ બાબતે તેમના પુત્રએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ બાબતે આરોપીને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...