દીપક નાઇટ્રેટમાં થયેલા ધડાકા અંગે તેની નજીક જ આવેલી કંપનીના સિક્યુરિટી ગાર્ડે આંખે દેખ્યો અહેવાલ રજૂ કર્યો હતો અને ધડાકો કેટલો પ્રચંડ હતો તે અંગે જણાવ્યુ હતું. જેમાં મેઘમણી કંપનીના સિક્યુરીટી ગાર્ડ વિનુ ચૌહાણે જણાવ્યુ હતું કે, દીપક નાઇટ્રેટમાં એટલો પ્રચંડ ધડાકો થયો હતો કે, બોઇલરના ફૂરચે ફૂરચા ઊડી ગયા હતા. ધડાકાની સાથે બોઇલરના પાર્ટ્સ નજીકમાં આવેલી મેઘમણી કંપનીના કમ્પાઉન્ડમાં પડ્યા હતા અને તેના કારણે મેઘમણી કંપનીમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
બ્લાસ્ટના કારણે અમારી રૂબામીન કંપનીના કાચ તૂટી ગયા : સિક્યુરીટી ગાર્ડ
જ્યારે રૂબામીન કંપનીના સિક્યુરીટી ગાર્ડ યોગેશ ગોડીયાએ જણાવ્યુ હતું કે, દીપક નાઇટ્રેટ કંપનીનો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, અમારી રૂબામીન કંપનીના કાચ તૂટી ગયા હતા. બ્લાસ્ટના કારણે પાણીના જગ પણ વેરવિખેર થઇ ગયા હતા અને ફોલ સીલિંગમાં તિરાડો પડી ગઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ધરતી ધ્રુજી ગઇ હતી અને જાણે ધરતીકંપ આવ્યો હોય તેવું લાગ્યું હતું. બ્લાસ્ટના કારણે કંપની ખાલી કરાવવામાં આવી હતી.
SSGમાં 5 તબીબોની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ, મોડી રાત્રે NDRF બોલાવી મદદ લેવામાં આવી
દીપક નાઇટ્રેટ કંપનીની ઘટનાના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. કંપનીમાં જે રીતે ધડાકા થતા હતા તે જોતા એક સમયે મોટી કેઝ્યુલિટીની સંભાવના ઊભી થઇ હતી અને તેના કારણે સયાજી હોસ્પિટલમાં પણ 5 તબીબની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. જ્યારે મોડી રાત્રે NDRFની ટીમને પણ રેસ્ક્યુ કરવામાં મદદ માટે બોલાવવમાં આવી હતી.
રણોલી ખસેડાયેલાને BAPSએ ખીચડી મોકલી
દીપક નાઇટ્રેટમાં થયેલા બ્લાસ્ટને પગલે નંદેસરીથી કંપનીની આસપાસ રહેતાં સેંકડો લોકોને રણોલી ખસેડવામાં આવ્યા હતાં. જેને પગલે તેઓના રહેવા અને જમવાનો પ્રશ્ન પણ ઉભો થયો હતો. જોકે અટલાદરા ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા 1000 લોકોની ખીચડી બનાવી તાત્કાલીક મોકલવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.