પ્રેમિકાને સાથે જીવવાના અને સાથે મરવાના આપેલા વચનને પૂરું કરવા યુવાને પ્રેમિકા સાથે કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી ગઇ છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે તે માટે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું. જરોદ આઉટ પોસ્ટ પોલીસે નર્મદાના વહેતા પાણીમાં લાપતા પ્રેમીપંખીડાની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરાવી છે. પોલીસે સ્થળ ઉપરથી મળેલી યુવાનની મોટરસાઇકલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દિલીપભાઈ ધનાભાઈ રાઠવા (ઉ.વ.19) પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામે રહેતો હતો. દિલીપને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અને તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે દિલીપના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધોથી અજાણ પરિવારજનોએ દિલીપના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કર્યા હતા. અને દિલીપના લગ્ન આગામી તા. 7 એપ્રિલના રોજ નક્કી કર્યા હતા. દિલીપના પરીવારજનો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. દિલીપના લગ્નની કંકોત્રીઓનું વિતરણ પણ ચાલી રહ્યું હતું. દરમિયાન દિલીપ પોતાની પ્રેમિકા સાથે મોટરસાઇકલ લઈને ભાગી ગયો હતો. આ વાતની જાણ પરિવારજનોને થતાં તેઓએ શોધખોળ શરૂ કરી હતી.
બીજી બાજુ દિલીપ પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયા તાલુકાના જરોદ નજીક આવેલ રાજપૂરા ગામ પાસે પહોંચ્યા હતા. જ્યાં ગામના પાદર પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં દિલીપ અને તેની પ્રેમિકાએ પડતું મૂકયુ હતું. નહેરમાં કોઈએ ઝંપલાવ્યાની જાણ થતાં સ્થાનિકોના ટોળા ભેગા થયા હતા. ઉપરાંત આ અંગેની જાણ જરોદ આઉટ પોસ્ટ પોલીસને થતાં કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિપીલની મોટરસાઈકલ મળી આવી હતી, જેને પોલીસે કબ્જે કરી છે.
આ અંગે જરોદ આઉટ પોસ્ટના હે.કો. રાયસીગભાઇએ જણાવ્યું હતું કે, રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લાના કંજરી ગામના દિલીપ રાઠવાએ એક યુવતી સાથે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા શોધખોળ ચાલી રહી છે. તેની સાથે કોણ યુવતી હતી. તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે કેનાલમાં યુવતી સાથે પડતું મુકનાર દિલીપના ભાઇ પ્રવિણભાઇ રાઠવાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા જ ફળિયામાં રહેતી ઉર્મિલા રાઠવા નામની યુવતી પણ શુક્રવારે બપોરથી ગૂમ છે. પરંતુ, ભાઇ દિલીપે સાથે કેનાલમાં પડતું મુકનાર યુવતી કોણ છે. તેની ખબર નથી. કંજરી ગામમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.